યુદ્ધમાં સાથ આપવા હમાસે કહ્યું પણ અગાઉ ભૂંડી રીતે હારી ચૂકેલા આરબ દેશો ઈઝરાયેલ સામે હથિયાર ઉઠાવશે ?
Israel Palestine conflict: હમાસે ગઈકાલ શનિવારે ઈઝરાયેલ સામે શરુ કરેલા યુદ્ધ બાદ પેલેસ્ટાઈનની સાથે કાયમ ઉભા રહેવાનો દાવો કરનારા આરબ દેશો પર હવે દબાણ વધી ગયું છે. આ દિવસોમાં ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની રહી હતી. તેવા સમયે ઈસ્લામિક દેશોને હમાસે ઈઝરાયેલની સામે શરુ કરેલા 'મિલિટરી ઓપરેશન'માં સહયોગ કરવાની અપીલ કરી છે.
પેલેસ્ટાઈનના સશસ્ત્ર સંગઠન હમાસે અચાનક જ ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરી દીધું છે. ગઈકાલ શનિવાર, 7 ઓક્ટોબરની સવારે, હમાસે ઈઝરાયેલ ઉપર 5,000 રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલમાં લોકો સ્થાનિક તહેવારની ઉજવણી કરી રહ્યા હતા અને તહેવારને અનુલક્ષીને એક રેલી કાઢીને અલ-અક્સા મસ્જિદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે જ રોકેટ મારાથી સમગ્ર ઈઝરાયેલમાં હાહાકાર મચાવી દીધો હતો. હમાસે તેને ‘મિલિટરી ઓપરેશન’ ગણાવ્યું છે અને આરબ દેશોને ‘મિલિટરી ઓપરેશન’ને સાથ આપવા અપીલ પણ કરી છે. છેલ્લા કેટલાક સમયમાં ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સંબધોમાં નિકટતા વધી રહી હતી.
દરમિયાન, જ્યારે હમાસના હુમલાખોરોએ ઇઝરાયલના શહેરોમાં ઘૂસીને અને ઈઝરાયેલના કેટલાક વિસ્તારો ઉપર કબજો કરવાનો દાવો કરી કર્યો છે, ત્યારે ઈઝરાયેલ અને હમાસ ‘યુદ્ધ’ મેદાનમાં છે. આવા સંજોગોમાં શું આરબ દેશો પેલેસ્ટાઈનના હમાસની અપિલને માન આપીને ઈઝરાયેલ સામે યુદ્ધે ચડશે કે નહી એ એક મોટો સવાલ છે. અગાઉના યુદ્ધોમાં આરબ દેશ ઇઝરાયલથી પરાજિત થયા હતા. આ સંજોગોમાં આરબ દેશો પેલેસ્ટાઇનના સમર્થનમાં આવશે ? વર્તમાન સમયમાં સુધરેલા સંબંધોને લઈને કેટલાક આરબ દેશો ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ‘મિત્ર દેશ’ હોવાનું કહેવાય છે.
ઇઝરાયેલના મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયેલમાં હમાસે કરેલા ઠેર ઠેર હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે, અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સરહદી વિસ્તારોના શહેરોમાં મોટું નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક શહેરોમાં આગ લાગવાના બનાવો બન્યા છે. હમાસના હુમલાને કારણે ઈઝરાયેલામાં ઠેર ઠેર અરાજકતાનો માહોલ સર્જાયો છે. લોકો સરકાર પાસે મદદ માગી રહ્યા છે. અચાનક થયેલા હુમલાથી ચોંકી ઉઠેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, પેલેસ્ટાઈન સામે યુદ્ધની જાહેરાત કરી હતી. તેમણે આ યુદ્ધને “ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ”નું નામ આપ્યું છે. ઈઝરાયેલનુ એરફોર્સ, પેલેસ્ટાઈનમાં ગાઝા પટ્ટી પર હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલ તરફથી પણ હવાઈ હુમલાની સાથે જમીની હુમલાઓ પણ શરુ કરી દેવાયા છે.
ઇઝરાયેલ, આરબ અને ઇસ્લામિક દેશો વચ્ચેના સંબંધો
વર્ષોના સંઘર્ષ બાદ, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, મોરોક્કો અને સુદાન જેવા દેશોએ ઈઝરાયેલ સાથે ‘શાંતિ’ સ્થાપી છે. હમાસે ઈસ્લામિક દેશોને પણ ‘મિલિટરી ઓપરેશન’માં ઈઝરાયેલ સામે લડવા માટે સહયોગની અપીલ કરી છે. આવી સ્થિતિમાં, પેલેસ્ટાઈન 57 ઇસ્લામિક દેશો પર દબાણ લાવવા મથી રહ્યું છે. આ એવા દેશ છે જે ઓઆઇસીના સભ્ય છે અને પેલેસ્ટાઇનના મુદ્દે ઇઝરાયલ સાથે વિવાદમાં હંમેશાથી પેલેસ્ટાઇનની પડખે ઉભુ રહ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મુદ્દે મોટાભાગના ઓઆઇસીના સભ્ય દેશોનો અભિપ્રાય પેલેસ્ટાઈન તરફી સ્પષ્ટ રહ્યો છે. સીરિયા, જોર્ડન અને ઈરાક જેવા દેશો પણ અગાઉના યુદ્ધમાં ઈઝરાયેલના હાથે પરાજિત થયા છે. જ્યારે આ દેશોની આંતરિક રાજકીય સ્થિતિ હાલમાં અસ્થિર છે.
શું આરબ દેશો તેમની છેલ્લી હાર યાદ કરશે?
ઇઝરાયેલ તેની સ્થાપના બાદ આજદીન સુધીમાં આરબ દેશો સાથે ત્રણ યુદ્ધ લડી ચુક્યું છે. 1948 ના યુદ્ધમાં, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા અને ઇરાકે સાથે મળીને ઇઝરાયેલ સામે યુદ્ધ કર્યું હતું. પોતાના અસ્તિત્વ માટેના આ સંઘર્ષમાં, ઇઝરાયેલે લડાયક યુદ્ધ લડીને આરબ દેશોના મોટા ભાગ ઉપર કબજો કરી લીધો હતો. યુદ્ધનો આ વિવાદ આરબ દેશો સાથેનો હજુ પણ વણઉકેલ્યો છે. જો કે હવે આરબો દેશોએ પણ તેના વિશે ઈઝરાયેલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે.
1967ના યુદ્ધમાં, ઇઝરાયેલની સેનાએ આગેકૂચ કરીને સીરિયાથી ગોલાન હાઇટ્સ, જોર્ડનથી પૂર્વ જેરુસલેમ સહિત પશ્ચિમ કાંઠા અને ઇજિપ્તમાંથી ગાઝા પટ્ટી અને સિનાઇ દ્વીપકલ્પ પર કબજો કર્યો હતો. 1973ના ત્રીજા હુમલામાં આરબોએ ઈઝરાયેલને કબજે કરેલા વિસ્તારમાથી ભગાડી દીધુ હતું. જો કે હમાસે સાથે મળીને ઈઝરાયેલની સામે આવવાની અપીલનો હજુ સુધી કોઈ પ્રત્યુતર આરબ દેશોએ પાઠવ્યો નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો