બાંગ્લાદેશને દારૂગોળો મોકલી રહ્યું છે પાકિસ્તાન, શું બાંગ્લાદેશ ભારત માટે બનશે નવી સમસ્યા ?
બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધનું આંદોલન એટલું હિંસક બન્યું કે દેશમાં બળવો થયો અને 15 વર્ષથી દેશના વડાપ્રધાનની ગાદી પર રહેલા શેખ હસીનાને દેશ છોડવો પડ્યો. જો કે હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.
પહેલા આંદોલન પછી બળવો અને હિંદુઓ પર હિંસા બાંગ્લાદેશમાં કટ્ટરવાદી ષડયંત્રની તસવીરો જોઈને દુનિયા ચોંકી ગઈ હતી. બાંગ્લાદેશ પોતાની આગમાં જ સળગી રહ્યું છે અને ઢાકામાં હિંસાની આગ અટકી રહી નથી. હવે બાંગ્લાદેશની કટ્ટરવાદી સરકારે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો ઓર્ડર આપીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાનના હથિયારો કેટલું લોહી વહાવી શકે છે તે ત્યાંની લેટેસ્ટ તસવીરો પરથી સમજી શકાય છે. પરંતુ બાંગ્લાદેશના નવા શાસકોએ દેશને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.
ત્રણ હપ્તામાં પહોંચાડવામાં આવશે દારૂગોળો
બાંગ્લાદેશથી પાકિસ્તાનને ત્રણ હપ્તામાં હજારો રાઉન્ડ દારૂગોળો પહોંચાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, આ દારૂગોળાનું વિતરણ સપ્ટેમ્બરમાં શરૂ થશે. હસીનાએ પદ છોડ્યાના થોડા દિવસો બાદ જ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશને દારૂગોળો સપ્લાય કરી રહ્યું છે. જો કે, સંખ્યા સામાન્ય કરતાં ઘણી વધારે હોવાનું જણાય છે.
પાકિસ્તાન સાથે દારૂગોળાની આ ડીલ બાંગ્લાદેશમાં એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં તાજેતરમાં સત્તા પરિવર્તન થયું છે અને અરાજકતાનો માહોલ છે. ઢાકા સહિત દેશભરમાં ભારે વિરોધ બાદ 5 ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદ અને દેશ છોડવો પડ્યો હતો. હસીનાએ હાલમાં ભારતમાં આશરો લીધો છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.
કેટલા દારૂગોળાની નિકાસ કરવામાં આવશે ?
આ દારૂગોળો તોપખાનામાં ઉપયોગમાં લેવાનો છે જે 30 કિમીથી 35 કિમી સુધીના લક્ષ્યો પર હુમલો કરી શકે છે. નિકાસ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને ડિસેમ્બરમાં સમાપ્ત થશે અને તે ત્રણ શિપમેન્ટમાં થવાની છે. તેમાં 40,000 થી વધુ રાઉન્ડ દારૂગોળો, વિસ્ફોટકો અને હાઇ સ્પીડ પ્રોજેક્ટાઇલ્સ માટે 40 ટન આરડીએક્સનો સમાવેશ થાય છે, જેની સંખ્યા 2900 છે. જો કે, ગયા વર્ષે 2023ની શરૂઆતમાં 12,000 રાઉન્ડ દારૂગોળાનો ઓર્ડર હતો.
પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી (POF) બોર્ડના નિકાસ વિભાગે ઉત્પાદન વધારવા માટે તેના તમામ કારખાનાઓને ઓર્ડરની યાદી મોકલી છે. POF દ્વારા હવેલીયન, સંજવાલ અને ગડવાલના વિવિધ વિભાગોના મેનેજિંગ ડિરેક્ટરોને મોકલવામાં આવેલા પત્રમાં પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં લશ્કરી નિકાસની વિગતો આપવામાં આવી છે.
બાંગ્લાદેશના આ ઓર્ડરને નવી સરકારના પાકિસ્તાન અને ચીન તરફના ઝુકાવ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ઘણા સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીનાને પીએમ પદેથી હટાવવાના વિરોધમાં પાકિસ્તાન અને ચીનની ગુપ્તચર એજન્સીઓનું સમર્થન હતું. શેખ હસીનાને ભારત તરફી માનવામાં આવે છે, જ્યારે BNP અને જમાતને પાકિસ્તાનની નજીક માનવામાં આવે છે.
બાંગ્લાદેશ દારૂગોળોનો ઉપયોગ ક્યાં કરવા માંગે છે ?
બાંગ્લાદેશ ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને ચોથી બાજુએ બંગાળની ખાડી છે, જે ભારતને વારંવાર પ્રશ્ન કરવા મજબૂર કરે છે કે બાંગ્લાદેશ આર્મી તેના દારૂગોળોનો ઉપયોગ ક્યાં કરવા માંગે છે ?
બીજો સવાલ એ થાય કે, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હતી ત્યારે, બાંગ્લાદેશમાં કાર્યરત પાકિસ્તાન સમર્થક પાર્ટી જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર આવતાની સાથે જ આ પાર્ટી પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે, આ એ સુચવે છે કે, ક્યાંકને ક્યાંક ભારત વિરોધી ષડયંત્ર તો નથી થઈ રહ્યું ને ? આ ઉપરાંત બાંગ્લાદેશ ચીન સાથે પણ સંબંધો વધારે મજબૂત કરી રહ્યું છે. ત્યારે ભારતના બંને દુશ્મન દેશો સાથે બાંગ્લાદેશની વધતી નિકટતા ભારત માટે એક સંકેત છે.
જમાત-એ-ઇસ્લામી
જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી છે. આ પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન ખૂબ જ મજબૂત છે. તેના પર દેશમાં હિંસા અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ ઉપરાંત ભારતમાં બાબરી ધ્વંસ પછી પાર્ટી પર બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી રમખાણો ભડકાવવાનો પણ આરોપ હતો. જમાત-એ-ઇસ્લામીની છબી ભારત વિરોધી રહી છે. જ્યારે પાકિસ્તાનની સમર્થક છે.
ઈસ્લામિક કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ હટતાની સાથે જ ભારત વિરોધી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. પાર્ટીના વડા શફીકુર રહેમાનને ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી માનવામાં આવે છે. શફીકુર રહેમાને એક નિવેદનમાં કહ્યું કે, ભારતે બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ. જે દર્શાવે છે કે, જમાત-એ-ઇસ્લામીની છબી ભારત વિરોધી રહી છે.
2013માં હાઈકોર્ટે જમાત-એ-ઈસ્લામી પાર્ટીના મેનિફેસ્ટોને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ પછી પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 2018માં ચૂંટણી પંચે જમાતનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરી દીધું હતું. વચગાળાની સરકારે તેમના પરનો પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં તેના પર ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ હજુ પણ અમલમાં છે.
ભારતના ભાગલાનો વિરોધ કરતી પાર્ટી બાદમાં પાકિસ્તાન સમર્થક બની
બ્રિટિશ શાસન દરમિયાન 1941માં જમાત-એ-ઈસ્લામી પાર્ટીની સ્થાપના થઈ હતી. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, પાર્ટીએ ભાગલાનો વિરોધ કર્યો હતો. પાર્ટીનું માનવું હતું કે ભાગલાથી મુસ્લિમ એકતા જોખમાશે. આ દેશના મુસ્લિમોને અલગ કરશે. પાર્ટીએ આ અંગે જિન્નાની મુસ્લિમ લીગના વિચારોનો વિરોધ કર્યો.
જો કે, આઝાદી પછી પાર્ટીના નેતાઓએ મુસ્લિમ લીગને ટેકો આપ્યો. પાર્ટીનું વલણ હંમેશા પાકિસ્તાન તરફી રહ્યું છે. તે શરિયા કાયદાના અમલની પણ માંગ કરી રહી છે. પાર્ટીએ 1971માં અલગ બાંગ્લાદેશની રચનાનો વિરોધ કર્યો હતો. પાર્ટીએ બાંગ્લાદેશની આઝાદીની ચળવળ સામે ઝુંબેશ પણ ચલાવી હતી. જમાતના નેતાઓ પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા અને લઘુમતીઓ પર હુમલો કરવાનો આરોપ છે.
બાંગ્લાદેશની સેના કેટલી તાકતવર છે ?
બાંગ્લાદેશનું સૈન્ય રેન્કિંગ વિશ્વમાં 37મું છે. આ નાના દેશનું ક્ષેત્રફળ 1.48 લાખ ચોરસ કિલોમીટરથી વધુ છે. જે 580 કિલોમીટર લાંબી દરિયાઈ સરહદ ધરાવે છે. તેની આંતરરાષ્ટ્રીય સરહદની લંબાઈ લગભગ 4413 કિલોમીટર છે. કુલ વસ્તી લગભગ 16.72 કરોડ છે.
જો આપણે બાંગ્લાદેશની તમામ સેનાઓને સામેલ કરીએ તો તેની પાસે કુલ 69.63 લાખ સૈનિકો છે. જેમાંથી 1.63 લાખ સક્રિય છે. બાંગ્લાદેશ પાસે રિઝર્વ ફોર્સ નથી. પરંતુ 68 લાખનું અર્ધલશ્કરી દળ ચોક્કસપણે છે. એરફોર્સમાં 17,400, આર્મીમાં 1.60 લાખ અને નેવીમાં 25,100 સૈનિકો છે.
એરફોર્સ પાસે 44 ફાઈટર જેટ
જો એરફોર્સની વાત કરીએ તો બાંગ્લાદેશ એરફોર્સ પાસે કુલ 216 એરક્રાફ્ટ છે. જેમાંથી 44 ફાઈટર જેટ છે. 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે.આ સિવાય 87 ટ્રેનર્સ છે. જેમાંથી 52 સક્રિય છે. ચાર ખાસ મિશન એરક્રાફ્ટ છે. બાંગ્લાદેશ પાસે કુલ 73 હેલિકોપ્ટર છે. જેમાંથી 44 સક્રિય છે.
320 ટેન્ક, 437 આર્ટિલરી અને 71 રોકેટ લોન્ચર
સેનાની તાકાતની વાત કરીએ તો બાંગ્લાદેશ આર્મી પાસે 320 ટેન્ક છે. આ સિવાય વિવિધ પ્રકારના 13,100 વાહનો છે. જેમાંથી 9170 હંમેશા અવરજવરમાં હોય છે. આ સિવાય સેના પાસે 27 સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી એટલે કે ઓટોમેટિક તોપો છે. જેમાંથી 19 હંમેશા તૈયાર હોય છે. તો 437 ટોવ્ડ આર્ટિલરી છે. 71 મલ્ટી-લોન્ચ રોકેટ સિસ્ટમ છે.
નેવી બહુ મજબૂત નથી, પરંતુ નાના યુદ્ધ જહાજો છે
બાંગ્લાદેશ નેવી પાસે કુલ 117 જહાજો છે. તેમની પાસે કોઈ એરક્રાફ્ટ કેરિયર્સ, હેલિકોપ્ટર કેરિયર્સ, ડિસ્ટ્રોયર નથી. 7 ફ્રિગેટ્સ, 6 કોર્વેટ અને 2 સબમરીન છે. આ સિવાય 55 પેટ્રોલ વેસલ્સ છે. 5 માઈન વોરફેયર છે. એટલે કે દરિયામાં લેન્ડમાઈન બિછાવતા જહાજો છે.