Paper Leak Case : પેપરલીક કાંડમાં વધુ બે આરોપીની ગુજરાત ATS એ કરી ધરપકડ, બંને આરોપી મૂળ બિહારના
ગુજરાત ATS એ બિહાર ના નિશીકાંતસિંહા કુશવાહા અને સુમિતકુમાર રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, બંને આરોપી મૂળ બિહારના છે અને વડોદરા ખાતે રહે છે.
બહુચર્ચિત પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. કોલકત્તાથી વધુ 2 આરોપીને ઝડપી લેવાયા છે. બિહારના નિશીકાંતસિંહા કુશવાહા અને સુમિતકુમાર રાજપૂતની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપી મૂળ બિહારના છે અને હાલમાં વડોદરા રહે છે.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ મુદ્દે વધુ કેટલાક પૂરાવાઓ રજૂ કર્યા હતા. યુવરાજસિંહે જણાવ્યું હતુ કે પેપરકાંડ પાછળ મુખ્ય વડોદરા અને અરવલ્લી ગેંગ સામેલ છે. તેમણે દાવો કર્યો કે દરેક પેપરલીકના તાર એકબીજા સાથે જોડાયેલા છે. આથી વર્ષ 2014 પછીની તમામ ભરતી પરીક્ષાઓની SIT અથવા CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.
વર્ષ 2014 પછીની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તપાસ કરવા માગ
આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં 19 આરોપીની ધરપકડ કરાઈ છે. ઓરિસ્સાના સરોજ સીમાયલ માલુને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ATS દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. આરોપી સરોજ ઓરિસ્સાના કરતનપલ્લીની યુજીએચ એસ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે. અગાઉ ઓરિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના કૌભાંડમાં પણ સરોજ અને મુરારી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેમાં એક ઉમેદવારને પાસ કરાવવા રૂપિયા 6 લાખનો ભાવ નક્કી કર્યો હતો. તો બીજી તરફ જુનિયર કલાર્કના પેપરલીક કાંડમાં આરોપી સરોજની કડીરૂપ ભૂમિકા સામે આવી છે.