H5N1 વાયરસ કેટલો ખતરનાક ? જાણો ગુજરાતમાં આ વાયરસે ક્યારે દસ્તક દીધી
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચાર પ્રકારના હોય છે. ઈન્ફલ્યુએન્ઝા A,B,C અને D હોય છે. જેમાંથી એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મનુષ્ય સંક્રમિત થવાની સંભાવાના ઓછી છે. પરંતુ, A (H5N1) અને A (H7N9) વાયરસ લોકોને સંક્રમિત કરી શકે છે. H5N1 વાયરસને બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોરોના મહામારીમાંથી વિશ્વ હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. ત્યાં વૈજ્ઞાનિકોએ વધુ એક મહામારીની ચેતવણી આપી છે. બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મહામારી કોવિડ-19 મહામારી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે. બર્ડ ફ્લૂનો H5N1 વાયરસ સૌથી ગંભીર ખતરો બની શકે છે. ત્યારે જાણી લઈએ કે H5N1 વાયરસ કેટલો ખતરનાક છે અને ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો.
ગુજરાતમાં બર્ડ ફ્લૂ
ગુજરાતમાં બર્ડ ફ્લૂની વાત કરીએ તો, ફેબ્રુઆરી 2006માં તાપી જિલ્લાના ઉચ્છલમાં H5N1 વાયરસે સૌપ્રથમ દેખા દીધી હતી. જે બાદ સરકાર સફાળી જાગી હતી અને ઉચ્છલ તાલુકામાં સંક્રમણ ન ફેલાય તે માટે આશરે 70 હજારથી વધુ મરઘાંને મારી નાંખવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઈંડાં નષ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ H5N1 વાઇરસ ફેલાવા લાગતાં ગુજરાતમાં મરઘાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વર્ષ 2021માં પણ આ વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. એ વખતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા અને મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા હતા. એ વખતે પણ સરકારે આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને મોટી સંખ્યામાં મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના ઈંડાં-મરઘાંના ખાદ્યપદાર્થનો પણ નાશ કરાયો હતો.
તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા હતા. જેના કારણે મરઘીઓમાં સંક્રમણ ફેલાયા બાદ મોત થયા હતા. ત્યાર બાદ મરઘીઓના મોત વિશે જાણવા નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ પછીના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તમામ મૃત મરઘીઓ બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત હતી.
H5N1 બર્ડ ફ્લૂ શું છે ?
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચાર પ્રકારના હોય છે. ઈન્ફલ્યુએન્ઝા A,B,C અને D હોય છે. જેમાંથી એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મનુષ્ય સંક્રમિત થવાની સંભાવાના ઓછી છે. પરંતુ, A (H5N1) અને A (H7N9) વાયરસ લોકોને સંક્રમિત કરી શકે છે. H5N1 વાયરસને બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસને કારણે થાય છે. સામાન્ય રીતે આ વાયરસ મરઘાં, કબૂતર, બતક અને તેતર જેવા પક્ષીઓને સંક્રમિત કરે છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીના મળમાં તેમજ તેની આંખ, નાક અથવા મોંમાંથી આવતા પ્રવાહીમાં જોવા મળે છે. આ વાયરસે ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં લાખો પક્ષીઓનો ભોગ લીધો છે.
H5N1 વાયરસ પ્રથમ વખત ચીનમાં 1996માં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી 1997માં હોંગકોંગમાં એક રોગચાળો ફાટી નીકળ્યો, જેના પરિણામે આ વાયરસ પક્ષીઓથી મનુષ્યોમાં પ્રવેશ્યો અને મનુષ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. જેનાથી 18 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા હતા.
કોરોના બાદ વધુ એક વૈશ્વિક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ બર્ડ ફ્લૂ અંગે ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ પણ સંકેત આપ્યો છે કે, બર્ડ ફ્લૂ રોગચાળો કોવિડ કરતા 100 ગણો વધુ ખતરનાક હોઈ શકે છે. જે વૈશ્વિક મહામારી પણ બની શકે છે. H5N1 એવિયન ફ્લૂનો કેસ સામે આવતાં લોકોમાં ચિંતા વધી ગઈ છે.
આ વાયરસ માત્ર પક્ષીઓમાં જોવા મળતો હતો, પરંતુ તાજેતરમાં અમેરિકામાં પ્રાણીઓમાં પણ H5N1 બર્ડ ફ્લૂના કિસ્સા નોંધાયા છે. ગાય, બકરી અને ઘેટાં જેવા સસ્તન પ્રાણીઓમાં H5N1 જોવા મળે તેવી આ પ્રથમ ઘટના છે. ગાયમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 25 માર્ચ 2024ના રોજ નોંધાયો હતો. ત્યાર બાદ 1 એપ્રિલ 2024ના રોજ ચેપગ્રસ્ત ગાયોની સંભાળ રાખતા માણસને પણ બર્ડ ફ્લૂ થયો. ત્યારે CDC એ H5N1 વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
H5N1 બર્ડ ફ્લૂના લક્ષણો
મનુષ્યમાં H5N1 એવિયન ફ્લૂનો કેસ મળ્યા બાદ ચિંતા વધી ગઈ છે. બર્ડ ફ્લૂના લક્ષણો અન્ય ફ્લૂ જેવા જ છે, જેમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો અને તાવ આવે છે. જેના કારણે લોકોને ન્યુમોનિયાની અસર થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અહેવાલ અનુસાર ટેક્સાસમાં ચેપગ્રસ્ત ડેરી વર્કરે તેના એકમાત્ર લક્ષણ તરીકે આંખોમાં સોજો હોવાનું જણાવ્યું હતું.
CDC એ જણાવ્યું હતું કે દર્દીને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને ફલૂ માટે એન્ટિવાયરલ દવા સાથે સારવાર કરવામાં આવી રહી છે. CDCના ડિરેક્ટર મેન્ડી કોહે મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, એજન્સી અને સમગ્ર યુએસ સરકાર આ સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ટેક્સાસના દર્દીનું એકમાત્ર લક્ષણ આંખોમાં સોજો હતો. આ ચેપને ટાળવા અને તેના ફેલાવાને રોકવા માટે CDCએ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (PPE) તેમજ પુનઃ રસીકરણ, એન્ટિવાયરલ સારવાર, દર્દીઓની તપાસ અને જંગલી અને પાલતુ પ્રાણીઓ અને પશુધનના સંપર્કમાં આવેલી વ્યક્તિઓની દેખરેખ રાખવા સુચના આપી છે.
H5N1 બર્ડ ફ્લૂથી બચવાના ઉપાયો
H5N1 વાયરસને પક્ષીઓ અથવા પ્રાણીઓમાં ફેલાતો અટકાવવા માટે રસી લેવી જરૂરી છે. આ ઉપરાંત પક્ષીઓ અને અન્ય વન્યજીવો રહેતા હોય તેવા વિસ્તારની મુલાકાત લીધા પછી હંમેશા તમારા હાથ સાબુથી ધોવા જોઈએ. H5N1 વાયરસનું જોખમ ઘટાડવા માટે પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતી વખતે મોજા અને લાંબી બાંયના કપડાં પહેરવા જોઈએ. ગ્લોવ્ઝ દૂર કર્યા પછી પણ તમારા હાથને હેન્ડ સેનિટાઈઝર અથવા તો સાબુથી ધોવા જોઈએ. પક્ષીઓ, વન્યજીવ અને તેમના મળથી તમારા પાલતુ પ્રાણીઓને દૂર રાખો. જંગલી પક્ષીઓ અથવા બીમાર કે મૃત પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળો.
બર્ડ ફ્લૂની સારવાર
જો એવું લાગે કે તમને બર્ડ ફ્લૂના લક્ષણો છે તો તમને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે અથવા તમારી સારવાર અન્ય દર્દીઓથી અલગથી હોસ્પિટલમાં કરવામાં આવશે. તમને એન્ટિવાયરલ દવા આપવામાં આવી શકે છે. જેમકે ઓસેલ્ટામિવીર (ટેમિફ્લુ) અથવા ઝનામીવીર (રેલેન્ઝા). એન્ટિવાયરલ દવાઓ સ્થિતિની ગંભીરતાને ઘટાડવા તેમજ જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ દવાઓ કેટલીકવાર એવા લોકોને પણ આપવામાં આવે છે, જેઓ ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં હોય, અથવા જેઓ ચેપગ્રસ્ત લોકો સાથે સંપર્કમાં આવ્યા હોય.
H5N1 વાયરસ કેટલો ખતરનાક ?
ગાય, બિલાડી અને માણસો સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં H5N1 વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ કારણે વૈજ્ઞાનિકોએ વાયરસ પર સંશોધન શરૂ કર્યું છે. આ વાયરસ માણસોમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે. વાયરસના પરિવર્તને લોકોમાં ચિંતા પેદા કરી છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોના મતે બર્ડ ફ્લૂનો ચેપ કોરોના મહામારી કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે દાવો કર્યો છે કે બર્ડ ફ્લૂની મહામારી કોરોના મહામારી કરતાં 100 ગણી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. બર્ડ ફ્લૂ મહામારીમાં મૃત્યુદર કોરોના કરતા ઘણો વધારે હોઈ શકે છે અને જો તે મનુષ્યોમાં ફેલાઈ જશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
WHOના આંકડા ચોંકાવનારા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા અનુસાર, 2003થી H5N1 વાયરસથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. H5N1નો મૃત્યુદર 50 ટકાથી વધુ છે. જો આપણે તેની તુલના કોરોના વાયરસ સાથે કરીએ તો, આ મહામારીની શરૂઆતમાં તેનો મૃત્યુદર કેટલાક સ્થળોએ 20 ટકા હતો, જે પાછળથી ઘટીને માત્ર 0.1 ટકા થઈ ગયો હતો. બર્ડ ફ્લૂના અત્યાર સુધીમાં માત્ર 887 કેસ નોંધાયા છે જેમાંથી 462ના મોત થયા છે.
કોને સૌથી વધુ જોખમ ?
સામાન્ય લોકોને H5N1થી સંક્રમિત ખવાનું જોખમ ઓછું છે. જે લોકો પક્ષીઓ અને પ્રાણીઓ સાથે કામ કરે છે. તેમની વચ્ચે રહે છે. જેમકે પશુચિકિત્સકો, પશુપાલક, પશુ ઉદ્યોગના નિષ્ણાતો તેમને વધુ જોખમ રહેલું છે. આ સિવાય જે લોકો પોલ્ટ્રી ફાર્મ કે એનિમલ માર્કેટમાં જાય છે. તેમને ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી H5N1 સંક્રમિત પ્રાણી કે પક્ષીના સંપર્કમાં હોય તો તેને ચેપ લાગવાનું જોખમ વધુ હોઈ શકે છે.
બર્ડ ફ્લૂ વાયરસ અંગે શું કહે છે એક્સપર્ટ
બર્ડ ફ્લૂ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિક ડૉ. સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે H5N1 વાયરસ મનુષ્ય સહિત મોટી સંખ્યામાં સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે. ડો. સુરેશ કુચીપુડીએ દાવો કર્યો છે કે, વાયરસ જે દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યાં મહામારી ઉભી કરી શકે છે. તેમણે કહ્યું કે બર્ડ ફ્લૂનું સંક્રમણ હજુ પણ વિશ્વમાં ઘણી જગ્યાએ છે અને મોટી સંખ્યામાં સસ્તન પ્રાણીઓ તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે આપણે તેની સામે તૈયારી કરવી જોઈએ નહીંતર સ્થિતિ ગંભીર બની શકે છે.
કેનેડાની ફાર્માસ્યુટિકલ કંપની ‘બાયોનિયાગ્રા’ના સ્થાપક જોન ફુલ્ટને પણ H5N1 રોગચાળાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તે કોરોના કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે અને જો તેમાં મ્યુટેશન હશે તો તેનો મૃત્યુદર વધારે હશે. જો એકવાર તે મનુષ્યોમાં ફેલાઈ જશે તો, આપણે ફક્ત એવી આશા રાખીએ કે મૃત્યુ દર વધે નહીં.
આ પણ વાંચો ડાયમંડ બુર્સ સુરતમાં જ કેમ બનાવવામાં આવ્યું ? જાણો સુરત હીરા ઉદ્યોગનું હબ કેવી રીતે બન્યું