Surat : નેશનલ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ, ફક્ત ત્રણ મહિનામાં જ કરી ઐતિહાસિક તૈયારી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અલગ અલગ રાજ્યમાંથી આવતા 7500 જેટલા ખેલાડીઓની યજમાની કરતા ગુજરાતની વ્યવસ્થા અને જુસ્સાને બિરદાવ્યો હતો

આગામી તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ(National ) ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં (Gujarat )થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત (Surat )ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા પૂર્વે શહેરમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા અંગેનો માહોલ બનાવવા માટે મનપા તથા જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ કાર્યક્રમોના આયોજન તારીખ 18 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી રહ્યા છે. પ્રભારી અને જીઆઇડીસીના એમડી એમ. થેન્નારાસન દ્વારા સ્થાનિક પ્રશાસન દ્વારા થઇ રહેલ કામગીરી અને તૈયા૨ીનું મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે.
36મી નેશનલ ગેમ્સ સ્પર્ધાના ભાગરૂપે સુરત મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની વિવિધ સંસ્થાઓના જવાબદાર પ્રતિયોગીઓ સાથે બેઠકોનો દોર શરુ કરાયો છે અને આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી 15 અને `6 સપ્ટેમ્બરે મનપા સંચાલિત શાળાઓ, ખાનગી શાળાઓમાં ગીલ્લી-ડંડા, ખોખો, કબડ્ડી, સંતાકૂકડી સહિતની વિવિધ ગામઠી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન જી. ડી.ગોયન્કા સ્કૂલ-આઇકોનિક રોડ ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6.30 થી 9.00 કલાક અને સાંજે 4.00 થી રાત્રે 11 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
મનપા કમિશનર બંછાનીધીપાનીએ જણાવ્યું કે, નેશનલ સ્પર્ધા અંતર્ગત સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનારી ટેબલ ટેનિસ, બેડમિન્ટન સ્પર્ધા તથા ડુમસ ખાતે બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ સ્પર્ધામાં શહેરીજનો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે તે માટે રજિસ્ટ્રેશન મનપાની વેબસાઇટ પર શરુ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન બાદ જ સ્પર્ધા સ્થળે પ્રવેશ આપવામાં આવશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અલગ અલગ રાજ્યમાંથી આવતા 7500 જેટલા ખેલાડીઓની યજમાની કરતા ગુજરાતની વ્યવસ્થા અને જુસ્સાને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઇતિહાસમાં પહેલીવાર ફક્ત ત્રણ મહિનામાં જ આ નેશનલ ગેમ્સની તૈયારીઓ કરી છે.