Mahisagar : કડાણા ડેમની જળસપાટીમાં સતત ઘટાડો, પાણીની સમસ્યા ઉભી થવાની ભીતિ
31 મે 2022ના રોજ મહિસાગરના(Mahisagar) કડાણા ડેમની પાણીની સપાટી 389 ફુટ પહોંચતા 30 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. પાછલા બે મહિનામાં 10 ફુટ પાણી જળાશય મારફતે તંત્ર દ્વારા સિંચાઇ અને પીવા માટે પુરું પાડવામાં આવ્યું છે
ગુજરાતમાં (Gujarat) વરસાદની હવે કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન રાજ્યના મોટાભાગના ડેમોમાં(Dam) પાણીની સપાટીમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમાં મહીસાગર(Mahisagar) જિલ્લાના કડાણા ડેમની જળસપાટીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ જો હવે પાણીનું સ્તર ઘટશે તો ખેડૂતોને અપાતા સિંચાઇનું પાણી પણ બંધ થઈ જશે. તેમજ મહિસાગર અને પંચમહાલ જિલ્લાના 156 ગામોને પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે.
તેમજ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર 31 મે 2022ના રોજ કડાણા ડેમની પાણીની સપાટી 389 ફુટ પહોંચતા 30 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. પાછલા બે મહિનામાં 10 ફુટ પાણી જળાશય મારફતે તંત્ર દ્વારા સિંચાઇ અને પીવા માટે પુરું પાડવામાં આવ્યું છે.હાલ કડાણા ડેમમાં 200 ક્યુસેક પાણી આવકની સામે 150 ક્યુસેક પાણી ડાબા કાંઠા કેનાલ મારફતે તેમજ 1500 ક્યુસેક પાણી મહી સિંચાઈ વિભાગ ખેડા ને પીવા માટે આપવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમની મહત્તમ સપાટી 419 ફૂટ છે. જ્યારે ન્યુનતમ સપાટી 373 ફૂટ છે. જ્યારે હાલ ડેમની સપાટી 389 ફુટે પહોંચી છે. જ્યારે કડાણા જળાશયની સપાટી 15 ફૂટ ઘટે તો કડાણા પાવર હાઉસમાં થતું વીજઉત્પાદન ઠપ થઈ શકે છે. કડાણા હાઈડ્રો પાવરમાં 60 મેગા વોલ્ટના 4 યુનિટ આવેલ છે.
ડેમોમાં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે
ગુજરાતના ડેમોમાં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. જેમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતના ડેમોની છે. જ્યારે કચ્છમાં 8.47 ટકા, દેવભૂમિ દ્વારકાના ડેમમાં માત્ર 2.35 ટકા જ પાણી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતાના 19.46 ટકા પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અંદાજે 40 જેટલા ગામમાં રોજના 115 કરતા વધુ ટેન્કરના ફેરા મારીને અત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માત્ર 7 ટકા છે, એમાંય સાબરકાંઠામાં 3.50 ટકા, બનાસકાંઠામાં 4.77 ટકા, અરવલ્લીમાં 5.47 ટકા અને મહેસાણામાં 9.95 ટકા જીવંત પાણીનો સંગ્રહ બચ્યો છે.
ગુજરાતમાં અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે. ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે તો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે.હવામાન વિભાગના કહેવા મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે.