ગુજરાતના આ શિવમંદિરે મહાદેવને કરચલા ચડાવી કરાય છે અભિષેક- Video
ગુજરાતમાં એક એવુ શિવમંદિર આવેલુ છે જ્યાં દેવાધિદેવને કરચલા ચડાવવામાં આવે છે. પોષ વદ અગિયારસે મહાદેવને કરચલાનો અભિષેક કરી વિશેષ પૂજા કરવામાં આવે છે. દૂધનો, જળનો, પંચામૃતનો અભિષેક જોયો હશે પરંતુ મહાદેવને કરચલા ચડાવવામાં આવતુ હોય તેવુ આ એકમાત્ર મંદિર છે.
સમગ્ર ભારતમાં શિવ મંદિરો તો અનેક છે. પરંતુ આજે વાત એક એવા શિવાલયની કે જ્યાં આજના દિવસે દર્શનનો સવિશેષ મહિમા છે. એટલું જ નહીં આજના દિવસે અહીં દેવાધિદેવને થાય છે એક ખાસ અભિષેક. એવો અભિષેક કે જેવો બીજે ક્યાંય જોવા નથી મળતો.
સુરતના ઉમરામાં “રામનાથ ઘેલા” નામે પ્રસિદ્ધ શિવાલય આવેલું છે. પોષ વદ અગિયારસની તિથિએ અહીં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ ઉમટી પડે છે. દેવાધિદેવને અનોખો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અને આ અભિષેક એટલે “જીવતા કરચલા”નો અભિષેક ! આ વિશ્વનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં શિવજીને અર્પણ થાય છે જીવતા કરચલા ! પ્રચલિત કથા અનુસાર ત્રેતાયુગમાં સ્વયં ભગવાન રામ આ ધરા પર આવ્યા હતા. તેમને તાપી નદીના કિનારે પિતા દશરથનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. તેમણે આ ધરા પર બાણ ચલાવ્યું અને ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું.
દંતકથા અનુસાર તર્પણવિધિ માટે એક બ્રાહ્મણની જરૂર પડતાં સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા અને સાથે જ અનેક દરિયાઈ જીવો પણ આવ્યા હતા. શ્રીરામે આશીર્વાદ આપ્યા હતા કે પોષ વદ એકાદશીએ જે મનુષ્ય આ કરચલા મહાદેવને અર્પણ કરશે તેની તમામ તકલીફો દૂર થશે. મનુષ્ય અને કરચલા બન્નેનો ઉદ્ધાર થશે. આ માન્યતાને લીધે જ અહીં રામનાથ ઘેલાના પ્રાગટ્ય દિવસે જીવતા કરચલા અર્પણ કરવાનો મહિમા છે. ખાસ તો કાનની તકલીફથી પીડાતા લોકો અહીં માનતા માને છે અને પોષ વદ અગિયારસે તેમની માનતા પૂર્ણ કરવા મંદિરે પહોંચે છે.
ઉમટેલા ભાવિકોની ભીડ જ એ વાત સાબિત કરી રહી છે કે રામનાથ ઘેલાએ કેટલાના ઓરતા પૂર્ણ કર્યા છે. વિવિધ શિવ મંદિરોમાં મહાદેવને અલગ-અલગ દ્રવ્યોથી અભિષેક થતો હોય છે. પરંતુ, જીવતા કરચલાનો અભિષેક એકમાત્ર રામનાથ ઘેલા મંદિરમાં જ જોવા મળે છે.