રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી બોગસ ખેડૂત બનેલા લોકોને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચેતવણી, કહ્યુ- એક પણ બોગસ ખેડૂતને છોડવામાં નહીં આવે
બનાવટી દસ્તાવેજને આધારે ખેડૂત (Farmer) ખાતેદાર બનતા બોગસ ખેડૂતોની હવે ખેર નથી, આવુ કહ્યુ છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ. ખેડામાં બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ અંગેની તપાસ માટે ખુદ મહેસૂલ મંત્રી માતર પહોંચ્યા હતા જયાં તેમણે આ નિવેદન આપ્યુ છે.
રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી બોગસ ખેડૂત (Bogus Farmer) બનેલા ખેડૂત ખાતેદારો સામે સરકારે લાલ આંખ કરી છે. બનાવટી દસ્તાવેજો બનાવી જમીન પોતાના નામે કરી લેતા બોગસ ખેડૂતોની હવે ખેર નથી આવુ કહ્યુ છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi). ખેડા (Kheda)ના માતરમાં મામલતદાર કચેરીની મુલાકાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોગસ ખેડૂતોને ઉદ્દેશીને આ ચેતવણી આપી છે. માતરમાં ખોટા દસ્તાવેજથી બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ અંગે તપાસ માટે પહોંચેલા મહેસૂલ મંત્રીએ મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બોગસ ખેડૂતો અંગે જાતે તપાસ કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુ કે ખોટા દસ્તાવેજથી ખેડૂત બનેલા લોકો ચેતી જાય. બદઈરાદાથી સામૂહિક જમીન ખરીદાય તેના પર સરકારની નજર છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે અમે બોગસ લોકોને જગતનો તાત નહીં બનવા દઈએ.
માતરમાં 2 હજાર વીઘા જમીન બોગસ ખેડૂતોએ ખરીદી
માતરમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યુ કે કોઈપણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચમરબંધી કેમ ન હોય, સરકાર છોડશે નહીં. જો બનાવટી દસ્તાવેજના આધારે ખેડૂત બન્યાની જાણ થશે તો તેની જમીન સરકાર હસ્તક થઈ જશે. સાથે જ કહ્યું કે માતરમાં 2 હજાર વિઘા જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામની જમીન જપ્ત કરાશે. એ જમીન સરકાર હસ્તક કરવામાં આવશે. એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂત ખાતેદાર બન્યા છે. જેમા મોટાભાગના લોકો અમદાવાદના હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ ખેડૂત ખાતેદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.
આ તકે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે અમારી પોતાની વ્યવસ્થા છે અને અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને તેના લીધે જ આ બધી માહિતી મળતી હોય છે. તેમણે કહ્યુ તેમને છેલ્લા 2 મહિનાથી માહિતી મળી રહી છે. આ માહિતીના આધારે કેસનો ચકાસણી કરવામાં આવી અને સંપૂર્ણ ડેટા બહાર આવ્યો છે.તો ત્રિવેદીએ ચેતવણીના સૂરમાં કહ્યુ કે બોગસ દસ્તાવેજ કરનાર અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે.
તેમણે કહ્યુ હતુ કે બનાવટી ડોક્યુમેન્ટ જેમણે રજૂ કર્યા છે તેમને 10 વર્ષની જન્મટીપની સજા થાય તેવા ઈન્ડિયન પીનલ કોડની કલમ 465, 467, 468 બધી લાગશે. પોલીસ વિભાગ પણ સંકલનમાં છે. આ આખી ચકાસણીના અંતે જોઈએ તો 1 હજાર 30 કેસ ચકાસ્યા છે. તેમાંથી હાલમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. તેની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને એકસાથે પુરાવા રજૂ કરવા માટેની નોટિસો આપી છે. જેથી સાચો માણસ દંડાય નહીં અને ખોટો બચીને જાય નહીં. તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના છે કે કોઈપણ જગ્યાએ બનાવટી ખેડૂત બન્યા હશે તો તેમને છોડવામાં નહીં આવે.
ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા