Kutch: ભૂકંપ બાદ વેરાન રણ પ્રદેશથી વિકાસના રોલ મોડલ સુધીની જાણો રોમાચંક સફર!

Kutch: ભૂકંપ બાદ વેરાન રણ પ્રદેશથી વિકાસના રોલ મોડલ સુધીની જાણો રોમાચંક સફર!
symbolic image

કચ્છમાં આવેલા ગોઝારા ભુકંપને આજે 21 વર્ષ પુર્ણ થયાં છે, ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયેલા કચ્છની ત્યાર બાદ વેરાન રણ પ્રદેશથી વિકાસના રોલ મોડલ સુધીની જાણો રોમાચંક સફર!

Jay Dave

| Edited By: kirit bantwa

Jan 26, 2022 | 4:04 PM

26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપને આજે 21 વર્ષ પુર્ણ થયા છે. 2001 પહેલા કચ્છને સુકા પ્રદેશ તરીકે ઓળખવામા આવતો, જોકે 2001માં જે રીતે કચ્છ સંપુર્ણ ધ્વસ્ત થયુ તે રીતે જ ઝડપથી બેઠુ પણ થયુ.

એક અંદાજ મુજબ કચ્છમાં ભૂકંપમાં 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને દોઢ લાખ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે વિસરાવુ વસમુ છે. પરંતુ ભૂકંપ પછી કચ્છ ફીનીક્સ પક્ષીની જેમ બેઠુ થયુ અને આજે કચ્છ ગુજરાતના વિકાસ (development) નો ગ્રોથ ઇન્જીન છે.

કચ્છમાં દોઢ લાખ કરોડનું ઔદ્યોગીક રોકાણ

કચ્છમાં ભૂકંપ સમયના દર્દને ક્યારે ભુલી શકાય તેમ નથી પરંતુ આ વિનાશકારી ભૂકંપે કચ્છની દિશા બદલી નાખી. ક્ષેત્ર કોઇપણ હોય સૌ કોઇ કચ્છ આવવા માંગે છે. પરંતુ ભૂકંપ સમયે ચિત્ર જુદુ હતુ. આજે કચ્છ ઉદ્યોગનુ હબ છે. ભૂકંપ પહેલા ઔદ્યોગિક રોકાણ 2000 કરોડ રૂપિયાનું હતું જે આજે 1.50 લાખ કરોડ પર પહોચ્યુ છે. હજુ પણ ગ્રીન એનર્જી ક્ષેત્ર સહિત કચ્છમાં કરોડો રૂપિયાનુ રોકાણ આવશે. ભૂકંપ સમયે ઉદ્યોગોમાંથી માત્ર 25000 લોકો રોજગારી મેળવતા હતા જ્યારે આજે 3.50 લાખ લોકોને રોજગારી ઉદ્યોગ પુરી પાડે છે.

ભૂકંપ પછી સ્વેત અને હરીત ક્રાન્તિ

ભૂકંપ પહેલા પણ કચ્છમાં પશુઓની વિશેષ સંખ્યા હતી. પરંતુ દુધનું યોગ્ય બજાર ન મળતા પશુપાલન વ્યવસાય મુશ્કેલી વચ્ચે ટકેલો હતો. જો કે ભૂકંપ (earthquake) બાદ સહકારી ક્ષેત્રમાં સરકારી મદદથી કચ્છમાં આજે 700 દુધ મંડળીઓ આવેલી છે, જેમાં દૈનિક 4 લાખ લીટરથી વધુ દુધ ડેરીઓમાં જવાય છે.

બાગાયતી ખેતીનો વિસ્તાર

કચ્છમાં દુષ્કાળ વચ્ચે ખેતી મુશ્કેલ હતી, પરંતુ ભૂકંપ પછી આજે કચ્છના બાગાયતી ખેતીનો વિસ્તાર 1200 એકરથી 22 હજાર એકર સુધી પહોંચ્યો છે. આજે કચ્છમાં દાડમ, કેરી, ખારેક, ડ્રેગન ફ્રુટ, સ્ટ્રોબેરી,સફરજન સુધીની ખેતીના પ્રયોગ અને સફળ ખેતી કરતા ખેડૂતો થયા છે. તો પિયત વિસ્તાર ઉપરાંત કચ્છમાં વાવેતર વિસ્તાર ૫.૩૦ લાખ હેકટરમાં થાય છે. જે દર્શાવે છે કે સરકારી યોજનાથી કચ્છમાં ખેતીને કેટલો ફાયદો થયો છે. ટપક સિંચાઈ અને ટેકનોલોજીથી ખેતીના કારણે કચ્છના ખેડૂતો આજે દેશ-વિદેશમાં ડંકો વગાડે છે.

ગામડાઓ સુધી પહોચ્યો વિકાસ

એક સમયે કચ્છના પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી હતી. જો કે આજે નર્મદાનુ પાણી કચ્છના લખપત સુધી પહોંચ્યું છે. કચ્છમાં 300 એમએલડીથી વધુ પાણી પીવા માટે દૈનીક મળે છે. જ્યારે 3 તાલુકાને પણ નર્મદા સિંચાઈનો લાભ મળ્યો છે. 20 મધ્યમ સિંચાઈ અને 170 નાની સિંચાઈ ડેમ કચ્છમાં નિર્માણ પામ્યા છે.

ગામડાંઓ મજબૂત બન્યા

રોજગારીની તકોનું સર્જન થતાં ગામડાંઓ મજબૂત બન્યા છે. કચ્છમાં આજે 700થી વધુ પીએચસી-સીએચસી કેન્દ્રો છે. કચ્છમાં આજે ગામડાઓ આધુનિક અને વિવિધ સરકારી સહાય અને યોજનાઓથી સુસજ્જ છે.

રસ્તાઓની સ્થિતિમાં સુધારો

કચ્છમાં ભૂકંપ બાદ રસ્તાઓની સ્થિતિમાં સુધારા પર નજર કરીએ તો પંચાયત હસ્તકના ગામોને જોડતા રસ્તાની લંબાઈ આજે 2572 કિ.મી છે તો સ્ટેટ હાઈવે 22.40 કિ.મી. છે. જ્યારે કચ્છને જોડતા ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો આજે કચ્છના વિકાસને ઝડપ આપી રહ્યા છે. તો ટ્રેન અને હવાઇ સેવા પણ વિસ્તરી છે.

પ્રવાસનનુ હબ બન્યુ કચ્છ

કચ્છમાં સૌથી વધુ વિકાસ થયો હોય તો તે છે પ્રવાસન (Tourism) ક્ષેત્ર. સફેદરણમાં મહોત્સવની શરૂઆત કરવામા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ મોટો ફાળો રહ્યો અને આજે કચ્છમાં ભૂકંપ પછી ટુરીઝમ ક્ષેત્રે થયેલા વિકાસને પગલે વર્ષમા 5 લીખ જટેલા પ્રવાસીઓ આવે છે. ભૂકંપ પહેલા કચ્છમાં 3 સ્ટાર હોટલની સંખ્યા 10 હતી પરંતુ આજે માત્ર ભુજમાં 106 હોટલ છે, અને સમગ્ર કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર નજીક રીસોર્ટ બની ગયા છે. તો હોટલ ઇન્ડ્રસ્ટી સાથે ટ્રાવેલ, હસ્તકળા સહિતના સંલગ્ન ઉદ્યોગને પણ મોટો ફાયદો થયો છે. કચ્છમાં ટુરીઝમ ક્ષેત્રે 300 કરોડથી વધુનુ રોકાણ ભુકંપ પછી થયુ છે. તો ધોળાવીરા અને કચ્છમાં ધાર્મીક સ્થળો પણ પ્રવાસીઓની પ્રથમ પસંદ છે.

નર્મદાના નીર કચ્છનો વિકાસ પૂર્ણ કરશે

કૃષિ, પશુપાલન, ઉદ્યોગ કચ્છની ભૌગોલિક સ્થિતિ કચ્છના વિકાસની તરફેણમાં હતી પરંતુ ભૂકંપ બાદ કચ્છને વિકાસની એક નવી દિશા મળી કારણ કે શહેરી વિસ્તારો તો ઠીક પરંતુ કચ્છ દરેક ક્ષેત્રમાં આગળ વધીને ગામડાઓ સુધી વિકાસનુ રોલમોડલ ઉભુ કર્યુ. સંપુર્ણ કચ્છમાં નર્મદાના નીર કચ્છનો વિકાસ પૂર્ણ કરશે પરંતુ બે દાયકામાં કચ્છે જે વિકાસ કર્યો છે તેની સરખામણી કરવી મુશ્કેલ છે. તેમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પણ મુખ્ય રહી છે. સ્વજનો ગુમાવવા વચ્ચે સ્વસ્થ થવાનો પડકાર જીલી કચ્છ આજે દુનીયાની નઝરમાં એક અદકેરૂ સ્થાન ધરાવે છે.

આ પણ વાંચોઃ 2001માં ગુજરાતના ભુજમાં ધરા ધ્રુજી હતી, હજારો લોકોના થયા હતા મૃત્યુ, જાણો 26 જાન્યુઆરીનો ઈતિહાસ

આ પણ વાંચોઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati