28 મેના મહત્વના સમાચાર : રાજકોટ TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનનુ પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો
આજે 28 મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

રાજકોટ TRP ગેમ ઝોનનો વધુ એક આરોપી ધવલ ઠક્કર આબુ રોડ પરથી ઝડપાયો છે. બનાસકાંઠા પોલીસ આરોપીને રાજકોટ LCB ને હવાલે કરશે. અગ્નિકાંડના આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર છે. પોલીસે એકત્ર કરેલા પુરાવા આરોપી સમક્ષ મુકીને નિવેદનો લેવાશે. તો TRP ગેમઝોન ગેરકાયદે ચાલકો હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત 3 પોલીસ અધિકારીઓેને હટાવાયા. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ગરમીમાં 1થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની ગતિ 25થી 30 કિમી રહેશે.
LIVE NEWS & UPDATES
-
રાજકોટ અગ્નિકાંડ મામલે SITના સભ્યો સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી બુધવારે કરશે બેઠક
રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે મળશે મહત્વની બેઠક. SITના સભ્યો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કરશે બેઠક. SIT દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની કરશે સમીક્ષા. SIT દ્વારા લેવાયેલા નિવેદનો આગામી તપાસના મુદ્દા અને રીપોર્ટની તૈયારી પર થશે સમિક્ષા. સરકારે SITની રચના સમયે જ 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો હતો. જ્યારે સંપૂર્ણ વિગતવારનો અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો હતો.
-
ઝાંઝરી ધોધમાં અમદાવાદના ત્રણ યુવાનો ડૂબ્યાં
અરવલ્લીના બાયડમાં આવેલ ઝાંઝરી ધોધમાં ત્રણ યુવાનો ડૂબ્યા છે, જ્યારે એક યુવાન બચી જવા પામ્યો છે. બે યુવાનોની ઝાંઝરીના ધોધમાં શોધખોળ શરુ કરાઈ છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી યુવાનો ઝાંઝરી આવ્યા હતા. ઝાંઝરી નદીમાં નાહવા પડેલા યુવાનો ત્રણાયા હતા. NDRF – ફાયર સહિતની ટીમો એ ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
-
-
સુરતના પીપલોદમાં આવેલા ઇસ્કોન મોલ, વેલેંટાઈન સિનેમાગૃહને સીલ કરાયું
સુરત મહાનગર પાલિકાએ પીપલોદ વિસ્તારમાં આવેલ ઈસ્કોન મોલ અને વેલેંટાઈન સિનેમા ઘરને સીલ કર્યું છે. ફાયર એનઓસી અને અન્ય કારણોસર સુરત મહાનગરપાલિકાએ નોટિસ પણ પાઠવી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો આંશિક ગગડ્યો, અમદાવાદમાં નોંધાઈ સૌથી વઘુ ગરમી
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. જો કે, આજે મંગળવારે ગરમીનો પારો આંશિક નીચો રહ્યો હતો. આમ છતા 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર રહ્યું હતું. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભાવનગરમાં 43.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં દિવસે ભેજના પ્રમાણમાં વધારો નોંધાયો છે. સાંજે 5.30 કલાકે ભેજનું પ્રમાણ 28 ટકા નોંધાયું હતું.

-
દિલ્હીમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, નજફગઢમાં પારો 50ની નજીક પહોંચ્યો
રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દિલ્હીમાં ગરમીનો સો વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આજે મંગળવારે તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50.5 ડિગ્રીએ પહોંચી ગયું છે. ભયાનક ગરમીને કારણો બજારોમાં સુમસામ રહે છે. જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
-
-
ગુજરાતમાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા સરકારનો આદેશ
રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે NOC નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા અપાયા આદેશ બિનજામીનપાત્ર કલમો લગાવવા પણ આદેશ કરાયો છે. ગુજરાત ભરના તમામ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને આદેશ અપાયા છે.
-
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કર 13 દિવસના રિમાન્ડ પર
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ કોર્ટે 13 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. રિમાન્ડ માટે રજૂઆત કરતા ખાસ સરકારી વકિલે કહ્યું કે, આરોપી ધવલ ઠક્કરના નામથી લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ધવલ કોર્પોરેશનના નામથી ટિકિટના ભાવ નક્કી કરવા માટે લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. 2021માં પ્રથમ વખત લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. જે 2023માં રીન્યુ કરાવવામાં આવ્યું હતું.
ખેતીલાયક જમીનને બિન ખેતી રહેણાંક હેતુમાં ફેરવવામાં આવી હતી. જો કે જમીન માલિક દ્વારા રહેણાંક હેતુ માટેની જમીન કોમર્શિયલ હેતુ માટે આપવામાં આવી હતી. આ સમયે કોર્ટે પુછ્યું કે, રહેણાંક હેતુ માટેની જગ્યામાં 3 માળનું ઇન્ફ્રા બનાવી લીધુ તેમ છતાં ઓથોરિટીના ધ્યાને કઈ ના આવ્યું? ત્યારે ખાસ સરકારી વકિલે કહ્યું કે, તેના માટે જ તપાસની જરૂર છે. અન્ય કોઈ વિભાગના અધિકારીની બેદરકારી કે સંડોવણી છે તે બાબતે પણ આરોપી પાસેથી તપાસ કરવામાં આવશે.
કોર્ટમાં ખાસ સરકારી વકિલે કહ્યું કે, ઘટના ઘટિત થયા બાદ આરોપી ધવલ ઠકકર આબુ રોડ જતા રહ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ કોર્ટમાં કહ્યું, પ્રકાશ હિરન મોટું મગરમચ્છ છે, પકડાઈ જશે. પરંતુ પકડાતા વાર લાગશે.
કોર્ટે કહ્યું પેપર પર તમામ માલિકો છે, પરંતુ અત્યાર સુધી કોર્ટ સમક્ષ હાજર થનાર તમામ ચાર આરોપીઓ પોતાની જાતને પગારદાર કર્મચારીઓ તરીકે જણાવે છે. ખાસ સરકારી વકિલે કહ્યું કે, તમામ ડોક્યુમેન્ટ્સ ધવલ ઠક્કરે પોતાને નામે રજીસ્ટર્ડ કરાવ્યા હતા. એટલા માટે જ તપાસની જરૂર છે.
-
અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો, પાલઘર નજીક ગુડ્સ ટ્રેનના ડબ્બા ખડી પડ્યા
અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો છે. પાલઘર નજીક ગુડ્સ ટ્રેન ના 6 થી 7 જેટલા ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતા મેઈન લાઈનને અસર થવા પામી છે. મુંબઈ જતી ટ્રેનો પડી મોડી રહી છે. બાંદ્રા જતી ઇન્ટરસિટી ટ્રેનને વાપી ખાતે રોકવામાં આવી છે. મુંબઈ જતી ફાસ્ટ ટ્રેનોને વાપી અને વલસાડ રેલવે સ્ટેશને રોકવાની કામગીરી હાથ ધરાઈ છે.
-
પોરબંદરના ડ્રિમલેન્ડ સિનેમાગૃહને સીલ કરાયું
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ, પોરબંદરનું વહીવટી તંત્ર આખરે જાગ્યું છે. આજે બપોરના સમયે પોરબંદરમાં આવેલ સિનેમાગૃહમાં તપાસ હાથ ધરી હતી. પોરબંદર શહેરની મધ્યમાં આવેલ ડ્રિમલેન્ડ સિનેમા પાસે ફાયર એન.ઓ.સી નહીં હોવાથી સીલ કરાયું છે.
-
બાવળાના સરલા ગામ પાસે, લીમડાના ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો
અમદાવાદ જિલ્લાના બાવળાના સરલા ગામ પાસે, લીમડાના ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો છે. સરલા કાણોતર ગામની વચ્ચે આવેલા ખેતરમાં લીમડાના ઝાડ પર પુરુષનો લટકતો મૃતદેહ મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બગોદરા પોલિસે, મૃતદેહને પી એમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ ગેમ ઝોનના મૃતકોના મૃતદેહ સ્વજનોને સોંપવાની જવાબદારી જે તે વિસ્તારના પીઆઈને સોંપાઈ
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાં બાદ, બ્રજેશ ઝા એ, રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ACP ક્રાઇમ, ડીસીપી ક્રાઇમ, SP અને રાજકોટના તમામ PI મીટિંગમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના અંગે ચાલી રહેલ તપાસની દિશા, આરોપીઓની પુછપરછ , ફરાર આરોપીઓની શોધખોળને લઈને જરુરી પુછપરછ કરવાની સાથે કમિશનરે દિશા નિર્દેશ આપ્યા હતા. મૃતકોના સ્વજનનોને મૃતદેહ સોંપવાની જવાબદારી જે-તે વિસ્તારના PIને સોંપાઈ.
-
તાપીમાં SMCના ખાનગી વાહનોને ઉથલાવવાનો બુટલેગરોનો પ્રયાસ
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના ખાનગી વાહનોને ઉથલાવવાનો પ્રયાસ તાપીના બુટલેગરોએ કર્યો હતો. મહારાષ્ટ્રમાંથી દારુનો જથ્થો ઘૂસાડનારા બુટલેગર પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના ખાનગી વાહનને બુટલેગરોએ તેમના વાહનોની ટક્કર મારી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ભાગી રહેલા બુટલેગરોમાંથી બેને ઝડપી પાડ્યા છે. બે કાર, વિદેશી દારુ સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા અન્ય ચાર આરોપીઓને પકડવાના ચક્રો ગતીમાન કર્યાં છે.
-
રાજકોટમાં વ્યવહારને કારણે આંખ આડા કાન થતા હતા-અમિત ચાવડા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ચાર વર્ષથી ગેરકાયદે ચાલી રહેલા ગેમ ઝોન અંગે વ્યવહાર થતો રહેતો હતો જેના કારણે નીતિ નિયમોના પાલન સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. વ્યવહારનું કમિશન કમલમમાં પહોચાડવામાં આવતું હતું.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, અવારનવાર દુર્ઘટનાઓ ઘટી રહી છે. સરકાર ઢાંક પિછોડા કરવા એસઆઈટીની રચના કરે છે. પરંતુ એક પણ એસઆઈટીના અહેવાલ પર સરકારે કાર્યવાહી નથી કરી. સરકારી અધિકારીની બદલી કરીને પગલાં લીધાનો સંતોષ માને છે પરંતુ એક પણ ઉચ્ચ અધિકારીને ઘર ભેગા નથી કર્યા. નાની માછલીઓને ફસાવાય છે ને મગરમચ્છને જવા દેવામાં આવે છે.
-
ગુજરાતમાં આજથી ગરમી ઘટશે, દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયો ના ખેડવા સલાહ
ગુજરાતમાં આજથી ગરમીના પ્રમાણમમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલમાં દિવસે નોંધાઈ રહેલ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં ગરમીને લઇ કોઈ નવુ અલર્ટ નથી. ગરમીના પ્રમાણમાં ઘટાડા અંગે હવામાન વિભાગના અધિકારીનું કહેવું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.
-
પોરબંદરના દરિયામાં નાની પલટી જતાં પિતા પુત્ર ડૂબ્યા દરિયામાં
પોરબંદરના દરિયામાં નાની બોટ પલટી જતાં પિતા પુત્ર દરિયામાં ડૂબ્યા. પુત્રનો આબાદ બચાવ થયો છે. જો કે પિતા દરિયામાં ડૂબ્યા છે. ખારવા સમાજના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઇ. બોટ પલટી જતા બંને દરિયામાં ડૂબ્યા હતા.
-
મહેસાણા: વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખને ભાજપે કર્યા સસ્પેન્ડ
મહેસાણા: વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. શેર બજારના ડબ્બા ટ્રેડિંગમાં તેમનું નામ સામે આવ્યુ હતુ. વિષ્ણુજી ઠાકોરને પ્રાથમિક અને સક્રિય સભ્યપદમાંથી સસ્પેન્ડ કરાયા છે. રૂપિયા 2.7 કરોડની ઠગાઇના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શેર બજારના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. હરિયાણા પોલીસે ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરી.
-
ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ખાતે લવાયો
રાજકોટ: TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસના ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયો છે. હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધવલ ઠક્કરની પૂછપરછ કરાશે. અગાઉ બનાસકાંઠા LCBએ ધવલને આબુ રોડથી ઝડપ્યો હતો. LCBની પૂછપરછમાં ધવલ ઠક્કરે ખુલાસા કર્યા હતા કે માલિકોએ ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે લીધું હતું. આરોપી ધવલ ઠક્કર ગેમ ઝોનમાં નોકરી કરતો હતો. LCBની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરે કબૂલાત કરી હતી.
-
રાજકોટ: અગ્નિકાંડના સ્થળે ભાગવતના પાઠ કરાયા
રાજકોટ: અગ્નિકાંડના સ્થળે બ્રાહ્મણોએ ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કર્યા. દૂધ, તલ, પાણી અને તુલસી સમર્પિત કરી પાઠ કરવામાં આવ્યા. મૃત્યુ પામેલા લોકની આત્માને શાંતિ અર્પણ કરવા પાઠ કરવામાં આવ્યા. મૃતકોની આત્માની શાંતિ માટે 9 બ્રાહ્મણો દ્વારા પાઠ કરવામાં આવ્યા.
-
આણંદના ગામડી ગામે માતા-પુત્રનું મોત
આણંદના ગામડી ગામે માતા પુત્રનું મોત થયુ છે. 40 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. 8 વર્ષના બાળકનો મૃતદેહ પણ પલંગ પરથી મળ્યો છે. મહિલાએ દિવાલ પર સુસાઈડ નોટ લખી છે. મોત માટે પતિ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 8 વર્ષીય પુત્રના મોત અંગે હાલ પોલીસ તપાસ યથાવત છે.
-
રાજકોટ: ગોંડલ સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં યુવક બાઇક લઇને ઘૂસ્યો
રાજકોટ: ગોંડલ સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં યુવક બાઇક લઇને ઘૂસી ગયો. દર્દીને લઇને યુવક ઈમરજન્સી વિભાગમાં આવી ગયો. દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યો હતો. દર્દીને સ્ટ્રેચરમાં લઇ જવાને બદલે, બાઇક પર ઇમરજન્સી વિભાગમાં લઇને આવ્યો. ઈમરજન્સી વિભાગમાં અન્ય દર્દીઓના જીવ તાળવે ચોટ્યા હતા.સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
-
રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 લોકોના DNA મેચ થયા
રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 લોકોના DNA મેચ થયા છે. DNA પરીક્ષણ દ્વારા અત્યાર સુધી 17 મૃતદેહની ઓળખ થઇ છે. આગ લાગતા મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની હતી. ગેમઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા હતા.
-
હવામાન વિભાગે ગુજરાતવાસીઓને આપ્યા રાહતના સમાચાર
હવામાન વિભાગે ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે. આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો. રાજ્યમાં 25 – 30 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
-
રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી. જેમાં રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે સમગ્ર દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે અને અધિકારીઓનું સસ્પેનશન માત્ર કાર્યવાહીનો એક ભાગ છે. SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો પણ દાવો રૂપાલાએ કર્યો હતો.
-
રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. RMC અને માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓની પુછપરછ હાથ ધરાઇ. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર, એન્જીનિયરની પુછપરછ હાથ ધરાઈ છે.
-
રાજકોટના નવા પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
રાજકોટના નવા પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ચાર્જ સાંભળતાની સાથે જ CPએ સિવિલમાં બેઠક કરી. બેઠકમાં રાજકોટ શહેર કલેક્ટર પ્રભવ જોશી પણ હાજર રહ્યા હતા. સાંસદ રામ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા.
-
રણજીત સિંહ હત્યા કેસમાં નિર્દોષ જાહેર
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મોટી રાહત આપી છે. રણજીત સિંહ હત્યા કેસમાં હાઈકોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના આજીવન કેદના આદેશને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે આ કેસમાં ડેરા પ્રમુખ સહિત વધુ પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ગુરમીત રામ રહીમને 2021માં આજીવન કેદની સજા અને 31 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે રણજીત સિંહની 2002માં હત્યા કરવામાં આવી હતી.
-
મહેસાણા: કાળઝાળ ગરમીના લીધે યુવક અચાનક ઢળી પડ્યો
મહેસાણા: કાળઝાળ ગરમીના લીધે કડીમાં એક પાન પાર્લર પર યુવક અચાનક ઢળી પડ્યો હતો. પાણીની બોટલ લેવા દુકાને પહોંચેલો યુવક બેભાન થઈ ગયો હતો. યુવક પાર્લર પર આવતા જ અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો. દુકાન માલિકે પાણીની બોટલ આપે એ પહેલા યુવક નીચે પડી ગયો. સ્થાનિકોએ યુવકને પાણી છાંટતા 15-20 મિનિટમાં બાદ ભાનમાં આવ્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
-
રાજકોટમાં બ્રજેશ ઝાએ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો
રાજકોટના બ્રજેશ ઝાએ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજુ ભાર્ગવને હટાવાયા હતા. CP બ્રજેશ ઝાએ સાદગી પૂર્વક ચાર્જ સંભાળ્યો. ગાર્ડ ઓફ ઓનર વગર જ સંભાળ્યો ચાર્જ. ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બાંગરવાએ સંભાળ્યો ચાર્જ. રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગરિયા આજે ચાર્જ સંભાળશે.
-
રાજકોટ અગ્નિકાંડ : 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે ઘટનાના ત્રીજા દિવસ સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પરાપીપળીયા ગામના જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચાનું પણ મોત થયું છે. રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. મૃતક જય ઘોરેચાના પિતા અનિલભાઈ ઘોરેચાનું પણ થોડા મહિનાઓ પહેલા જ મોત થયું હતું. જય ઘોરેચા ધ્રોલ તાલુકાના જાયવા ગામના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં રમત ગમ્મત માટે ગયો હતો.
-
સુરત: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં
સુરત: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં છે. અનુપમ એમેસિટી સેન્ટરની 140 દુકાન સીલ કરવામાં આવી છે. હોટલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરાયુ છે. હોસ્પિટલ, ક્લિનિક, જિમ , ટ્યુશન ક્લાસીસ સીલ કરાયુ છે. આ તમામ લોકોએ NOC રીન્યુ ન કરી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ફાયર વિભાગે NOC રીન્યુ માટે આપી હતી નોટિસ. નોટિસ બાદ પણ NOC રીન્યુની કામગીરી ન કરાઇ.
-
ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં લાગી આગ
ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં નેશનલ હાઇવેને પાસે નિકાલ કરાયેલા કચરાના ઢગલામાં આગ લાગી. ખુલ્લા પ્લોટમાં રસાયણિક ઘન કચરાનો નિકાલ કરાયો હોવાની શંકા છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે. રાસાયણિક કચરા અંગે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
-
સોમનાથ કોડીનાર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત
સોમનાથ કોડીનાર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે. ટ્રક સાથે રિક્ષા અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષા ટ્રકમાં ફસાઇ જતા JCBની મદદથી બહાર કઢાઇ છે.
-
દિલ્લીથી વારાણસી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં બોંબ હોવાના સમાચાર
દિલ્લીથી વારાણસી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં બોંબ હોવાના સમાચાર સામે આવ્યા છે. વિમાનની બારીમાંથી મુસાફરો બહાર નિકળવા લાગ્યા. ટૉયલેટમાં પત્ર લખી બોંબ હોવાની વાતથી અફરા તફરી ફેલાઈ. વિમાનને તપાસ માટે દિલ્લી એરપોર્ટ પર લાવવામાં આવ્યું. એવિએશન સિક્યોરિટી અને ડૉગ સ્કોવ્ડની ટીમે તપાસ શરૂ કરી. કેટલાક મુસાફર ઇમરજન્સી ગેટ તો કેટલાક બારીમાંથી કુદી ગયા. પ્લેનમાં રહેલા તમામ મુસાફર સુરક્ષિત હોવાની માહિતી છે.
A bomb threat was reported on an IndiGo flight from Delhi to #Varanasi. The aircraft has been moved to an isolation bay for investigation. Aviation security and a bomb disposal team are currently on site: Airport Official #BombThreat #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2024
-
રાજકોટના TRP અગ્નિકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
રાજકોટના TRP અગ્નિકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે. રાજકોટ અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે.
-
અગ્નિકાંડ બાદ 3 પોલીસ અધિકારીઓને હટાવાયા
રાજકોટ અગ્નિકાંડમાં સાત અધિકારીઓની બદલી કર્યા બાદ રાજ્ય સરકારે મોટા અધિકારીઓ પર પણ કડક કાર્યવાહી કરી. જેમાં રાજકોટના ત્રણ પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ CP વિધિ ચૌધરીને હટાવ્યા છે. સાથે જ DCP સુધિર કુમાર દેસાઈને પણ હટાવી દેવાયા. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે.
Published On - May 28,2024 7:21 AM