Gujarat: PM મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાત મુલાકાતે, ઘણા વિકાસ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ અને લોકોર્પણ
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ, લગભગ 10:30 વાગ્યે તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. 18મી એપ્રિલે સાંજે 6 કલાકે પીએમ ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જ્યારે 19 એપ્રિલે સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વિશ્વ બેંક દ્વારા ગ્લોબલ બેસ્ટ એક્સરસાઈઝ તરીકે માનવામાં આવે છે. તેણે અન્ય દેશોને પણ તેના વિશે જાણવા અને સમજવા આમંત્રણ આપ્યું છે.
દિયોદર ખાતે રૂ. 600 કરોડથી વધુના ખર્ચે નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ દેશને સમર્પિત કરવામાં આવશે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. આનાથી ઓછામાં ઓછા 30 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થઈ શકશે. દરરોજ આશરે 80 ટન માખણ, એક લાખ લીટર આઈસ્ક્રીમ, 20 ટન માવો અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થશે.
બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. આ પછી આ ઉત્પાદનોને ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત કરવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનું કામ કરશે.
WHO GCTM માટે શિલાન્યાસ કરશે
વડાપ્રધાન કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ પણ ઉપસ્થિત રહેશે. GCTM સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક આઉટપોસ્ટ કેન્દ્ર હશે. તે વૈશ્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
વૈશ્વિક આયુષ રોકાણ અને ઇનોવેશન સમિટ
20 એપ્રિલના રોજ, લગભગ 10:30 વાગે PM ગાંધીનગરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન અને WHOના મહાનિર્દેશક પણ હાજર રહેશે. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, 6 વર્કશોપ અને 2 સેમિનાર જોવા મળશે.
આ સમિટ રોકાણની સંભાવનાઓને ઉજાગર કરવામાં અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ, વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. તે ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.