ભારતીય કંપનીઓમાં વધ્યો ‘AI’ નો ઉપયોગ, સમય અને ખર્ચ બચાવીને વધી રહી છે ‘કામની સ્પીડ’
ભારતીય કંપનીઓમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને અપનાવવાનો દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે. નાના પાયલોટ પ્રોજેક્ટ્સથી શરૂ થયેલી આ સફર હવે મોટા સ્તરે વિસ્તરી રહી છે. જો કે, તેની સાથે ખર્ચ અને સ્કિલની કમી જેવા પડકારો પણ સામે આવી રહ્યા છે.

ભારતમાં કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને પોતાનો અભિગમ બદલવાનું શરૂ કરી દીધું છે. આશરે દોઢ વર્ષ પહેલાં સુધી મોટાભાગની કંપનીઓ AIનો ઉપયોગ નાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરી રહી હતી. જો કે, હવે ઘણી કંપનીઓ તેને મોટા સ્તરે લાગુ કરી રહી છે.
આનાથી તેમને સમય અને ખર્ચ બચાવવા જેવા વાસ્તવિક ફાયદા પણ મળી રહ્યા છે. બીજું કે, AIને ઝડપથી અપનાવવાના ચક્કરમાં ખર્ચ, કુશળ લોકોની કમી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પડકારો હજુ પણ હાજર છે.
ઓરેકલ ઇન્ડિયા (Oracle India) ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને રિજનલ મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર કુમારે આ અંગે ન્યૂઝ એજન્સી PTIને આ જાણકારી આપી. ઓરેકલ AI વર્લ્ડ 2026 (Oracle AI World 2026) ના અવસરે તેમણે જણાવ્યું કે, આશરે દોઢ વર્ષ પહેલાં કંપનીઓ AIના પાયલોટ પ્રોજેક્ટની વાત કરી રહી હતી. એવામાં હવે મોટા સ્તરે તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેના ફાયદા પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ભારતીય કંપનીઓ નવી ટેક્નોલોજી અપનાવવાથી નથી ‘અચકાતી’
શૈલેન્દ્ર કુમારના મતે, ભારતીય કંપનીઓ નવી ટેક્નોલોજીને અપનાવવાથી પાછળ નથી હટતી. તેઓ પહેલા એ જોવાનું પસંદ કરે છે કે, આનાથી તેમને શું ફાયદો થશે? કંપનીઓ માટે એ સમજવું જરૂરી છે કે, AIથી તેમનો સમય બચશે કે ખર્ચ ઘટશે? કામ કરવાની રીત કેટલી સરળ બનશે?
તેમણે કહ્યું કે, અગાઉ કંપનીઓના મનમાં સુરક્ષા અને પ્રદર્શનને લઈને અનેક પ્રકારની શંકાઓ હતી. તેમને એ ભરોસો નહોતો કે, નવી ટેક્નોલોજી સુરક્ષિત રીતે કામ કરશે કે અપેક્ષા મુજબના પરિણામો આપશે? એવામાં જ્યારે કંપનીઓને તેના ફાયદા દેખાવા લાગ્યા, ત્યારે તેમણે તેને ઝડપથી અપનાવવાનું શરૂ કરી દીધું.
AIને અપનાવવામાં ખર્ચ સૌથી મોટા પડકારો
ભારતમાં AI અપનાવવાની ગતિ કઈ બાબતો ધીમી કરી શકે છે? આ સવાલ પર કુમારે કહ્યું કે, ખર્ચ ચોક્કસપણે એક મોટો પડકાર છે. આ ઉપરાંત કુશળ લોકોની ઉપલબ્ધતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મહત્ત્વના મુદ્દાઓ છે. સ્કિલની કમી દૂર કરવા માટે ઓરેકલ યુનિવર્સિટીઓ, કોલેજો અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
તેના અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પહેલમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) અને પોલિટેકનિક સંસ્થાઓ પણ છે. કુમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પડકાર ગણાવ્યો. તેમણે એ પણ કહ્યું કે, દેશમાં નવા ડેટા સેન્ટર સ્થપાઈ રહ્યા છે અને તેનાથી આ પડકારને દૂર કરવામાં મદદ મળી રહી છે.
AIના નિર્ણયો પર માનવીય દેખરેખ જરૂરી
AIના વધતા ઉપયોગ વચ્ચે આ સવાલ પણ મહત્ત્વનો છે કે, કયા નિર્ણયો AIએ લેવા જોઈએ અને કયા મામલાઓમાં માનવીઓની ભૂમિકા જરૂરી છે? આના પર કુમારે કહ્યું કે, AIના મામલામાં ગવર્નન્સ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. સંગઠનો પાસે એવા લોકો હોવા જોઈએ, જે AI સાચા પરિણામો આપી રહ્યું છે કે નહીં? તે ચકાસી શકે. બીજું કે, તેનો ઉપયોગ એ જ હેતુ માટે થઈ રહ્યો છે, જેના માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે? તે પણ ચકાસી શકે.
તેમણે કહ્યું કે, કંપનીઓના પોતાના સ્તરે ગવર્નન્સ ઉપરાંત AIને લગતા નિયમ-કાનૂન પણ સમય સાથે બદલાશે. હવે જેમ-જેમ આ ઇન્ડસ્ટ્રી આગળ વધશે, રેગ્યુલેશનમાં પણ બદલાવ જોવા મળશે. તેમણે AI મોડેલના પોતાના નક્કી કરેલા ઘેરાની બહાર જઈને કામ કરવા એટલે કે ‘રોગ’ (Rogue) થવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.
ભારતમાં 33 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે ‘ઓરેકલ’
તેમણે જણાવ્યું કે, ઓરેકલ ભારતમાં છેલ્લા 33 વર્ષથી કામ કરી રહી છે અને દેશના 15થી વધુ શહેરોમાં તેની ઉપસ્થિતિ છે. કંપની લગભગ 10 વર્ષથી ભારતમાં બે અંકના દરે ગ્રોથ કરી રહી છે. ભારતમાં ઓરેકલનો સૌથી મોટો કારોબાર બેન્કિંગ સેક્ટરથી આવે છે. ત્યારબાદ સરકારી ક્ષેત્રનું સ્થાન છે. તેમણે એ પણ જણાવ્યું કે, ભારતની ચારેય ટેલિકોમ કંપનીઓ ઓરેકલની સેવાઓનો ઉપયોગ કરે છે.
આગામી 3 થી 5 વર્ષમાં કારોબારની રફતાર વધારવા પર ‘ભાર’
ભારતમાં ઓરેકલની આગળની રણનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આગામી ત્રણથી પાંચ વર્ષમાં તેમની પ્રાથમિકતા કંપનીના કારોબારની ગ્રોથને તેજ કરવાની રહેશે. તેમણે કહ્યું કે, તે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે; કંપનીનો કારોબાર વર્તમાન રફતાર કરતા વધુ ઝડપથી વધે, કારણ કે ભારતીય બજારમાં તેની ઘણી સંભાવનાઓ છે.
કુમારે ભારતની આર્થિક સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. બસ જીઓ-પોલિટિકલ ઘટનાઓ એવી બાબતો છે, જેને નિયંત્રિત કરી શકાતી નથી. જો કે, દેશના નજરિયાથી ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે.
