Breaking: અમેરિકામાં SBIનો મોટો ધમાકો, ટેક્સાસમાં ખોલી પોતાની પ્રથમ બ્રાન્ચ, ગ્લોબલ બેન્કિંગ ક્ષેત્રે વધાર્યો ભારતનો દબદબો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની સબસિડિયરીએ કેલિફોર્નિયા બહાર વિસ્તરણ કરતાં ટેક્સાસના ફ્રિસ્કોમાં નવી બ્રાન્ચ શરૂ કરી છે. ઉત્તર ટેક્સાસમાં રહેતા ભારતીય સમુદાય માટે બેન્કિંગ સરળ બનશે. સાથે જ છેલ્લા એક મહિનામાં SBIના શેરમાં 8%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની પૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (કેલિફોર્નિયા) એ ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં પોતાની નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું છે. આ શાખા શરૂ થવાની સાથે જ આ સહાયક કંપનીએ કેલિફોર્નિયા બહાર પોતાનું પ્રથમ ફિઝિકલ વિસ્તરણ પૂર્ણ કર્યું છે. આ સાથે હવે અમેરિકામાં તેની શાખાઓ આઠ સ્થળો પર થઈ ગઈ છે. ઉદ્ઘાટન સમારોહનું નેતૃત્વ SBI ગ્રૂપના ચેરમેન સી. એસ. શેટ્ટીએ કર્યું હતું. આ અવસરે હ્યુસ્ટનમાં ભારતના મહાવાણિજ્ય દૂત ડી. સી. મંજુનાથ અને ફ્રિસ્કોના મેયર માર્ક હિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શા માટે શરૂ કરાઈ બ્રાન્ચ?
ઝડપથી વિકસી રહેલા ઉત્તરી ડલાસ વિસ્તારમાં આવેલી ફ્રિસ્કોની આ નવી શાખા રિટેલ અને કોમર્શિયલ બેન્કિંગ સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે સજ્જ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક ડિપોઝિટ, કોમર્શિયલ લોન અને આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર (રેમિટન્સ) નો સમાવેશ થાય છે. આ સેવાઓ ખાસ કરીને ઉત્તરી ટેક્સાસના નાગરિકો, પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ એકમોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
મંજુનાથે ભારત-અમેરિકા આર્થિક અને વ્યાપારિક સંબંધોને મજબૂત કરવાની સાથે ઉત્તરી ટેક્સાસમાં ઝડપથી વધી રહેલા ભારતીય પ્રવાસી સમુદાય માટે નાણાકીય પહોંચ વધારવામાં આ શાખાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કેલિફોર્નિયા સ્થિત પોતાની સબસિડિયરીના આઠ કેન્દ્રો ઉપરાંત અમેરિકામાં SBIની મજબૂત પ્રત્યક્ષ હાજરી પણ છે. બેન્ક ન્યૂયોર્ક, શિકાગો અને લોસ એન્જલસમાં પૂર્ણ-સેવા શાખાઓ તેમજ વોશિંગ્ટનમાં એક પ્રતિનિધિ કાર્યાલયનું સંચાલન કરે છે.
એક મહિનામાં 8 ટકાથી વધુનો ઉછાળો
SBIના શેરમાં છેલ્લા આશરે એક મહિનામાં 8 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો શુક્રવારે બેન્કના શેરમાં 1 ટકાની તેજી નોંધાઈ હતી અને તે ₹1,016 પર બંધ થયો હતો. જોકે છેલ્લા સપ્તાહમાં જ બેન્કના શેરમાં આશરે 4 ટકાનો વધારો થયો હતો, જેના પગલે બેન્કનું માર્કેટ વેલ્યુએશન ₹9.38 લાખ કરોડ થઈ ગયું હતું. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં SBIના શેરમાં હજુ વધુ વધારો જોવા મળી શકે છે. વર્તમાન વર્ષમાં પણ SBIના શેરમાં અત્યાર સુધી 3 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
