Gandhinagar: કોરોનાને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સુસજ્જ, આરોગ્ય સુવિધા અંગે કરાઈ સમીક્ષા
ગાંધીનગર (Gandhinagar) જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડની સુવિધાઓની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ. આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ સાથે જ તેમણે રાજ્યમાં રસીકરણની કામગીરી વધુ વેગવાન બનાવાશે તેમ જણાવ્યુ હતુ. તો સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર સરકાર પાસેથી વધુ 12 લાખ ડોઝની માગણી કરાઈ છે.
કોરોના સામે લડવા તંત્ર સજ્જ
ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.
મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે.
ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, નાગરિકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખથી વધુ ડોઝની માગણી કરી છે. આ જથ્થો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવનું રાજ્યવ્યાપી આયોજન કરાશે, ત્યારે જે નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેઓએ સત્વરે આ ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સઘન રસીકરણથી સુરક્ષિત કર્યાં છે, આથી નાગરિકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહીને તકેદારી રાખવી અત્યંત અનિવાર્ય છે. કોવિડ અંગેની માર્ગદર્શિકાનું તમામ નાગરિકોએ ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા તાલીમબદ્ધ માનવબળ મળી રહે એ માટે નર્સીંગ અને પેરામેડીકલ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરાયા છે.