લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં હવે બહુ જૂજ મોટા ચહેરાઓ બચ્યા છે. ત્યારે મહુવાના જાયન્ટ કિલર ગણાતા અને ખેડૂત આગેવાનથી જાણીતા ડૉ કનુ કલસરિયાની ભાજપમાં ઘર વાપસી થઈ શકે છે. રાજુલાની મુલાકાત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સીધા મહુવા પહોંચ્યા હતા. અહીં તેમણે ડૉ કનુ કલસરિયા સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.
આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ કલસરિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુક્યા છે ત્યારે પાટીલ સાથેની તેમની મુલાકાત ઘણુ સૂચવી જાય છે. આ મુલાકાતને કલસરિયાએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. ભાજપમાં જોડાવા અંગે કલસરિયાએ જણાવ્યુ કે મે વિચારવા માટે 8-10 દિવસનો સમય માગ્યો છે. અત્યારે ઘર વાપસી કરીશ તે અંગે વિચારવાનો સમય માગ્યો છે. હાલ જ્યારે કોંગ્રેસના દિગ્ગજો એક બાદ એક ભાજપમાં કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ત્રણવાર ભાજપના ધારાસભ્ય રહેલા ડૉ કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે.
પાટીલ કનુ કલસરિયાને મળવા માટે તેમની સદ્દભાવના હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યા વિવિધ ડૉક્ટરની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં આહિર સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે કનુ કલસરિયાના નિવાસસ્થાને ભોજન પણ લીધુ હતુ. આ મુલાકાત સંપૂર્ણપણે ખાનગી રખાઈ હતી પરંતુ હવે તેની જાહેરાત થઈ ચુકી છે. ડૉ. કનુ કલસરિયા, અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાને ભાજપ સાથે જોડવાનું આખુ ઓપરેશન એકસાથે અને એક જગ્યાએથી થયુ હોવાની પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે.
ડૉ કનુ કલસરિયાને પીએમ મોદી પણ ડૉક્ટર કહીને બોલવતા હતા. કલસરિયા તેમના સદ્દભાવના ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા છે. પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને ડબલથી વધુ માર્જિનથી હરાવી જાયન્ટ કિલર તરીકેની ઓળખ બનાવી હતી. કલસરિયાએ મહુવા પંથકમાં પ્રદૂષણના મુદ્દે ઉદ્યોગોની એન્ટ્રી રોકી ખેડૂત નેતા તરીકેની ઓળખ બનાવી છે. ઉદ્યોગો સામેની લડતને કારણે તેમના પર હુમલો પણ થયો હતો. કળસરિયાએ મહુવામાં ઓદ્યોગિકરણ સામે મુદ્દો ઉઠાવી મોરચો માંડ્યો હતો. વર્ષ 2010માં કળસરિયાએ 11 હજારથી વધુ ખેડૂતોના લોહીથી કરાવેલી સહીવાળુ આવેદનપત્ર લઈ સિમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધ ગાંધીનગર પહોંચ્યા હતા.
નવેમ્બર 2018માં તળાજામાં ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધના દેખાવો દરમિયાન કંપનીની સંપત્તિને 5 લાખનું નુકસાન પહોંચાડવાના કેસમાં કોર્ટે તેમને 6 મહિનાની સાદી કેદ અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Input Credit- Ajit Gadhvi, Snajay Vala- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો