કોંગ્રેસમાંથી છેડો ફાડનારા અંબરીશ ડેરે ભાજપમા જોડાયા બાદ tv9 સાથે કરી ખાસ વાતચીત, કોઈ વ્યક્તિગત ટિપ્પણી કર્યા વિના પાર્ટી છોડવાનું આપ્યુ આ કારણ- વીડિયો
અમરેલીની રાજુલા બેઠકથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહેલા અંબરીશ ડેરે આખરે વિધિવત રીતે પાટીલના હાથે કેસરીયા કરી જ લીધા. સી.આર.પાટીલે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા છે. આજે કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમા જામનગરના આહિર અગ્રણી મુળુ કંડોરીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે, એ સહિત પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી આજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાયા બાદ કોઈકે રામ મંદિરને મુદ્દો બનાવ્યો તો કોઈકે કોંગ્રેસને ડૂબતી નાવ ગણાવી. ત્યારે આવો જાણીએ અંબરીશ ડેરે શું કહ્યુ.
કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ પહેરનારા અંબરીશ ડેર આજે વિધિવિત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. આ તકે તેમણે tv9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે જે પાર્ટીમાં અનેક વર્ષો સુધી યુવા મોરચાના કાર્યકર તરીકે કામ કર્યુ હોય અને એ પાર્ટીના મોભીના ધ્યાને આવ્યુ અને તેમણે આમંત્રણ આપ્યુ જેનો મે સાદર સ્વીકાર કર્યો છે. અંબરીશ ડેરે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના યુવા મોરચાના કાર્યકર તરીકે કરી હતી. એ સમયે ઉત્સાહ અને તરવરાટથી ભરેલા ડેરને પાટીલે કામ કરતા જોયા હતા. તેવુ આજ ડેરે જણાવ્યુ. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે વન બુથ ટેન યુથ કાર્યક્રમ ચલાવાયો હતો. એ સમયે કોઈ મોબાઈલ કેમેરા પણ ન હતા. એ સમયે ગામેગામ ફરીને યુવા મોરચા તરીકે કામ કરેલુ.
“ભાજપના મોભીએ જાહેર મંચ પરથી ત્રણવાર આમંત્રણ આપ્યુ હોય એવો હું પહેલો વ્યક્તિ હોઈશ”
ભાજપમાં જોડાયા બાદ ડેર કોઈપણ વ્યક્તિગત ટિપ્પણી કરવાથી બચતા જોવા મળ્યા. આ વાતચીત દરમિયાન તેઓ કોંગ્રેસનો ‘ક’ બોલવાથી પણ બચતા દેખાયા. તેમણે ભાજપના નેતૃત્વ, કામગીરીની પ્રશંસા કરી, સાથોસાથ જણાવ્યુ “ભાજપના અધ્યક્ષે કોઈને જાહેર મંચ પરથી ત્રણવાર આમંત્રણ આપ્યુ હોય એવો હું પહેલો વ્યક્તિ હોઈશ, તો મને એવુ લાગ્યુ કે વારંવાર લાગણીની અવગણના થાય એ યોગ્ય નથી. એટલા માટે જ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યુ.” જો કે અહીં સવાલ એ પણ થાય કે તો શું કોંગ્રેસમાં ક્યાંય અવગણના થતી હતી? કોંગ્રેસના પ્રેમમાં ડેરને ક્યાં કમી દેખાઈ ? બે વાર વિધાનસભાની ટિકિટ આપનારી કોંગ્રેસની લાગણી માટે ડેરને કેમ આદરભાવ ન દેખાયો ?
ડેરના મૂળ ભાજપ સાથે જોડાયેલા છે. તેમના પિતા વર્ષો સુધી વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ રહી ચુક્યા છે. ડેર ખુદ પણ બજરંગ દળમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી ચુક્યા છે અને જનતા જનાર્દનના હિતને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો તેમ ડેરે ઉમેર્યુ હતુ.
ભાજપમાં જોડાયા બાદ ડેર ખુદને ક્યાં જોઈ રહ્યા છે ?
ભાજપમાં જોડાવા માટે ભાજપ સાથે શું સોદાબાજી થઈ સવાલના જવાબમાં ડેરે જણાવ્યુ કે લાગણી અને પ્રેમમાં સોદાબાજીને અવકાશ નથી. 21 વર્ષના જાહેરજીવનમાં એટલુ સમજાયુ છે કે તમારે જો યોગ્ય કામ કરવુ હોય, યોગ્ય પ્લેટફોર્મ પરથી યોગ્ય રજૂઆત કરવી હોય અને તમારી માગણી સાચી હોય તો હોદ્દો હોય તો જ કામ થાય એવુ નથી. પીએમનુ દૃષ્ટાંત આપતા ડેરે કહ્યુ મોદી મુખ્યમંત્રી બન્યા પહેલા એકપણ ચૂંટણી લડ્યા નથી છતા તેમણે સાબિત કરી બતાવ્યુ છે. આથી હોદ્દો હોય કે ન હોય નિષ્ઠાપૂર્વક કામ કરવુ હોય તો થઈ શકે છે.
ભાજપે કોંગ્રેસની પરંપરાગત ગણાતી OBC વોટબેંકમાં ગાબડુ પાડવાનો કર્યો પ્રયાસ
આહિર સમાજના બે મોટા અને મજબુત ચહેરા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુલાથી અંબરીશ ડેર સહિત જામનગરથી આહિર સમાજના અગ્રણી મુળુ કંડોરીયા પણ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરીયા ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને દ્વારકા કલ્યાણપુરના આહિર સમાજના અગ્રણી છે. કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ તેઓ ચૂંટણી લડી ચુક્યા છે. તેમના ભાજપમાં જોડાવાથી પૂનમ માડમને લોકસભામાં ફાયદો થશે. આહિર સમાજના બે મજબુત ચહેરા અને મેર સમાજમાંથી આવતા અર્જુન મોઢવાડિયાને ભાજપમાં સામેલ કરી ભાજપે કોંગ્રેસની પરંપરાગત OBC વોટબેંકમાં મોટું ગાબડુ પાડવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં 11 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ, કુલ 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓની કસોટી