બટાકાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો યુપી-બિહારથી મોંઘા ગુજરાતના બટાકાની માંગ કેમ વધુ ?
ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં રવિ સિઝનમાં બટાકાની ખેતી થાય છે. બટાકાની દેશ-વિદેશમાં ભારે માંગ છે. આજે ઘણા રાજ્યોના ખેડૂતો બટાકાની ખેતી કરીને નફો કમાઈ રહ્યા છે. ત્યારે અમે તમને જણાવીશું કે દેશમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, છતાં ગુજરાતના બટાકાની માંગ કેમ વધુ રહે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સમગ્ર વિશ્વમાં ખાદ્ય પુરવઠો સપ્લાય કરીને મુખ્ય કૃષિપ્રધાન દેશની છબી બનાવી છે. ભારતની લગભગ દરેક પ્રકારની કૃષિ પેદાશોની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ છે, પરંતુ દેશી બટાકાએ વિદેશીઓમાં એક ખાસ ઓળખ ઉભી કરી છે. આજે શ્રીલંકા, ઓમાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મોરેશિયસ જેવા અનેક દેશોમાં ભારતના બટાકાની નિકાસ થઈ રહી છે. એમાં પણ ગુજરાત આ મામલે સૌથી આગળ છે, ત્યારે જાણી લઈએ કે દેશમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, પરંતુ ગુજરાતના બટાકાની માંગ કેમ વધુ રહે છે.
ભારતમાં બટાકાનું ઉત્પાદન
ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં રવિ સિઝનમાં બટાકાની ખેતી થાય છે. બટાકા એટલા માટે પણ ખાસ છે કારણ કે તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, જેની દેશ-વિદેશમાં ભારે માંગ છે. આજે ઘણા રાજ્યોના ખેડૂતો બટાકાની ખેતી કરીને સારો એવો નફો કમાઈ રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબના બટાકાના ઉત્પાદનમાં મોખરે છે.
દેશના કુલ બટાકા ઉત્પાદનમાં આ રાજ્યના ખેડૂતોનો ફાળો 90 ટકા છે. રાષ્ટ્રીય બાગાયત બોર્ડના 2022ના ડેટા અનુસાર, બટાકાના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર આવે છે. દેશના કુલ ઉત્પાદનામાં UPના ખેડૂતો 29.65 ટકા બટાકાનું ઉત્પાદન કરે છે. પશ્ચિમ બંગાળમાં 23.51 ટકા, બિહારમાં 17.2 ટકા અને ગુજરાત 7.05 ટકા ઉત્પાદન સાથે દેશમાં ચોથા નંબરે છે, ત્યાર બાદ મધ્ય પ્રદેશમાં 6.68 ટકા અને પંજાબમાં 5.32 ટકા બટાકાનું ઉત્પાદન થાય છે.
બટાકાની નિકાસમાં ગુજરાત મોખરે
ભારત દ્વારા નિકાસ કરવામાં આવતા બટાકાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, સ્થાનિક બટાકાની નિકાસમાં 4.6 ગણો વધારો થયો છે. ભારત વિશ્વમાં બટાકાની નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર છે. બટાટા નિકાસના આંકડા અનુસાર, ભારતે 2022માં વિશ્વમાં 360 કરોડ રૂપિયાના બટાટા વિદેશમાં મોકલ્યા હતા. ભારત વિશ્વભરના 30થી વધુ દેશોમાં બટાકાની નિકાસ કરે છે, જે તેને વિશ્વનો બીજો સૌથી મોટો બટાટા નિકાસકાર બનાવે છે.
બટાકાના ઉત્પાદનમાં ગુજરાત ભલે ચોથા નંબરે હોય, પરંતુ બટાકાની નિકાસમાં ગુજરાત મોખરે છે. દેશમાંથી નિકાસ થતા બટાકામાં 25 ટકા બટાકા તો ફક્ત ગુજરાત જ નિકાસ કરે છે. બટાકાની નિકાસ વર્ષોથી ગુજરાત માટે ગૌરવની વાત રહી છે. દેશના બટાકાની નિકાસમાં ગુજરાતનો જ હિસ્સો લગભગ ચોથા ભાગનો છે.
ગુજરાતના ડીસાના બટાકાની ખાસિયત
સાંતાના અને ફ્રિસોના એ બટાકાની બે મુખ્ય જાતો છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે થાય છે. તેના લંબચોરસ આકાર અને પીળા ફ્લેશને કારણે ફ્રિસોનાની સરખામણીમાં સાન્ટાનાને પ્રીમિયમ ગણવામાં આવે છે. ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો ભારતમાં સાન્ટાના જાતના બટાકાનો સૌથી મોટો ઉત્પાદક છે. બનાસકાંઠાના ડીસામાં ચિપ્સ બનાવવા માટેના બટાકાનું ઉત્પાદન થાય છે.
ડીસામાં બટાકા વાવેતર માટે અનુકૂળ વાતાવરણ અને ફળદ્રુપ જમીન છે. ચિપ્સ બનાવવા માટેના બટાકા માટે જે વાતાવરણ જોઈએ તે અહીં મળી રહે છે. ડીસાનું તાપમાન 6 ડીગ્રીથી નીચે જતું નથી એટલે બટાકામાં સુગરનું યોગ્ય લેવલ જળવાઈ રહે છે, તેથી આરોગ્યની દરકાર લેતા લોકો માટે ડીસામાં ઉત્પાદિત થતા બટાકા પહેલી પસંદ છે.
ડીસા તેના બટાકાના વાવેતર માટે જાણીતું છે. બટાકાના સંશોધન માટે ખેતી હેઠળના વિસ્તાર અને કૃષિ તેમજ આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ સંશોધન પરિષદની નાણાકીય સહાયથી 1971-72માં ઓલ ઈન્ડિયા કો-ઓર્ડિનેટેડ પોટેટો ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.
ડીસાના આ બટેકા લોકોની પહેલી પસંદ
ડીસાના ખેડૂતોએ પરંપરાગત બટાકા સાથે ઓછી સુગર ધરાવતા બટાકાની વિવિધ જાતો ઉગાડવાનું શરૂ કર્યું છે. ડીસા પહેલાથી જ મોટા કદના બટાકાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. છેલ્લા બે વર્ષથી પાલનપુરના ડીસા તાલુકાના કેટલાક ખેડૂતોએ બટાટાની નવી જાત સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું, જેનું નામ તેની લાલ છાલ પરથી પડ્યું છે.
ખેડૂતો દ્વારા પ્રથમ વખત લાલ બટાકાના બીજનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ આ પાકની સફળતા અંગે શંકા વ્યક્ત કરી હતી કારણ કે આ પ્રકારના બટાટા સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. જો કે, ખેડૂતો તેમના પ્રયોગ સાથે આગળ વધ્યા અને સફળ થયા. છેલ્લા બે વર્ષથી બનાસકાંઠાના ખેડૂતો આ નવી જાતનો લાભ મેળવી રહ્યા છે.
ખેડૂતો સફળતા બાદ દર વર્ષે ઉત્પાદન વધારી રહ્યા છે. આ બટાકાને પોટેટો ચિપ અને વેફર પ્રોસેસિંગ કંપનીઓમાં ખરીદદારો મળ્યા છે. તેમની લેબમાં બટાટાનું પરીક્ષણ કરતાં કંપનીઓને જાણવા મળ્યું કે આ બટાકામાં માત્ર પાણીનું પ્રમાણ ઓછું નથી, તે વેફર માટે બેસ્ટ છે, સાથે જ તેમાં સુગરનું લેવલ પણ ઓછું છે. જેના કારણે આરોગ્યની દરકાર લેતા લોકોની પહેલી પસંદ આ બટાકા છે.
મહેસાણામાં પ્રોસેસિંગ પ્લાન્ટ
ગુજરાતમાં બટાકાની ઘણી જાતોની ખેતી માટે અનુકૂળ વાતાવરણ છે, જેનો ઉપયોગ ફ્રોઝન બટાકા આધારિત ઉત્પાદનોના ઉત્પાદન માટે વ્યાપકપણે થાય છે. આવા ઉત્પાદનોના ત્રણ સૌથી મોટા ઉત્પાદકો હાયફન ફૂડ્સ, મેકકેન ફૂડ્સ અને ઇસ્કોન બાલાજી ફૂડ્સ છે. ગુજરાતમાં તેમના યુનિટ આવેલા છે. આ કંપનીઓએ ગુજરાતમાં ન માત્ર રૂ.1,000 કરોડ રોકાણ કર્યું છે, પરંતુ ભવિષ્યના વિસ્તરણ માટે પણ ઉત્સાહિત છે. ખરીદીમાં વધારો થવાથી સ્થાનિક ખેડૂતોને મોટા પાયે ફાયદો થઈ રહ્યો છે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં હાઇફન ફૂડ્સના પાંચ બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ છે જેની વાર્ષિક ક્ષમતા 2.5 લાખ ટન છે. કંપનીના પ્રોસેસિંગ યુનિટ મહેસાણામાં આવેલા છે, જ્યારે બટાકાનું ઉત્પાદન ડીસામાં થાય છે. પ્રોસેસિંગ યુનિટ મહેસાણા રાખવા પાછળનું કારણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે છે. કંપનીએ જણાવ્યું છે કે, મહેસાણામાં બટાકાની સ્લાઈસ, ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાકાની વિશેષતા ઉત્પાદનો માટે ત્રણ નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાંથી બટાકાની સ્લાઈસ પ્લાન્ટનું બાંધકામ શરૂ થઈ ગયું છે અને આ વર્ષે ચાલુ થઈ જશે, જ્યારે અન્ય બે પ્લાન્ટ 2025ના અંત સુધીમાં શરૂ થઈ જશે.
ઉત્તરપ્રદેશ કરતા ગુજરાતના બટાકા મોંઘા
ગુજરાતમાં પ્રોસેસિંગ યુનિટમાં ચિપ્સ બનાવવા માટે વપરાતા બટાકાની કિંમત રૂ. 9.5 થી રૂ. 12.5 પ્રતિ કિલોની વચ્ચે છે, જ્યારે આગરામાં બટાકાની કિંમત રૂ. 5.5 થી રૂ.11 પ્રતિ કિલોની વચ્ચે છે. ગુજરાતના બટાકા મોંઘા હોવા છતાં તેની માંગ વધુ છે, તેની પાછળનું કારણ ગુજરાતમાં ઉત્પાદિત થતા બટાકામાંથી ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ બને છે અને તેની મોટા પાયે વિદેશમાં નિકાસ પણ થાય છે. એક કિલોગ્રામ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે બે કિલોગ્રામ બટાકાની જરૂર પડે છે. 9 મીમીની ફ્રેન્ચ ફ્રાઈસ નિકાસ કરવામાં આવે છે, જ્યારે નાના 6 મીમી ફ્રેન્ચ ફ્રાઈસ સ્થાનિક બજારમાં વપરાય છે.
ગુજરાતના બટાકાની માંગ કેવી રીતે વધી ?
ભારતમાં બટાકાના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે, એમાં રાજ્યમાં રોકાણના અનુકૂળ વાતાવરણને જાય છે. ત્રણ મોટા ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગો મેકકેઈન ફૂડ્સ, ઈસ્કોન બાલાજી ફૂડ્સ અને હાઈફન ફૂડ્સે રાજ્યને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે.
2007માં ભારતે 6,000 મેટ્રિક ટન ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરી હતી. પરંતુ 8 વર્ષમાં ભારત અન્ય દેશોમાં નિકાસકાર બન્યો છે. ભારતે 2015માં ફ્રેન્ચ ફ્રાઈસની નિકાસ શરૂ કરી, વાર્ષિક નિકાસ 5,000 મેટ્રિક ટન સાથે થઈ. ગુજરાત ભારતમાંથી મુખ્ય ફ્રોઝન બટાટા ઉત્પાદન અને નિકાસકાર છે. દેશે 2019માં લગભગ 30,000 મેટ્રિક ટન ફ્રોઝન બટાકાની નિકાસ કરી હતી, જેમાં કુલ નિકાસમાં 95 ટકા હિસ્સો ફ્રાઈસનો હતો.
2020 સુધીમાં ગુજરાતે નિકાસમાં મોટો ઉછાળો મેળવ્યો. 2020માં ભારતના બટાટા ઉત્પાદનોનું બજાર આશરે 1.10 બિલિયન US ડોલરનું હતું. 2022-2027 સમયગાળામાં બજાર આશરે 17 ટકાના CAGR પર વધવાની ધારણા છે અને 2026 સુધીમાં 2.82 બિલિયન US ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
ગુજરાતે 2018-19માં 40 લાખ મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે કુલ ઉત્પાદન 520 લાખ મેટ્રિક ટન હતું. કુલ 4 લાખ મેટ્રિક ટન બટાકાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 1 લાખ મેટ્રિક ટન હતો. ભારત નેપાળ, શ્રીલંકા, ઓમાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મોરેશિયસ જેવા દેશોમાં બટાકાની નિકાસ કરે છે. તેમાંથી સૌથી વધુ નિકાસ નેપાળમાં થાય છે.
આ પણ વાંચો H5N1 વાયરસ કેટલો ખતરનાક ? જાણો ગુજરાતમાં આ વાયરસે ક્યારે દસ્તક દીધી