ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ક્રાઈમ પેટર્ન સામે પોલીસ વધુ સજ્જ બનાવી-હર્ષ સંઘવી
Home Minister Gujarat: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ રહેણાંક આવાસ તેમજ ટીંટોઈ અને આંબલીયારાના પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ કર્યુ હતુ.
અરવલ્લી જિલ્લાની મુલાકાતે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ રહેણાંક આવાસ તેમજ ટીંટોઈ અને આંબલીયારાના પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ કર્યુ હતુ. કરોડો રુપિયાના ખર્ચે રાજ્ય સરકારે પબ્લીક અને પોલીસ માટે સુવિધાઓ ઉભી કરી છે, જેનુ લોકાર્પણ હર્ષ સંઘવીએ કર્યુ હતુ. ગૃહ રાજ્ય પ્રધાને લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ક્રાઈમ પેટર્નને જાણવા અને સમજવા માટે પોલીસ કર્મીઓની સજ્જતાને વધુ સંગીન બનાવી છે. ગુજરાત શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બન્યુ છે અને મોડલ સ્ટેટ તરીકે જાણીતુ બન્યુ છે.
મોડાસાના ધારાસભ્ય અને અન્ન નાગરીક પુરવઠા પ્રધાન ભિખુસિંહ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સતત પ્રજાની સુરક્ષા અને સેવામાં તત્પર રહેતા પોલીસ જવાનો અને અધિકારીઓને શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લો પ્રગતિના માર્ગે છે અને વિકાસ કાર્યોને સાથે મળીને આગળ વધારવાની વાત કરી હતી. પ્રસંગે ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
એમની સેવાને આપીને માન, કરીશું આપણા પોલીસ બંધુઓનું ઉચિત સમ્માન!
પોલીસ કર્મીઓ માટે આવાસની યોગ્ય સગવડો પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પાંચ વર્ષમાં હજારો નૂતન આવાસોનું નિર્માણ કરેલ છે.
જે અનુસંધાન અરવલ્લીના મોડાસામાં નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટર અને આવાસોના લોકાર્પણ નિમિત્તે પોલીસ… pic.twitter.com/isBjJc7hIw
— Harsh Sanghavi (@sanghaviharsh) April 19, 2023
ટીંટોઈ અને આંબલીયારા પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ
પોલીસ પરીવારને પ્રાથમિક સુવિધાઓ સાથેના આવાસ મળી રહે એ માટે રાજ્ય સરકારે 47 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ 280 રહેણાંકનુ લોકાર્પણ કર્યુ હતુ. પોલીસ પરીવારોને મોડાસામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવાસ તૈયાર કરવામાં આવ્યા હતા. મોડાસામાં ટાઉન ચાર રસ્તા પર પોલીસ ચોકીનુ નિર્માણ કરવામાં આવી હતી. તેમજ શામળાજીના આશ્રમ ચાર રસ્તા પાસે તૈયાર થયેલી પોલીસ ચોકીને પણ ખુલ્લી મુકવામાં આવી હતી.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે બનાવવામાં આવેલ નવીન પોલીસ સ્ટેશન અને બાયડના આંબલીયારામાં બનાવેલ અદ્યતન પોલીસ મથકને ખુલ્લુ મુક્યુ હતુ. આ ઉપરાંત ભિલોડાના માંકરોડામાં આવેલ બફેલ ફાયરિંગ રેન્જને 18 લાખ રુપિયાના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યુ હતુ. જેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ હતુ “ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે. તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા છે.” જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસના અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…