અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલે મતદારો સાથે કર્યો સંવાદ, ભાજપના કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર
વિવાદનો પર્યાય બનેલી અમરેલી બેઠક પર આજે મુખ્યમંત્રીએ મતદારો સાથે સંવાદ સાધ્યો હતો અને ભાજપના કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી જીતનો મંત્ર આપ્યો હતો. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો, પાંચેય બેઠકના ધારાસભ્યો અને સાંસદ સાથે બેઠક પણ યોજી હતી.
લોકસભા ચૂંટણીનો ધમધમાટ વચ્ચે ભાજપે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં 26 બેઠકો પર હેટ્રિક કરવા માટે ભાજપે કમર કસી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમા અમરેલીમાં આયોજિત બેઠકમાં મુખ્યમંત્રીએ મતદારો સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત સીએમએ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગ દર્શન આપ્યુ. દરેક બેઠક પર 5 લાખથી વધુ લીડથી જીતવાના લક્ષ્યાંક અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં અમરેલી જિલ્લાના તમામ પાંચ ધારાસભ્યો, જેમા કૌશિક વેકરિયા, હિરા સોલંકી, મહેશ કસવાળા સહિત સાંસદ નારણ કાછડિયા હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં દિલિપ સંઘાણી ગેરહાજર
આ બેઠકમાં દિલીપ સંઘાણી ગેરહાજર રહ્યા હતા. ઈફકોની મિટીંગ હોવાને કારણે સીએમની બેઠકમાં તેઓ હાજર રહી શક્યા ન હતા. અમરેલીમાં થોડા દિવસ પહેલા જ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. પહેલા અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા, જે બાદ પ્રભારી ભૂપેન્દ્ર ચુડાસમા અમરેલી પહોંચ્યા હતા. તેમણે અમરેલી જિલ્લા ભાજપના દિગ્ગજો સાથે બેઠક કરી હતી અને વિવાદ શાંત પાડવાની કવાયત હાથ ધરી હતી. એ બેઠકના થોડા કલાકોમાં જ અમરેલીમાં ભાજપના જ બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમા ધારાસભ્ય કૌશિક વેકરિયા જૂથના સભ્યો અને સાંસદ નારણ કાછડિયા જૂથના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ પ્રભારી હકુભા અમરેલી દોડી ગયા હતા અને કાર્યકરો અને ભાજપના નેતાઓ સાથે બેઠકો કરી હતી.જે બાદ વિવાદનો અંત આવ્યો હતો આ વિવાદ બાદ આજે સીએમ અમરેલી પહોંચ્યા હતા અને મતદારો સાથે સંવાદ કર્યો અને કાર્યકરોમાં જોશ ભર્યો હતો.
અમરેલીમાં ભાજપે ભરત સુતરીયાને બનાવ્યા છે ઉમેદવાર
અમરેલી બેઠકની જો વાત કરીએ તો છેલ્લા 15 વર્ષને બાદ કરીએ તો અમરેલી બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે અમરેલી જિલ્લાની પાંચ પૈકી ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે લોકસભામાં કોંગ્રેસે જેની ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા છે. જે નિર્વિવાદી ચહેરો છે અને મતદારો પર તેમની મજબુત પકડ છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા જેની ઠુમ્મર સામે ભાજપના ભરત સુતરીયાની ઓછુ ભણેલા નેતાની છાપ છે. બંને લેઉવા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. જેની ઠુમ્મરને ગળથુથીમાં જ રાજકારણ મળ્યુ છે. તેમના પિતા પણ સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ખુદ પણ કોંગ્રેસમાં અનેક પદો પર જવાબદારી નિભાવી ચુક્યા છે.