અમદાવાદ: SVPI ઍરપોર્ટ પર કોરોનાના નવા વેરિયન્ટને રોકવા અગમચેતીના પગલા, સરકારે જાહેર કરાઈ નવી માર્ગદર્શિકા
Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન ઍરપોર્ટ પર કોવિડના નવા વેરિયન્ટને ધ્યાને રાખી અગમચેતીના પગલે લેવાઈ રહ્યા છે. સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે 24 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સરકાર દ્વારા કોરોનાના લઇને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા COVID-19 માર્ગદર્શિકાને લાગુ કરવા જરૂરી પગલાં લીધાં છે. નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. મુસાફરોની સગવડ જળવાઈ રહે તે માટે વધારાની સુવિધાઓ અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી 2% નું રેન્ડમ પરીક્ષણ કરવામાં આવશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoFW) દ્વારા હવાઈ મુસાફરી માટે નવીનતમ માર્ગદર્શિકાનો અમલ એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે SVPI એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી 2% ને આગમન પછીના રેન્ડમ પરીક્ષણમાંથી પસાર કરાશે.
ઍરપોર્ટ પર RTPCR પરીક્ષણ માટે ICMR અને NABLમાન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરાશે
SVPIA દ્વારા મુસાફરોના RTPCR પરીક્ષણ માટે ICMR અને NABL માન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ હેન્ડ સેનેટાઈઝની પણ વ્યવસ્થા કરાઈ છે. એરપોર્ટે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે અગમચેતીના પગલાં અને આરોગ્ય સલાહના મેસેજ સમગ્ર ટર્મિનલ પર યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા સ્ટેકહોલ્ડર્સને સંવેદનશીલ બની અને જાણ કરવામાં આવી છે. એરપોર્ટની ટીમો COVID-19ના નવા વેરિયન્ટની અસર ઘટાડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. મુસાફરોને પણ એરપોર્ટ સ્ટાફને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સલામતી અને સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા બદલ એરપોર્ટ આપની ધીરજ અને સમજણની પ્રશંસા કરીએ છીએ તેવું પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવાયું.
માત્ર 2 ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટેસ્ટિંગ સામે સવાલ
ઉલ્લેખનીય છે અગાઉ પહેલી અને બીજી લહેર સમયે પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન પ્રમાણે એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ સહિત વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી. જે ગાઈડ લાઇનના કારણે કોરોના સક્રમણ ફેલાવવા પર કંટ્રોલ કરવામાં મદદ મળી હતી. તે જ વસ્તુ ફરી કરવામાં આવી રહી છે. જોકે હાલમાં માત્ર 2 ટકા મુસાફરોના ટેસ્ટિંગને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે બાકીના 98 ટકા મુસાફરો શુ કોરોના લઈને આવ્યા નહિ હોય ? તેની શુ ખાતરી અને તે બાબતને સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર શુ કરશે? જેથી કરીને કોરોનાની રાજ્ય અને દેશમાં આવવાની તમામ કડીઓ ને નાબુદ કરી શકાય. જે બાબતે પણ ક્યાંક સરકાર અને તંત્ર એ વિચારણા કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે