IPO : ભારતીય કંપનીઓએ 9 મહિનામાં IPO દ્વારા 9.7 અબજ ડોલર એકત્રિત કર્યા, છેલ્લા 20 વર્ષના રેકોર્ડ તૂટ્યા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ત્રીજા ક્વાર્ટરમાં આ ક્ષેત્રોમાં IPO માંથી સૌથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. રકમ દ્વારા ત્રણ સૌથી મોટા IPO ઝોમેટો, નુવોકો વિસ્ટાસ કોર્પ અને કેમ્પલાસ્ટ સનમાર હતા.
ભારતીય શેરબજાર(Share Market )માં બુલ રન ચાલુ છે. આ બુલ રેસમાં IPO માર્કેટમાં પણ જબરદસ્ત તેજીનું વાતાવરણ છે. કંપનીઓ રેકોર્ડ સંખ્યામાં IPO લાવી રહી છે. તે જ સમયે, ભંડોળ ઉભુ કરવામાં રેકોર્ડ પર રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. ભારતીય કંપનીઓએ વર્તમાન કેલેન્ડર વર્ષના જાન્યુઆરી-સપ્ટેમ્બરના પ્રથમ નવ મહિનામાં આઈપીઓમાંથી 9.7 અબજ ડોલર એકત્ર કર્યા છે.
નવ મહિનાના સમયગાળા માટે આ બે દાયકામાં સૌથી વધુ આંકડો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કન્સલ્ટિંગ સેક્ટર મેજર EY (E&Y) ના રિપોર્ટ મુજબ જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન ભારતીય બજારમાં કુલ 72 IPO આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ ખૂબ મજબૂત રહ્યું હતું.
નવ મહિનામાં 72 IPO રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટર સુધી વૈશ્વિક IPO માર્કેટમાં તેજી રહી છે. સોદાઓની સંખ્યા અને રકમના સંદર્ભમાં આ છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ આંકડો હાંસલ કર્યો છે. ભારતમાં કંપનીઓએ 2021 ના પ્રથમ નવ મહિનામાં 72 IPO મારફતે 9.7 અબજ ડોલર એકત્ર કર્યા હતા. “છેલ્લા 20 વર્ષમાં આ સૌથી વધુ આંકડો છે.”
વર્ષ 2018 માં પણ રહી હતી તેજી અગાઉ 2018 માં વર્ષના પ્રથમ નવ મહિનામાં ,મોટી સંખ્યામાં IPO ભારતમાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય કંપનીઓએ 31 IPO મારફતે 5 અબજ ડોલરથી વધુ એકત્ર કર્યા હતા. 8 આઈપીઓ વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત હતા અને પાંચ આઈટી ક્ષેત્રના હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ત્રીજા ક્વાર્ટરમાં આ ક્ષેત્રોમાં IPO માંથી સૌથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. રકમ દ્વારા ત્રણ સૌથી મોટા IPO ઝોમેટો, નુવોકો વિસ્ટાસ કોર્પ અને કેમ્પલાસ્ટ સનમાર હતા.
વધુ વૃદ્ધિની આશા EY ના ઇમર્જિંગ માર્કેટ્સ, ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે ભારતીય IPO માર્કેટ ખૂબ જ તેજીમાં છે. “2017 ના ચોથા ક્વાર્ટરથી આઇપીઓની દ્રષ્ટિએ આ સૌથી સક્રિય ક્વાર્ટર રહ્યું છે.” વધુમાં તેમને ઉમેર્યું હતું કે “આગામી ક્વાર્ટર માટેનું દૃષ્ટિકોણ સકારાત્મક છે. આ સમયગાળા દરમિયાન ઘણી નવી અર્થવ્યવસ્થા અને ટેકનોલોજી આધારિત આઈપીઓ આવે તેવી અપેક્ષા છે. શેરબજારો તેમની સર્વોચ્છ સ્તર પર છે, જે પ્રાથમિક બજારને પ્રોત્સાહિત કરે છે.