કાર(Car)ને લક્ઝરી પ્રોડક્ટ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેની લોન પર (Income Tax)ટેક્સમાં છૂટ મળતી નથી. જો કે તમે જો વ્યવસાયિક છો અથવા તમારા વ્યવસાય માટે કારનો ઉપયોગ કરો છો તો તમે રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ કપાત(Tax Exemption)નો દાવો કરી શકો છો.કર્મચારીઓ(Employee)ને આના પર ટેક્સમાં છૂટ મળતી નથી. ક્લિયરના સ્થાપક અને સીઈઓ અર્ચિત ગુપ્તા કહે છે કે જો તમે કાર લોન(Car Loan) પર ટેક્સ કપાતનો દાવો કરવા માંગતા હો તો તેમાં મહત્વપૂર્ણ છે કે તે કાર નો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવામાં આવે તે જરૂરી છે.
દાખલ તરીકે જો તમે કાર ભાડેથી ચલાવો છો અથવા ટ્રાવેલ એજન્સીમાં ઉપયોગ કરો છો કે પછી તમારો પોતાનો વ્યવસાય ચલાવો છો અથવા તમે પ્રોફેશનલ છો તો પણ તમે કાર લોન પર વાર્ષિક ચૂકવવામાં આવતા વ્યાજની બરાબર કર કપાતનો દાવો કરી શકો છો. આ માટે ચૂકવવામાં આવેલ વ્યાજની રકમ રિટર્ન ફાઇલ કરતી વખતે વ્યવસાયની કિંમત તરીકે દર્શાવવાની રહેશે.
માત્ર કાર લોન પરનું વ્યાજ જ નહીં પરંતુ વાર્ષિક ઉપયોગમાં લેવાતા ઈંધણ અને કારની જાળવણી પર થતા ખર્ચને પણ આવકવેરા કપાતમાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત તમે ડિપ્રેશિએશન ખર્ચ એટલે કે કારની ખરીદી કિંમતમાં વાર્ષિક ધોરણે ઘટાડો કરવા પર છૂટ મેળવી શકો છો. જો કે ઇંધણની માત્ર ચોક્કસ રકમ જ કર કપાતપાત્ર છે અને ડિપ્રેશિએશન ખર્ચ કારના મૂલ્યના વાર્ષિક 15-20% સુધી છે.
ધારો કે જો તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે કાર લોન માટે બેંકને વાર્ષિક 70 હજાર વ્યાજ ચૂકવો છો તો આવક ની ગણતરી રૂ ૯.૩૦ લાખ પર ગણવાની રહેશે તેમાં ઇંધણ અને ડિપ્રેશિએશન ખર્ચનો સમાવેશ થશે નહીં.
કર અને રોકાણ સલાહકાર બળવંત જૈન કહે છે કે કરદાતાઓએ ધ્યાનમાં રાખવું પડશે કે દાવા સમયે આવકવેરા વિભાગ પુરાવા માંગી શકે છે કે કારનો બિઝનેસમાં ઉપયોગ થયો છે. જો કોઈએ ખોટો દાવો કર્યો હોય તો માત્ર દાવો નકારી કાઢવામાં આવશે એટલું જ નહીં આવકવેરા વિભાગ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કરદાતા માટે રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજોનો ઉલ્લેખ કરવો ખુબ જરૂરી છે.