શત્રુને પણ મિત્ર બનાવી દેશે આજનો ઉપાય ! બસ, મિત્ર સપ્તમીએ આ રીતે સૂર્ય દેવતાને કરી લો પ્રસન્ન !
લૌકિક માન્યતા અનુસાર આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને (Person) ચર્મરોગ તેમજ નેત્ર રોગમાં રાહતની પ્રાપ્તિ થતી હોય છે. એટલું જ નહીં, આ વ્રત વ્યક્તિને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ કરાવનારું પણ મનાય છે !

સૂર્ય દેવતા એ પ્રત્યક્ષ દેવતા તરીકે પૂજાય છે. સમગ્ર વર્ષ દરમિયાન એવી અનેક તિથિઓ આવે છે કે જે દિવસે સૂર્ય ઉપાસનાનો સવિશેષ મહિમા રહેલો હોય છે. જેમ કે મકર સંક્રાંતિ, ભાનુ સપ્તમી, મિત્ર સપ્તમી વગેરે. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિને મિત્ર સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. અને આજે 29 નવેમ્બર, મંગળવારના રોજ આ જ રૂડો અવસર છે. ત્યારે આવો, આપણે પણ આ વ્રતની મહત્તાને જાણીએ.
મિત્ર સપ્તમી માહાત્મ્ય
સૂર્ય દેવતાના તો ઘણાં બધાં નામ છે. તેમાંથી જ એક છે ‘મિત્ર’ ! મિત્ર સપ્તમીના અવસરે સૂર્ય દેવતાના નામનું વ્રત રાખવામાં આવે છે. માન્યતા અનુસાર મિત્ર સપ્તમીના વ્રતમાં તો, શત્રુને પણ મિત્ર બનાવી દેવાનું સામર્થ્ય છે ! એટલે કે, આ વ્રત વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધોને દૂર કરનારું છે. તો, લૌકિક માન્યતા અનુસાર આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ચર્મરોગ તેમજ નેત્ર રોગમાં રાહતની પ્રાપ્તિ થતી હોય છે. એટલું જ નહીં આ વ્રત દીર્ઘ આયુષ્યની પણ પ્રાપ્તિ કરાવનારું છે. પણ, તેના માટે જરૂરી છે એ છે કે વ્રતને સંપૂર્ણપણે નિયમાનુસાર કરવામાં આવે.
વ્રતની વિધિ
⦁ મિત્ર સપ્તમીના દિવસે તીર્થસ્નાનનો મહિમા છે. પણ, તે ન થઈ શકે તો સવારે નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ સૂર્ય દેવતાને વંદન કરવા.
⦁ તાંબાના કળશમાં જળ ભરી તેમાં ચંદન, લાલ પુષ્પ તેમજ ચોખા મિશ્રિત કરીને સૂર્ય દેવતાને અર્ઘ અર્પણ કરવું.
⦁ શક્ય હોય તો ખુલ્લા આકાશ નીચે બેસીને સૂર્ય મંત્રનો જાપ કરો. કારણ કે આજના દિવસે સૂર્યના કિરણોને ગ્રહણ કરવા ખૂબ જ ફળદાયી મનાય છે. તો, સૂર્યકૃપા પ્રાપ્ત કરાવનારો સરળ ફળદાયી મંત્ર છે “ૐ મિત્રાય નમઃ ।”
⦁ આ દિવસે તેલ અને મીઠાનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.
⦁ વ્રત કરનારે આ દિવસે ભોજનમાં માત્ર મીઠા ફળો જ ગ્રહણ કરવા જોઈએ.
⦁ કહે છે કે જે વ્યક્તિ મિત્ર સપ્તમીના અવસર પર શ્રદ્ધા સાથે વ્રત રાખે છે, તેના ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. તેમજ પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
⦁ આ દિવસે સફેદ વસ્તુનું કોઈ જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ.
⦁ આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું વિશેષ લાભદાયી બની રહેશે. કહે છે કે તેનાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
વિશેષ ઉપાય
⦁ પૌરાણિક માન્યતા અનુસાર મિત્ર સપ્તમીના અવસર પર સૂર્ય દેવતાનું સ્મરણ કરી કોઈ મંદિરમાં ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી નેત્ર રોગ દૂર થાય છે.
⦁ કહે છે કે આ દિવસે મંદિરમાં તેલનો દીપ પ્રજ્વલિત કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
⦁ મિત્ર સપ્તમીના અવસરે તલના તેલનો દીપ પ્રગટાવવાથી શત્રુબાધાથી મુક્તિ મળે છે. શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે અથવા તો શત્રુઓ જ મિત્ર બની જાય છે.
શું રાખશો ધ્યાન ?
ખાસ ધ્યાન રાખો કે આ દિવસે નીલા કે વાદળી રંગના વસ્ત્ર પહેરવાનું ટાળવું જોઈએ.