Video: ધોરાજી પંથકમાં રવિ પાક માટે ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવ્યુ પાણી, 1600 એકર જમીનને થશે ફાયદો
Rajkot: ભાદર પેટા સિંચાઈ વિભાગ દ્વારા કુલ 6 વાર પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાદર-1 ડેમમાંથી પાણી છોડવાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
રાજકોટના ધોરાજીના ખેડૂતો માટે રવિ પાકની પિયતને લઈ સારા સમાચાર છે. રવિ પાક માટે ભાદર-1 ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા ધોરાજી ગ્રામ્ય પંથકની 1600 એકર જમીનને ફાયદો થશે. હજુ આગામી સમયમાં બે વખત ખેડૂતોને પાણી આપવામાં આવશે. ભાદર પેટા સિંચાઈ વિભાગ દ્વારા કુલ 6 વાર પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાદર-1 ડેમમાંથી પાણી છોડવાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
નાયબ કાર્યપાલક ઈજનેર એમ.વી. મોવલિયાના જણાવ્યા મુજબ સિંચાઈ યોજનામાંથી હાલ પાણી છોડવામાં આવ્યુ છે. ધોરાજી પંથકના ખેડૂતોને તેનો લાભ મળશે. હાલ ત્રણ વાર પુરા થયા છે અને રવિ સિઝન માટે હજુ બે વાર પાણી આપવામાં આવશે.
ધોરાજીમાં ઘઉંનું પુષ્કળ વાવેતર
આ તરફ ધોરાજી પંથકમાં ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે. ધોરાજીને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવા તેમજ ઘઉંના પાકને ટેકાના ભાવ સાથે ખરીદી કરવા રજૂઆત કરી છે. ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી માનવસર્જિત અને કુદરતી આફતોથી પાક નિષ્ફળ ગયો હોવાથી આર્થિક સંકટ આવ્યું હતું. પરંતુ આ વર્ષે ખેડૂતોને સારા ભાવની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે.
આ પણ વાંચો: Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર
ઘઉંનું ઉત્પાદન પણ સારું આવે છે, ત્યારે ઘઉંના પોષણક્ષમ ભાવ માટે સરકાર પાસે માગ કરી છે તો બીજી તરફ ખેડૂતોના અગ્રણીએ પણ ધોરાજીમાં ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર ફાળવવા સરકારને રજૂઆત કરી છે. તેમજ ઘઉંના 500થી 600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળે તેવી માગ કરી છે.