Video: ધોરાજીમાં ઘઉંનું મબલખ ઉત્પાદન, ખેડૂતોએ કરી ટેકાના ભાવે ખરીદીની માગ
Rajkot: ધોરાજીમાં ઘઉંનું મબલખ વાવેતર થયુ છે. હાલ ખેડૂતો ઘઉંના સારા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે. ખેડૂતોએ ઘઉંના પોષણક્ષમ ભાવ માટે સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માગ કરી છે.
રાજકોટના ધોરાજી પંથકમાં ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે. ધોરાજીને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવા તેમજ ઘઉંના પાકને ટેકાના ભાવ સાથે ખરીદી કરવા રજૂઆત કરી છે. ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી માનવસર્જિત અને કુદરતી આફતોથી પાક નિષ્ફળ ગયો હોવાથી આર્થિક સંકટ આવ્યું હતું. પરંતુ આ વર્ષે ખેડૂતોને સારા ભાવની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે.
ઘઉંનું ઉત્પાદન પણ સારું આવે છે ત્યારે ઘઉંના પોષણક્ષમ ભાવ માટે સરકાર પાસે માગ કરી છે. તો બીજી તરફ ખેડૂતોના અગ્રણીએ પણ ધોરાજીમાં ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર ફાળવવા સરકારને રજૂઆત કરી છે. તેમજ ઘઉંના 500 થી 600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળે તેવી માગ કરી છે.
આ પણ વાંચો: Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર
આ તરફ ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ગગડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ખેડૂત ખેતરમાં કમરતોડ મહેનત કરે છે, મોંઘા બિયારણ વાવે છે, મોંઘુ ડીઝલ અને ઊંચી મજૂરી ચૂકવીને ખેડૂત પોતાનો પાક તૈયાર કરે છે. તેને આશા હોય છે કે મુશ્કેલી વેઠીને તૈયાર કરેલા પાકનો સારો ભાવ મળશે. પરંતુ જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે તેમને નિરાશા સાંપડે છે. વેપારીઓ ખેડૂતોને વેતરવા તૈયાર જ બેઠા હોય છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ખેડૂતો સાથે પણ આવું જ થઈ રહ્યું છે.