ખેડૂત આંદોલન
યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેન્દ્ર સરકાર સામે આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે પંજાબ-હરિયાણા સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો રાજધાની દિલ્હી તરફ આગળ વધશે અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરશે.
અંબાલા-શંભુ, ખનૌરી-જીંદ અને ડબવાલી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાની યોજના છે. ખેડૂતોએ તેમના ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કૂચ શરૂ કરી અને તેઓ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક ખેડૂત જૂથો ખનૌરી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન અને તેના નેતા રાકેશ ટિકૈત આ ખેડૂત આંદોલનમાં સામેલ નથી.
આ ‘દિલ્હી ચલો’ કૂચ પાછળ ખેડૂતોની સૌથી મોટી માંગ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટી છે. દિલ્હી તરફ જતા પહેલા કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાનું કહેવું છે કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. જો કે શંભૂ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે.