Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઇનલની આશા જીવંત રાખી
ભારતે અંતિમ ગૃપ મેચને સાઉથ આફ્રિકાને હરાવીને જીતી લીધી છે. ભારતે 4-3 થી રોમાંચક મેચમાં જીત મેળવી હતી. વંદના કટારીયા (Vandana Kataria) એ હેટ્રીક લગાવતા ભારતની જીત આસાન બની હતી.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની ટર્ફ પર ભારતીય મહિલા હોકી ટીમે (India’s Women’s Hockey Team), ગૃપ સ્ટેજમાં પોતાની અંતિમ મેચ જીતી લીધી છે. ભારતે અંતિમ ગૃપ મેચમાં સાઉથ આફ્રિકાને 4-3 થી હરાવ્યુ છે. આ ગૃપ સ્ટેજ પર ભારતીય મહિલા હોકી ટીમની બીજી જીત છે આ જીત સાથે ક્વાર્ટર ફાઇનલની આશાઓ જીવંત રાખી છે. ભારત માટે પ્લેયર ઓફ ધ મેચ વંદના કટારીયા (Vandana Kataria) રહી હતી.
વંદના કટારીયાએ ઐતિહાસીક હેટ્રીક લગાવી હતી. વંદનાએ આ મેચમાં 4 માંથી 3 ગોલ એકલાએ કર્યા હતા. આ સાથે જ તે પ્રથમ એવી ભારતીય મહિલા હોકી ખેલાડી બની ગઇ હતી. જેણે ઓલિમ્પિકમાં એક મેચમાં 3 ગોલ કર્યા છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચના પ્રથમ ક્વાર્ટર 1-1 થી બરાબરી પર રહ્યુ હતુ. આ ક્વાર્ટરમાં ભારતીય મહિલા ટીમે વંદના કટારીયાએ કરેલા ગોલને લઇને ચોથી મીનીટમાંજ લીડ મેળવી લીધી હતી. જોકે ક્વાર્ટર સમાપ્ત થવા પર અંતિમ મીનીટોમાં સાઉથ આફ્રિકાએ ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. ત્યાર બાદની બીજી મીનીટની શરુઆતમાં જ વંદનાએ એક વધારે ગોલ કર્યો અને ફરી થી લીડ મળી હતી. જોકે દક્ષિણ આફ્રિકાએ બીજા ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં ફરી થી બરાબરી કરી હતી.
વંદનાની હેટ્રીકથી જીત્યુ ભારત
ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો તરફ થી એક એક વધારે ગોલ થયો હતો. જેને લઇને મેચ બરાબરી પર રહી હતી. ભારત માટે ત્રીજો ગોલ નેહાએ કર્યો હતો. જેના બાદ ક્વાર્ટરના સમાપ્ત થવા ની 7 મીનીટ પહેલા જ ફરી એકવાર દક્ષિણ આફ્રિકાએ ગોલ કરીને મેચ બરાબર કરી લીધી હતી. હવે ચોથો ક્વાર્ટર નિર્ણાયક બની ચુક્યો હતો. આ નિર્ણાયક સમયમાં જ વંદના કટારીયા એકવાર ફરી ચમકી હતી. તેણે ગોલ કરીને ટીમને જીત અપાવી હતી.
ભારતની લીડ હવે 4-3 થી થઇ ગઇ હતી. જેને ટીમ અંત સુધી જાળવી રાખવામાં સફળ રહી હતી. ભારતની વંદના કટારીયાએ આ મેચમાં હેટ્રીક લગાવતા 3 ગોલ કર્યા હતા અને ઓલિમ્પિકની ટર્ફ પર આમ કરનારી તે પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની હતી.
ક્વાર્ટર ફાઇનલ ની આશા જીવંત
ભારતીય મહિલા હોકી ટીમે પોતાના તરફ થી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની તમામ સંભાવનાઓ જીવંત રાખી છે. હવે ફક્ત રાહ જોવાની છે, આજે સાંજે ગ્રેટ બ્રિટન અને આયરલેન્ડ વચ્ચે થનારી મેચની. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે આ મેચમાં આયરલેન્ડની હારની જરુર છે. આયરલેન્જની હાર બાદ ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે તો, તેણે પોતાના ડીફેન્સ પર પણ કામ કરવુ પડશે. કારણ કે ક્વાર્ટર ફાઇનલનો પડકાર વધારે દમદાર રહેશે.