બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને હરાવ્યું, ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો ક્લીન સ્વીપ, બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ
પાકિસ્તાને 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે પાકિસ્તાને તેના જ ઘરઆંગણે રમાયેલ શ્રેણીમાં 2-0થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત છે.
જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે તેનું પરિણામ જોવા જેવું આવશે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે બાંગ્લાદેશ, જે અગાઉ ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ જીત્યું ન હતું, તે આખી શ્રેણી જીતશે અને તે પણ પાકિસ્તાનની ધરતી પર. 21મી ઓગસ્ટે શરૂ થયેલી 2-ટેસ્ટ મેચની શ્રેણી ત્રીજી સપ્ટેમ્બરે તેના અંતિમ દિવસે પહોંચ્યા બાદ સંપૂર્ણપણે બાંગ્લાદેશના હાથમાં હતી. બાંગ્લાદેશે ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે 2-0થી હરાવીને ઈતિહાસ રચ્યો છે.
બાંગ્લાદેશે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યા બાદ બાંગ્લાદેશે બીજી ટેસ્ટ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટમાં એક પણ સ્પિનરને ન રમાડવાની ભૂલ કરનાર પાકિસ્તાને ટીમમાં થોડા ફેરફાર સાથે સંપૂર્ણ તૈયારી કરીને બીજી ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, તેનાથી વધુ ફાયદો થયો નથી. બાંગ્લાદેશે ત્રણેય વિભાગોમાં પાકિસ્તાન કરતા સારૂ પ્રદર્શન કર્યું હતું અને ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
185 રનના ટાર્ગેટ ચેઝ કરી બીજી ટેસ્ટ જીતી
રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાને બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રેણીમાં બાંગ્લાદેશના બેટ્સમેનોના પ્રદર્શનને ધ્યાનમાં લેતા આ લક્ષ્યાંક બહુ મુશ્કેલ નહોતો. ખાસ કરીને જ્યારે મેચમાં તેનો પીછો કરવા માટે 10 વિકેટ હાથમાં હોય અને આખા દિવસની રમત બાકી હોય. બાંગ્લાદેશે આ બધી બાબતોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને બીજી ટેસ્ટના છેલ્લા દિવસે પોતાની જીતની ગાથા લખી.
બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોનું દમદાર પ્રદર્શન
આ પહેલા બીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસને પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે તસ્કીન અહેમદ 3 વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશે તેની પ્રથમ ઈનિંગમાં 262 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી પ્રથમ દાવમાં ખુર્રમ શહજાદ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં 14 રનની લીડ સાથે બીજી ઈનિંગ રમવા આવેલી પાકિસ્તાનની ટીમ 172 રન જ બનાવી શકી. આ વખતે બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ તેમને 200 રનનો આંકડો પાર ન થવા દીધો. પહેલીવાર બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ એક ઈનિંગમાં તમામ 10 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 5, નાવેદ રાણાએ 4 અને તસ્કીન અહેમદે 1 વિકેટ લીધી હતી.
શાન મસૂદની કેપ્ટનશિપમાં સતત તમામ 5 ટેસ્ટમાં હાર
બોલરો પછી બાંગ્લાદેશ માટે મેચને પૂર્ણ કરવાની જવાબદારી બેટ્સમેનોની હતી, જેમાં તેઓ સફળ થયા. આનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાન સામે માત્ર ટેસ્ટ મેચ જ નહીં પરંતુ સમગ્ર ટેસ્ટ શ્રેણી જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમના આ પરાક્રમને કારણે પાકિસ્તાનના કેપ્ટનની કુંડળીમાં પ્રથમ ટેસ્ટ જીતની રાહ વધી ગઈ છે. વાસ્તવમાં, રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટ સહિત, ટીમ તમામ 5 ટેસ્ટ હારી છે જેમાં શાન મસૂદે પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી છે.
આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ જાહેર, આ ઐતિહાસિક મેદાન પર રમાશે ટાઈટલ મેચ