મુસાફરો માટે ખાસ ! શું ટ્રેનમાં ‘ઘી’ લઈ જઈ શકાય? રેલવેનો આ નિયમ તમને ખબર છે કે નહીં?
જો તમે ટ્રેનમાં ઘી લઈને મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા રેલવેની ગાઈડલાઈન (માર્ગદર્શિકા) જાણી લેવી જરૂરી છે. જો તમે સાચા નિયમો સમજીને ચાલશો, તો કોઈ પણ પ્રકારની પરેશાની તમને નહીં થાય.

ભારતીય રેલવે દરરોજ લાખો મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. જો કે, ટ્રેનની મુસાફરીમાં લગેજ (સામાન) ને લગતા ઘણા નિયમો પણ હોય છે. અવારનવાર લોકો કપડાં, ખાવાની વસ્તુઓ અથવા ઘરની ચીજવસ્તુઓ સાથે લઈ જતાં હોય છે.

આ જ બાબતે ઘણા લોકોના મનમાં એક સવાલ ઉઠે છે કે, ટ્રેનમાં ઘી લઈ જવું યોગ્ય છે કે ખોટું? ઘણા મુસાફરો નિયમ જાણ્યા વગર સાથે ઘી લઈ જાય છે અને પછીથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એવામાં મુસાફરી કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, 'રેલવે' ઘી લઈ જવા અંગે શું કહે છે, જેથી રસ્તામાં કોઈ તકલીફ ન પડે અને તમારી મુસાફરી આરામથી પૂર્ણ થાય.

ભારતીય રેલવેએ ઘી જેવી વસ્તુઓ માટે પણ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. મુસાફરો ટ્રેનમાં પોતાની સાથે ઘી લઈ જઈ શકે છે પરંતુ તેમાં એક મર્યાદા નક્કી કરેલી હોય છે. રેલવેના જણાવ્યા અનુસાર, એક મુસાફર વધુમાં વધુ 20 કિલો જેટલું ઘી લઈ જઈ શકે છે. આનાથી વધારે જથ્થો ત્યારે જ શક્ય છે, જ્યારે પહેલાથી રેલવે સ્ટાફની પરવાનગી લેવામાં આવે. ઘીને ટીનના ડબ્બામાં અથવા મજબૂત કન્ટેનરમાં સારી રીતે સીલ કરીને રાખવું જરૂરી છે.

પેકિંગ એવી હોવી જોઈએ કે, જે મુસાફરી દરમિયાન ખુલે નહીં અને તેમાંથી કોઈ લીકેજ ન થાય. ખુલ્લા વાસણો, નબળું પેકિંગ અથવા પ્લાસ્ટિકની એવી બોટલોમાં ઢોળાઈ જવાનો ભય રહે છે અને આને સુરક્ષિત માનવામાં આવતું નથી. જો પેકિંગ યોગ્ય ન હોય તો રેલવે સ્ટાફ સામાન હટાવવાની અથવા તેને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરી શકે છે. આથી, માત્ર જથ્થો જ નહીં પેકિંગ પણ મહત્વનું છે.

ઘી જોવામાં ભલે સામાન્ય વસ્તુ લાગે પરંતુ ટ્રેનની અંદરના બંધ માહોલમાં તે જોખમ ઊભું કરી શકે છે. જો ઘી લીક થઈ જાય (ઢોળાય), તો ફ્લોર ચીકણો અને લપસણો બની જાય છે, જેનાથી મુસાફરોમાં લપસીને પડી જવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, ઘી જ્વલનશીલ હોય છે, તેથી લીક થવાની સ્થિતિમાં આગ લાગવાની આશંકા પણ રહેલી હોય છે. આ જ કારણ છે કે, રેલવેએ તેના જથ્થા અને પેકિંગને લઈને કડક નિયમો બનાવ્યા છે.

જો કોઈ મુસાફર પરવાનગી વગર 20 કિલો થી વધુ ઘી લઈ જાય છે, તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પેકિંગ યોગ્ય ન હોવાના કિસ્સામાં સામાન જપ્ત કરવામાં આવી શકે છે અને નિયમો અનુસાર દંડ પણ લાગી શકે છે. આથી સમજદારી એમાં જ છે કે, મુસાફરી પહેલા આ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જ ઘી અથવા તેના જેવી કોઈ પણ વસ્તુ સાથે રાખો, જેથી તમારી મુસાફરી સુરક્ષિત અને ચિંતામુક્ત રહે.

મળતી માહિતી મુજબ, યોગ્ય પેકિંગ વગર અથવા નિર્ધારિત મર્યાદાથી વધુ ઘી લઈ જવા બદલ રેલવે એક્ટની કલમ 164 હેઠળ દંડ અથવા જેલ (3 વર્ષ સુધીની) ની કાર્યવાહી થઈ શકે છે. જો તમે વ્યાપાર માટે અથવા વધુ જથ્થામાં ઘી લઈ જવા માંગતા હોવ, તો તમે તેને 'પાર્સલ' તરીકે બુક કરાવી શકો છો. આ માટે તમારે સ્ટેશનના પાર્સલ ઓફિસ જઈને બુકિંગ કરાવવું પડશે અને નિર્ધારિત શુલ્ક (ફી) ચૂકવવી પડશે.
આ પણ વાંચો: ભારતની એવી ટ્રેન જે સળંગ ચાલે છે 74 કલાક અને 10 મિનિટ, જાણો આ એવી તો કેવી ટ્રેન છે..?
