Business Idea: ₹50,000નું રોકાણ અને કમાણી ₹1,00,000 જેટલી! કામ ફક્ત એટલું જ કે, હાથ કંકૂના કરાવો
મેરેજ બ્યુરોને લગતો બિઝનેસ આજના સમયમાં ઝડપથી વધી રહ્યો છે. આ બિઝનેસ થકી તમે ઓછી મૂડીમાં લાખો રૂપિયા કમાઈ શકો છો. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનું એક પવિત્ર અને મહત્વપૂર્ણ પગથિયું છે. આજના યુગમાં લોકો જીવનસાથી શોધવા માટે ફક્ત પરિવાર કે મિત્રોને નહી પણ મેરેજ બ્યુરોનો પણ સહારો લે છે.

એવામાં એક સારા મેટ્રિમોની બ્યુરોનો વ્યવસાય શરૂ કરવો એ નફાકારક અને સમાજસેવા સાથે જોડાયેલો વ્યવસાય બની શકે છે. જો તમને લોકો સાથે વાતચીત કરવી ગમે છે, સંબંધો સમજી શકો છો અને તમારી પાસે મજબૂત નેટવર્ક છે, તો આ બિઝનેસ તમારા માટે એકદમ યોગ્ય છે.

મેરેજ બ્યુરો શરૂ કરતા પહેલા તમારા વિસ્તારમાં કઈ જાતિના કે કયા ધર્મના લોકો જીવનસાથી શોધી રહ્યા છે, આસપાસના સમાજમાં લોકોની જરૂરિયાત કેવી છે અને કયા લોકોને ખાસ સેવા આપી શકાય છે એ નક્કી કરવાથી મેરેજ બ્યુરોની સર્વિસ વધુ લોકપ્રિય બની શકે છે.

તમે બ્રાહ્મણ, પટેલ, કુંભાર, મુસ્લિમ, ક્રિશ્ચિયન કે અન્ય કોઈ ખાસ સમાજને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ સર્વિસ ઓફર કરી શકો છો, જેના કારણે ટાર્ગેટેડ ક્લાયન્ટ મળવા લાગે અને તમારા બિઝનેસનો ગ્રોથ પણ થવા લાગે.

બિઝનેસ શરૂ કરવા માટે શરૂઆતમાં તમારે લગભગ 100 થી 200 ચોરસ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે. આ જગ્યા તમે ઓફિસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. જો તમે ઓછા રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે ઘરે બેઠા પણ ચાલુ કરી શકો છો.

આ બિઝનેસમાં અંદાજે ₹50,000 થી ₹1,00,000 જેટલું પ્રારંભિક રોકાણ કરવું પડી શકે છે. આમાં ઓફિસ ભાડું, ફર્નિચર, લેપટોપ કે કમ્પ્યુટર, ઈન્ટરનેટ કનેક્શન, પ્રિન્ટર, વેબસાઈટ બનાવવી અને માર્કેટિંગને લગતો ખર્ચ સામેલ છે.

દસ્તાવેજોની વાત કરીએ તો આધારકાર્ડ, પાનકાર્ડ, ટ્રેડ લાઈસન્સ, MSME/Udyam રજિસ્ટ્રેશન અને જો ઓફિસ ભાડે લીધી હોય તો રેન્ટ એગ્રીમેન્ટની જરૂર પડશે.

આ બિઝનેસમાંથી આવક મેળવવાની ઘણી રીતો છે. સૌથી પહેલા તો, ગ્રાહકો પાસેથી રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. ત્યારબાદ વિવિધ મેમ્બરશિપ પેકેજો જેમ કે બેઝિક, પ્રીમિયમ અથવા એલિટ પ્લાન દ્વારા આવક થઈ શકે છે.

જ્યારે લગ્ન માટે મેચિંગ સફળ થાય છે, ત્યારે તેના પર પણ કમિશન મળતું હોય છે. આ સિવાય વધારાની સર્વિસ જેવી કે ફોટોગ્રાફી, કાઉન્સેલિંગ, જ્યોતિષ સલાહથી પણ વધુ આવક મેળવી શકાય છે. આ બિઝનેસ થકી તમે અંદાજિત મહિને ₹20,000 થી ₹1,00,000 જેટલી આવક થઈ શકે છે. ટૂંકમાં તમે 40% થી 70% સુધીનો નફો કમાઈ શકો છો.

માર્કેટિંગ માટે તમે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી શકો છો. વધુમાં તમે વોટ્સએપ ગ્રુપ બનાવીને તેમાં બિઝનેસને લગતી માહિતી મોકલી શકો છો. આ સિવાય સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવીને અને સમાજમાં ખાસ નેટવર્ક બનાવીને તમારો બિઝનેસ પ્રમોટ કરી શકો છો.

શરૂઆતમાં જો તમે નવા હોવ તો પહેલા 10 ગ્રાહકોને ફ્રી સર્વિસ આપો અને વિશ્વાસ જીતો. મોબાઈલ અને લેપટોપથી એક Excel ડેટાબેઝ બનાવીને પણ વર્ચ્યુઅલ રીતે આ બિઝનેસ શરૂ કરી શકો છો. તમે ઓનલાઈન પોતાની વેબસાઈટ બનાવી શકો છો અથવા તો મેટ્રિમોની પોર્ટલથી પણ બિઝનેસની શરૂઆત કરી શકો છો.

ટૂંકમાં કહીએ તો, મેરેજ બ્યુરોનો બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ થઈ શકે તેમ છે. આ બિઝનેસમાં સારો નફો મળે છે, સમાજમાં માન વધે છે અને વ્યક્તિગત સંતોષ પણ મળી રહે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
