આગામી 6 મહિના ‘સોના’ માટે ‘ભારે’! હવે ભાવ 1 લાખથી નીચે જશે કે ઉપર? રોકાણકારોમાં ચિંતા
રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. હાલમાં સોનું 1.20 લાખથી 1.30 લાખ રૂપિયાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું આ ઘટાડો હજુ આગળ વધશે? શું ખરેખર 'સોનું' 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે જશે?

પાછલા 1 થી 2 મહિનાના સમયગાળામાં સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો, તેનાથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ નવેમ્બરમાં સોનામાં મોટો ઘટાડો નોંધાયો. જો કે, નીચલા સ્તરેથી ભાવમાં સારી રિકવરી પણ જોવા મળી છે.

હાલમાં સોનું 1 લાખ 20 હજારથી 1 લાખ 30 હજારની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે, શું 'સોનું' 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે જઈ શકે છે કે નહીં? આ મામલે કોમોડિટી માર્કેટ પર નજર રાખતા એક્સપર્ટ્સનું શું કહેવું છે?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નવેમ્બરમાં સોનાના ભાવમાં લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકન ડોલરમાં મજબૂતી, બોન્ડ યીલ્ડ વધવી અને અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં હજુ વધુ વધારાની આશંકાથી સોના પર દબાણ છે.

MCX પર ડિસેમ્બર કોન્ટ્રાક્ટ વાળું સોનું 26 નવેમ્બરે ઘટીને 1,17,906 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold Price) પર પહોંચી ગયું હતું. જો કે, ત્યારબાદ ભાવમાં ઝડપી સુધારો થયો અને બે કારોબારી સત્રમાં સોનું 8,345 રૂપિયા ઉછળીને 1,26,251 રૂપિયાના ઇન્ટ્રા-ડે સ્તર સુધી પહોંચી ગયું.

SEBI રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ, સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી પહોંચવાની શક્યતા નથી. તેમનું માનવું છે કે, અમેરિકન અર્થતંત્ર સાથે જોડાયેલા સારા સંકેતો અને ફેડરલ રિઝર્વ તરફથી વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના સોનાને ટેકો આપી શકે છે.

ગુપ્તાના મતે, અમેરિકામાં બેરોજગારી ભથ્થાના નવા દાવા અપેક્ષા કરતાં ઓછા રહ્યા છે અને મકાનોના વેચાણમાં પણ સારો વધારો નોંધાયો છે. આ સંકેતો અમેરિકન અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. આ ઉપરાંત, વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવનાથી સોનાના ભાવને આગળ સમર્થન મળી શકે છે. તેથી, તેમને સોનામાં લાંબાગાળે તેજીની આશા છે.

PL Capital ના હેડ ઓફ કોમોડિટીઝ આશિષ રાજોડિયાના જણાવ્યા મુજબ, 'સોનું' અને 'ચાંદી' વર્ષના સૌથી મોટા ઘટાડા બાદ હવે સ્થિરતા તરફ આગળ વધી શકે છે. આગામી 6 મહિનામાં સોનાના ભાવ એક મર્યાદિત દાયરામાં કારોબાર કરી શકે છે. રાજોડિયાનો અંદાજ છે કે, MCX પર સોનાનો ભાવ આગામી 6 મહિનામાં 1,12,000 રૂપિયાથી 1,35,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે રહી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનું કે ચાંદી? 2027 સુધીમાં કોનું વળતર રહેશે વધુ, જાણો રોકાણની સંભાવના
