રાજકોટમાં સૌ પ્રથમવાર 19 વર્ષથી 70 વર્ષની કેન્સર વોરિયર મહિલાઓનો ફેશન શો યોજાયો હતો જેમાં કેન્સગ્રસ્ત મહિલાઓને ભાગ લઈને સ્ટેજ પર રેમ્પ વોક કર્યું હતુ.
કેન્સર ક્લબ આયોજિત કાર્યક્રમમાં 80 કેન્સર વીરાંગનાઓએ ટ્રેડીશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસચ્યુમની થીમ આધારિત રેમ્પ વોક કર્યું.
જ્યારે કોઇપણ વ્યક્તિ કેન્સર થયાનું નિદાન સાંભળે ત્યારે ચિંતિત બની જાય. ક્યારેક હતાશામાં ગરકાવ થઇ જાય. આવી પરિસ્થિતિમાં દર્દીઓને 'કેન્સર એટલે કેન્સલ નહીં'ની પ્રેરણા આપવા રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો.
સયાજી હોટેલ ખાતે દાતાના સહકારથી કેન્સર ક્લબ દ્વારા આયોજિત આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો.
આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ 80 વીરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો.
આ તકે આયોજક રૂપલબેન કોટક એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે.
કાર્યક્રમમાં ઝરણાં નામના લેખકના "કિંત્સુગી ટેલ્સ" અને (વ્યસન કેન્સર) "લાઇફ સ્ટોરી" નામના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે અને આર.જે. હિરવાએ કર્યું હતું.