અખંડ ભારતનો ભાગ રહેલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર સહીતના દેશોને ભારતે પાઠવ્યું આમંત્રણ, જાણો
કેન્દ્ર સરકારે, એક સમયે અખંડ ભારતનો ભાગ રહેલા અને હાલમાં ભારતના પડોશી દેશોને આગામી 15મી જાન્યુઆરીએ ભારત આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ આમંત્રણ ભારતીય હવામાન વિભાગ (IMD) ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ઉજવણીમાં હાજરી આપવા માટે પાકિસ્તાન સહિત તમામ દેશોના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે એક સમયે અવિભાજિત ભારતનો ભાગ હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા અને નેપાળના અધિકારીઓને સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના પ્રતિનિધિઓ પણ આમંત્રિત મહેમાનોની યાદીમાં સામેલ છે.
ભારતીય હવામાન વિભાગના એક ઉચ્ચ અધિકારીએ તેમનુ નામ ન આપવાની શરતે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે ઇચ્છતા હતા કે ભારતીય હવામાન વિભાગની સ્થાપનાના 150મા વર્ષની ઉજવણી સમયે, એક સમયે અવિભાજિત ભારતનો ભાગ રહેલા તમામ દેશોના અધિકારીઓ આ સમારોહનો ભાગ બને. પાકિસ્તાને તેની ઉપસ્થિત રહેવાની બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ ભારતીય હવામાન વિભાગને હજુ બાંગ્લાદેશ તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. જેની રાહ જોવાઈ રહી છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, નાણાં મંત્રાલયે ખાસ 150 રૂપિયાનો એક ખાસ સ્મારક સિક્કો મંજૂર કર્યો છે. મેરેથોન વોકથી લઈને પ્રદર્શનો, વર્કશોપથી લઈને ઓલિમ્પિયાડ્સ સુધી, વિવિધ ઉત્સવો ભારતીય હવામાનની જેમ જ ઉત્સાહપૂર્ણ રહેવાની અપેક્ષા છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં હવામાન વિભાગનો ટેબ્લો હશે
બ્રિટિશ શાસન દરમિયાન 1875માં સ્થપાયેલા ભારતીય હવામાન વિભાગ, આગામી 15 જાન્યુઆરીએ 150 વર્ષ પૂર્ણ કરશે. 1864માં કલકત્તામાં આવેલા ચક્રવાત અને 1866 અને 1871માં ચોમાસાની સતત નિષ્ફળતા બાદ ભારતીય હવામાન વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. જે એક સમયે એક સરળ માળખા તરીકે શરૂ થયું હતું તે આજે હવામાન અંગે આગાહી, સંદેશાવ્યવહાર અને વૈજ્ઞાનિક નવીનતાનું કેન્દ્ર બની ગયું છે.
ટેલિગ્રામના યુગમાં, ભારતીય હવામાન વિભાગ જૂના જમાનાની રીતે હવામાન ચેતવણીઓ મોકલતું હતું. પાછળથી, તે ટેકનોલોજીકલ કૌશલ્યની એક અગ્રણી સંસ્થા બની, જેણે વૈશ્વિક ડેટા વિનિમય માટે ભારતનું પ્રથમ સંદેશ-સ્વિચિંગ કમ્પ્યુટર અને હવામાન સંશોધન માટે સૌથી પહેલા ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સમાંનું એક રજૂ કર્યું.
ભારતે ચોવીસ કલાક હવામાન દેખરેખ અને ચક્રવાતની ચેતવણી માટે પોતાનો ભૂસ્થિર ઉપગ્રહ, INSAT લોન્ચ કરનાર પ્રથમ વિકાસશીલ દેશ બનીને ઇતિહાસ પણ રચ્યો.