ખ્યાતિકાંડને કારણે અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને પારાવાર હાલાકી, જલદી એપ્રુવલ ન આવતા 15 – 20 દિવસ રાહ જોવા મજબુર
અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારો લાઈનમાં ઉભા રહેવા, ધક્કા ખાવા મજબુર બન્યા છે. ડિજિટલ ઈન્ડિયાના દાવા વચ્ચે વારંવાર સર્વરમાં ખામી સર્જાતા કાર્ડ નીકળી રહ્યા નથી. કાર્ડની પ્રોસેસ ન થતા ઈમરજન્સી સારવારના દર્દીઓને પણ રાહ જોવાનો વારો આવ્યો છે.
ભારત સરકારની PMJAY યોજના દેશવાસીઓ માટે વરદાન સમાન છે. આ યોજના થકી ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને તેમના ગંભીર રોગોની સારવાર માટે કોઈપણ મોટી ખાનગી કે હોસ્પિટલમાં 5 લાખ સુધીનો વીમો મળે છે. જેમા 70 વર્ષથી વધુ વયના દર્દીને એકલાને 5 લાખ રૂપિયાનો વીમો મળે છે. જો કે આ કાર્ડ ન હોય તો નવુ કાર્ડ કઢાવવામાં દર્દીઓને દિવસે તારા દેખાઈ રહ્યા છે. ત્યારે દર્દીઓ સારવાર કેવી રીતે લઈ શકે તે મોટો સવાલ છે. આ સવાલ એટલા માટે કારણે કે છેલ્લા કેટલાક દિવસોથથી અમદાવાદમાં આયુષ્ય કાર્ડ કઢાવનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં કાર્ડ ન નીકળે તેમને ગીતામંદિર ખાતે આવેલા મુખ્ય આરોગ્ય કેન્દ્રનો રસ્તો દેખાડવામાં આવે છે. હવે ગીતામંદિર આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વર ડાઉન રહેતા કાર્ડ કઢાવવા આવેલા દર્દી અને દર્દીઓનાં સગાનું કામ આગળ ચાલતું જ નથી. અને જો કદાચ કાર્ડ એપ્લાઇ થઇ જાય તો ઉપરથી એપ્રુવલ આવતા સમય લાગે છે. હાલમાં જ PMJAY કાર્ડની કામગીરીનું કૌભાંડ બહાર આવ્યું, જે બાદ નિયમો અને વધુ કામગીરી કડક થતા આયુષ્યમાન કાર્ડ ઝંખતા સામાન્ય લોકો પરેશાન છે. સૌથી વધુ હેરાનગતિ એ લોકોને થઇ રહી છે જે લોકોને તાત્કાલિક સારવારની જરૂરિયાત છે.
વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો કલાકો બેસી રહેવા મજબુર
આયુષ્યમાન કાર્ડ કાઢવાની મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે ખાસ કરીને ડાયાલિસીસના દર્દીઓ, હ્રદયને લગતી ગંભીર બીમારીના દર્દીઓ પણ રાહ જોવા મજબુર બન્યા છે. અર્બન હેલ્થ સેન્ટર કે જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે ફકત કાર્ડ એપ્લાય કરવાની કામગીરી થાય છે પરંતું એપ્રુવલની પ્રોસેસમાં સર્વર ખોટકાતા સમસ્યા સર્જાઇ છે. હાલત તો એવી છે કે જે દર્દીઓને સારવાર લેવાની છે તે સારવાર લેવાને બદલે આયુષ્યમાન કાર્ડ કઢાવવાની લાઇનોમાં બેઠા છે. સર્વરમાં ખામી અને ઉપરથી એપ્રુવલ ન આવતા લોકો પરેશાન થાય છે અને ધક્કા ખાવા મજબૂર છે.
કાર્ડ બન્યા બાદ સમયસર એપ્રુવલ ન આવતા દર્દીઓ હેરાન
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનું ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી કરવાનું કારસ્તાન સામે આવ્યા બાદ હવે સરકારે કાર્ડ કાઢવાની પ્રોસેસ વધુ કડક કરી નાખી છે. જો સર્વર બરાબર ચાલે તો કાર્ડની પ્રોસેસ તો થઈ જાય છે પરંતુ ઉપરથી એપ્રુવલ આવવામાં જ સૌથી મોટો વિલંબ થઈ રહ્યો છે. જે કાર્ડ ની પહેલા 24 થી 28 કલાકમાં એપ્રુવલ આવી જતી હતી તે હવે 15 થી 20 દિવસે આવે છે, તેના કારણે પણ અરજદારોને જલ્દી કાર્ડ મળી રહ્યા નથી. અહીં સૌથી વધુ મુશ્કેલી ઈમરજન્સીના દર્દીઓને થઈ રહી છે. ખાસ કરીને હ્રદયને લગતા દર્દીઓ સૌથી વધુ હોય છે અને તેમને સમયસર સારવાર ન મળે તો જીવનુ પણ જોખમ રહેલુ હોય છે ત્યારે તમામ અરજદારોની એક જ માગ છે કે સરકાર દ્વારા કાર્ડની એપ્રુવલની પ્રક્રિયા ઝડપી બનાવવા આવે.