Delhi: દિલ્હી વિધાનસભા નાટકનો અખાડો બની, ભાજપના વિજેન્દર ગુપ્તા સમગ્ર સત્ર માટે બહાર
વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીના નેતૃત્વમાં ભાજપના (BJP) ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિધાનસભાની કાર્યવાહીની અધ્યક્ષતા કરી રહેલા ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ કહ્યું હતું કે વિપક્ષોએ આજે સાબિત કર્યું છે કે તેઓ માત્ર નાટક કરવા માટે આવે છે.
દિલ્હીમાં (Delhi) આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ (BJP) વચ્ચે ખેંચતાણ વધી રહી છે. આજે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ ભાજપના ગૃહમાં ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી વિધાનસભાની કાર્યવાહીમાંથી સમગ્ર સત્ર માટે બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. વિશ્વાસ મત પર ચર્ચા બાદ આજે વિધાનસભામાં મતદાન થશે. આજે સત્રનો પાંચમો દિવસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 1 વાગ્યે ગૃહને સંબોધશે.
વિપક્ષ ગૃહમાં નાટક કરવા માટે આવે છે – રાખી બિરલા
વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિધાનસભાની કાર્યવાહીની અધ્યક્ષતા કરી રહેલા ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ કહ્યું હતું કે વિપક્ષોએ આજે સાબિત કર્યું છે કે તેઓ માત્ર નાટક કરવા માટે આવે છે અને વિધાનસભાને નાટકનો અખાડો બનાવ્યો છે.
કેજરીવાલ પાસે સંપૂર્ણ બહુમતી છે તો પછી નાટક કેમ?- રામવીર સિંહ બિધુરી
રામવીર સિંહ બિધુરીએ વિધાનસભામાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની મંજૂરી માગતા વિશ્વાસ પ્રસ્તાવ પર કહ્યું કે 62 ધારાસભ્યોને અરવિંદ કેજરીવાલ પર પૂરો વિશ્વાસ છે, તો આ ડ્રામા કરવાની શું જરૂર છે? આ દરમિયાન ભાજપના ધારાસભ્યો વિજેન્દર ગુપ્તા, અભય વર્મા અને અનિલ વાજપેયી હંગામો કરતા રહ્યા. જે બાદ સ્પીકરે વિજેન્દર ગુપ્તાને સમગ્ર સત્ર માટે ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા. જ્યારે અભય વર્મા અને અનિલ વાજપાઈને આખો દિવસ બહાર કરવામાં આવ્યા હતા.
શુક્રવારથી શરૂ થયેલા વિશેષ સત્રનો આ પાંચમો દિવસ
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કથિત એક્સાઇઝ કૌભાંડમાં CBIના દરોડા પછી ભાજપ પર AAP ધારાસભ્યોને તોડી પાડવા અને અરવિંદ કેજરીવાલ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. ગયા શુક્રવારથી શરૂ થયેલા વિશેષ સત્રનો આ પાંચમો દિવસ છે. સત્રમાં સત્તાધારી AAP અને ભાજપના ધારાસભ્યો વચ્ચે સતત હોબાળો ચાલી રહ્યો છે, જેના કારણે કાર્યવાહી ઘણી વખત ખોરવાઈ ગઈ છે.
19 ઓગસ્ટે સીબીઆઈએ એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાના ઘર સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મનીષ સિસોદિયાએ સોમવારે ટ્વીટ કર્યું, કાલે CBI અમારું બેંક લોકર જોવા આવશે. 19મી ઓગસ્ટે મારા ઘરે 14 કલાકના દરોડા દરમિયાન કંઈ મળ્યું ન હતું. લોકરમાં પણ કંઈ મળશે નહીં. તપાસમાં મારો અને મારા પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે.