ઉતર ભારતમાં કાતિલ ઠંડી, દિલ્લીમાં તમામ ખાનગી સ્કુલ 15 જાન્યુ. સુધી બંધ
દિલ્લી સરકારે, દિલ્લીની સરકારી શાળાઓને પહેલેથી જ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ખાનગી શાળાઓ એક સપ્તાહ વહેલી શરુ થવાની હતી.
દેશના પાટનગર દિલ્લીમાં ઠંડીનું મોજું ફરી વળવાને કારણે ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્લી સરકારના ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (DOE) એ એક પરિપત્ર બહાર પાડીને આ માહિતી આપી હતી. શિયાળાની રજા બાદ દિલ્લીમાં પહેલા ખાનગી શાળાઓ આજથી એટલે કે 9 જાન્યુઆરીથી ખુલવાની હતી. શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાને લઈને દિલ્લીની સરકારી શાળાઓમાં ચાલતા વધારાના વર્ગોને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે દિલ્લી સરકારે, દિલ્લીની સરકારી શાળાઓને પહેલેથી જ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ખાનગી શાળાઓ એક સપ્તાહ વહેલી શરુ થવાની હતી,
શિયાળાના વેકેશન દરમિયાન દિલ્લીની સરકારી શાળાઓમાં 9માથી 12મા સુધીના વધારાના વર્ગો ચાલતા હતા. પરંતુ હવે, દિલ્લીમાં શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાને લઈને, દિલ્લી સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાના વડાઓને તાત્કાલિક અસરથી વધારાના વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, સત્ર 2022-23 માટે, પ્રેક્ટિકલ પરીક્ષા, પ્રોજેક્ટ મૂલ્યાંકન અને 10મા અને 12મા ધોરણના આંતરિક મૂલ્યાંકનનું કાર્ય સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
સરકારી શાળાઓમાં 15 જાન્યુઆરી સુધી રજા
બીજી તરફ શિયાળુ વેકેશન લંબાવવા અંગેના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, DOEના અગાઉના પરિપત્રને ચાલુ રાખીને, દિલ્લીની તમામ ખાનગી શાળાઓને વર્તમાન શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. દિલ્લીની સરકારી શાળાઓમાં 1 થી 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
દિલ્લીમાં રવિવારે પણ તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. દિલ્લી શહેરના મુખ્ય કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા બે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં સૌથી ઓછું તાપમાન હતું.
પર્વતીય પ્રદેશ કરતા પણ વધુ ઠંડી દિલ્લીમાં
હવામાન વિભાગે કહ્યું કે સતત ચોથા દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન ઉતર ભારતના અને ખાસ કરીને પર્વતીય પ્રદેશના શહેર કરતા પણ ઓછુ નોંધાયું હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મોટાભાગના વિસ્તારમાં દિલ્લી કરતા વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશનાના ચંબા 8.2 ડિગ્રી, ડેલહાઉસી 8.2 ડિગ્રી, ધર્મશાલા 6.2 ડિગ્રી, શિમલા 9.5 ડિગ્રી, હમીરપુર 3.9 ડિગ્રી, મનાલી 3.9 ડિગ્રી હતું. ઉત્તરાખંડના દેહરાદૂન 6° ડિગ્રી, મસૂરી 9.6° ડિગ્રી, નૈનીતાલ 6.2°ડિગ્રી, મુક્તેશ્વર 6.5° ડિગ્રી અને તેહરીમાં 7.6° ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(વીથ ઈનપુટ ભાષા – પીટીઆઈ)