તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ રવિવારે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ એનસીપીના વડા શરદ પવારને મુંબઈમાં તેમના સિલ્વર ઓક નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી બંનેએ સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે ગરીબી પર વાત કરી, બેરોજગારી પર વાત કરી, ભૂખમરા પર વાત કરી, દેશના વિકાસ સાથે જોડાયેલી સમસ્યાઓ પર વાત કરી, પરંતુ ભાજપ સામે ગઠબંધન કરવા અને અને તેમાં કોંગ્રેસની ભાગીદારીના મુદ્દે કઈ નિવેદન આપ્યુ ન હતું. પરંતુ કેસીઆરએ કોઈપણ ખચકાટ વિના સ્પષ્ટપણે કહ્યું કે દેશમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પરિવર્તન માટે, સમાન વિચારધારાવાળા લોકો સાથે આવવું જરૂરી છે અને શરદ પવાર સૌથી વધુ અનુભવી છે, તેથી તેમણે બિન-ભાજપ દળોનું નેતૃત્વ કરવું જોઈએ. ટૂંક સમયમાં બધા બારામતીમાં મળશે.
શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજની બેઠક થોડી અલગ છે. સામાન્ય રીતે આવી બેઠક બાદ એવી ચર્ચાઓ શરૂ થાય છે કે શું ગઠબંધન થઈ રહ્યું છે? આજની બેઠકમાં, અમે દેશમાં જે સમસ્યાઓ છે તેમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ તે વિશે વાત કરી. ગરીબીની સમસ્યાઓ પર વાત થઈ, ભૂખમરાની વાત થઈ, બેરોજગારીની વાત થઈ, ખેડૂતોની સમસ્યાઓ પર વાત થઈ, તેલંગાણાએ દેશને રસ્તો બતાવ્યો છે. તેમણે ખેડૂતો માટે સારું કામ કર્યું છે. બહુ રાજકીય ચર્ચા થઈ ન હતી. આ સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં વિકાસના કામો માટે સૌએ સાથે આવવાની વાત કરી હતી.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરે કહ્યું, આ દેશ યોગ્ય રીતે ચાલી રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશ અપેક્ષા મુજબ પ્રગતિ કરી શક્યો નથી. આના કારણો શોધવા જરૂરી છે અને તેનો ઉકેલ પણ શોધવો જરૂરી છે. અમે તેમની સાથે માત્ર ચર્ચા જ નથી કરી, પણ તેમને અમને માર્ગદર્શન આપવા માટે અપીલ પણ કરી હતી. અમારી સાથે જોડાવા માગતા તમામ લોકો સાથે અમે વાત કરીશું. ત્યાર બાદ જે પણ કાર્યક્રમ થશે તે દેશની સામે રજૂ કરીશું. સમાન વિચારધારા ધરાવતા પક્ષો અને નેતાઓને એક કરવા જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે શરદ પવાર આ મામલે અમારું નેતૃત્વ કરે. કદાચ અમે બધા બારામતી (શરદ પવારના વિસ્તાર)માં મળીએ.”
કેસીઆરે તેલંગાણા રાજ્યની રચના માટેના સમર્થન બદલ પવારનો પણ આભાર માન્યો હતો. એકંદરે, સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કેસીઆરની પ્રેસ કોન્ફરન્સ અને શરદ પવાર સાથે પીસીએ બે અલગ વસ્તુઓ જાહેર કરી. કેસીઆર અને ઉદ્ધવે દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવવા માટે સમાન અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ અહીં પવારે સ્પષ્ટ કહ્યું કે દેશની સમસ્યાઓ પર ચર્ચા થઈ. કોઈ રાજકીય ચર્ચાઓ થઈ ન હતી.
બીજો તફાવત એ છે કે મહારાષ્ટ્રના સીએમ સાથેના પીસીમાં, કેસીઆરે સામે ચાલીને હૈદરાબાદમાં સમાન વિચારધારા ધરાવતી શક્તિઓની કોન્ફરન્સ યોજવાની વાત કરી હતી. અને અહીં તેમણે શરદ પવારના ગઢ ગણાતા બારામતીમાં આ સંમેલન યોજવાની વાત કરી હતી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે કેસીઆર શિવસેનાના નેતા સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. NCP નેતા શરદ પવાર સાથે વાત કરી. પરંતુ કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા નથી. તેના પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે તમે ગમે તેટલી કોશિશ કરો, ભાજપ સામે કોંગ્રેસને સાથે લીધા વિના સ્પર્ધા કરી શકાશે નહીં.
અંતે એટલું ચોક્કસ કહી શકાય કે શરદ પવારે ભાજપ સામે ગઠબંધનની શરૂઆત પર ભલે કંઈ ન કહ્યું હોય, પરંતુ આ પીસીમાં તેમના નજીકના નેતા પ્રફુલ્લ પટેલે ભાજપને ટક્કર આપવા માટે તમામ શક્તિઓ એકસાથે લગાવવાની વાત કરી છે. કોઈપણ રીતે, પવાર વિશે એવું કહેવાય છે કે તેઓ જે બોલે છે તે કરતા નથી, જે નથી બોલતા તે ખરેખર કરે છે. એટલે કે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનું મિલન, સંયોજન, સંમેલન બધું જ શરૂ થઈ ગયું છે અને તેમાં શરદ પવારની મહત્વની ભૂમિકા છે.
આ પણ વાંચો : Maharashtra: BMCના ખર્ચનું કરવામાં આવે સ્પેશીયલ CAG ઓડિટ, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી માગ
Published On - 12:07 am, Mon, 21 February 22