એક એવા ભારતીય જજની કહાની, જેમને ભગવાનની જેમ પૂજે છે જાપાનના લોકો
એક એવા ભારતીય વ્યક્તિ કે જેને ભારતમાં ભાગ્યે જ કોઈ ઓળખતું હશે કે જાણતું હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં લોકો આ વ્યક્તિને ન તો માત્ર ઓળખે છે, પરંતુ તેમની ભગવાનની જેમ પૂજા પણ કરે છે. ત્યારે આ લેખમાં આ ભારતીય વ્યક્તિ વિશે તેમજ જાપાનમાં લોકો તેમને કેમ ભગવાન માને છે, તેના વિશે પણ જાણીશું.
આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ભારતીય હોવા છતા જાપાનના લોકો તેમને ન માત્ર ઓળખે છે, પરંતુ ભગવાનની જેમ તેમની પૂજા પણ કરે છે. અમે જે ભારતીય વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે રાધાબિનોદ પાલ, કદાચ તમે આ મહાન વ્યક્તિનું નામ નહીં સાંભળ્યું હોય, પરંતુ જાપાનમાં તેમને ભગવાન માનવામાં આવે છે.
એવા ઘણા ભારતીયો હશે, જેઓ રાધાબિનોદ પાલને ઓળખતા પણ નહીં હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં લોકો આ વ્યક્તિને ન તો માત્ર ઓળખે છે, પરંતુ તેમની ભગવાનની જેમ પૂજા પણ કરે છે. આ જ કારણ છે કે જાપાનના યાસુકુની મંદિર અને ક્યોટોમાં ર્યોઝેન ગોકોકુ મંદિરમાં તેમની યાદમાં વિશેષ સ્મારકો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ લેખમાં જાપાનમાં લોકો તેમને કેમ ભગવાન માને છે, તેના વિશે જાણીશું.
રાધાબિનોદ પાલ આંતરરાષ્ટ્રીય ન્યાયશાસ્ત્રી અને ન્યાયાધીશ હતા
રાધાબિનોદ પાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ન્યાયશાસ્ત્રી અને ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 27 જાન્યુઆરી 1886ના રોજ તત્કાલિન બંગાળ પ્રાંતમાં થયો હતો. રાધાબિનોદ પાલે 1907માં નલિની બાલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને 9 પુત્રીઓ અને 5 પુત્રો હતા. તેમનો એક પુત્ર પ્રણવ કુમાર પાલ પણ વકીલ હતા. તેમના એક જમાઈ બલાઈ લાલ પાલ સાથે તેમણે પુસ્તક લખ્યું હતું. જ્યારે અન્ય એક જમાઈ દેબી પ્રસાદ પાલે પણ કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી અને ભારતીય નાણા રાજ્ય મંત્રી તરીકે પણ કામ કર્યું હતું.
રાધાબિનોદ પાલે પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી 1923 થી 1936 સુધી તે જ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે સેવા આપી. 1922ના ભારતીય આવકવેરા કાયદાની રચનામાં પાલનું મુખ્ય યોગદાન હતું. ભારતની બ્રિટિશ સરકારે 1927માં પાલને તેમના કાયદાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. રાધાબિનોદ પાલ 1941માં કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અને 1944માં કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા.
ક્યારે મળી વૈશ્વિક ઓળખ ?
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ, કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અનેક ન્યાયિક કમિશનના સભ્ય રાધાબિનોદ પાલને જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સામે ટોક્યો ટ્રાયલ માટે ભારતીય ન્યાયાધીશ તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમને વૈશ્વિક ઓળખ મળી. બીજા વિશ્વયુદ્ધ પછી થયેલા યુદ્ધ અપરાધો માટે જાપાન સામે આંતરરાષ્ટ્રીય કેસ ચાલતો હતો. એશિયામાંથી બે ન્યાયશાસ્ત્રીઓની પસંદગી કરવાની હતી. જેમાં એક રાધાબિનોદ પાલ પણ હતા.
ટોક્યો ટ્રાયલ
ટોક્યો ટ્રાયલ એ બીજા વિશ્વયુદ્ધ પછી જાપાની યુદ્ધ ગુનેગારો સામે યોજાયેલી મુખ્ય ન્યાયિક પ્રક્રિયા હતી. જે સત્તાવાર રીતે “ઈન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલ ફોર ફાર ઈસ્ટ” (IMTFE) તરીકે ઓળખાય છે. આ ટ્રિબ્યુનલે 1946 થી 1948 દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ ગુનાઓ આચરનારા જાપાની યુદ્ધ ગુનેગારો સામે જાપાનની રાજધાની ટોક્યોમાં કાર્યવાહી હાથ ધરી હતી.
ટોક્યો ટ્રાયલનો હેતુ જાપાની નેતાઓ અને લશ્કરી અધિકારીઓને ગુનેગાર ઠેરવવાનો હતો જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધ ગુના કર્યા હતા. તેની સ્થાપના મિત્ર રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી હતી. મિત્ર દેશો એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે જાપાનને સજા આપવા માંગતા હતા, તેથી તેમણે યુદ્ધના અંત પછી ‘ક્લાસ એ વોર ક્રાઈમ્સ’ નામનો નવો કાયદો બનાવ્યો, જેના હેઠળ હુમલો કરનારને માનવતા અને શાંતિ વિરુદ્ધનો અપરાધી ગણવામાં આવ્યા.
ટોક્યો ટ્રાયલમાં જાપાનના તત્કાલિન વડાપ્રધાન દોષિત ઠર્યા હતા
લગભગ બે વર્ષ સુધી ચાલેલા આ ટોક્યો ટ્રાયલમાં સેંકડો દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ યુદ્ધ કેદીઓમાં જાપાનના તત્કાલિન વડાપ્રધાન હિદેકી તોજો અને 20થી વધુ અન્ય નેતાઓ અને ઘણા સૈન્ય અધિકારીઓ પણ સામેલ હતા. 11 વિજયી દેશો દ્વારા 1946માં રચાયેલી આ ઈન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલ ફોર ધ ઈસ્ટમાં બ્રિટિશ સરકાર દ્વારા ડો. રાધબિનોદ પાલને ભારતના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા.
આ ટ્રાયલમાં 10 ન્યાયાધીશોએ તોજોને મૃત્યુદંડની સજા સંભળાવી, પરંતુ ડો.રાધબિનોદ પાલે માત્ર તેનો વિરોધ જ નહોતો કર્યો, પરંતુ આ ટ્રિબ્યુનલને પોતે ગેરકાયદેસર પણ ગણાવી હતી. આ ટ્રાયલના 11 ન્યાયાધીશોમાં રાધાબિનોદ એકમાત્ર એવા ન્યાયાધીશ હતા, જેમણે ચુકાદો આપ્યો હતો કે તમામ યુદ્ધ ગુનેગારો નિર્દોષ છે. તેથી જ જાપાનમાં આજે પણ તેમને એક મહાન વ્યક્તિ તરીકે આદર આપવામાં આવે છે.
આ માટે રાધાબિનોદ પાલને ભગવાનની જેમ પૂજે જાપાનના લોકો
ન્યાયાધીશ પાલે પોતાના નિર્ણયમાં લખ્યું હતું કે કોઈ ઘટના બન્યા પછી તેના સંબંધમાં કાયદો બનાવવો યોગ્ય નથી અને તેથી જ તેમણે યુદ્ધ કેદીઓ પરની સુનાવણીને યુદ્ધ જીતનારા દેશોની જબરદસ્તી ગણાવી હતી અને નિર્ણય આપ્યો હતો. તે બધાને મુક્ત કરો. જો કે, બાકીના ન્યાયાધીશો યુદ્ધ કેદીઓને મૃત્યુદંડની સજા આપવા માંગતા હતા.
આ જ કારણ છે કે આજે પણ જાપાનમાં તેમનું એક મહાન વ્યક્તિ તરીકે સન્માન કરવામાં આવે છે. ડો. રાધાબિનોદ પાલે 10 જાન્યુઆરી 1967ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. જજ પાલના સન્માનમાં એક સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું. જાપાનના લોકો આજે પણ તેમની ભગવાનની જેમ પૂજા કરે છે.
જાપાનના ઓર્ડર ઓફ ધ સેક્રેડ ટ્રેઝર ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા
1966માં રાધાબિનોદ પાલે જ્યારે જાપાનની મુલાકાત લીધી ત્યારે એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે, તેઓ બાળપણથી જ જાપાનની પ્રશંસક છે કારણ કે તે એકમાત્ર એશિયન રાષ્ટ્ર હતું જે પશ્ચિમ દેશો સામે અડગ રીતે ઊભું હતું. જાપાનના વડાપ્રધાન દ્વારા 1966માં પાલને જાપાનના ઓર્ડર ઓફ ધ સેક્રેડ ટ્રેઝર ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા હતા, જે દેશના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે.
23 ઓગસ્ટ, 2007ના રોજ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેરતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ કોલકાતામાં રાધાબિનોદ પાલના પુત્ર પ્રશાંતને કોલકાતામાં મળ્યા હતા. પ્રશાંત પાલે વડાપ્રધાન આબેને તેમના પિતાના ચાર ફોટોગ્રાફ્સ આપ્યા હતા. જેમાંથી બે રાધાબિનોદ પાલ અને આબેના દાદા અને જાપનના પૂર્વ વડાપ્રધાન નોબુસુકે કિશીના હતા.
ભારત-જાપાનની મિત્રતા અને એકતાના સંદર્ભમાં ભારતીય રાજદ્વારીઓ અને રાજકીય નેતાઓ પણ ન્યાયાધીશ પાલનો વારંવાર ઉલ્લેખ કરતા હોય છે. તો 2016માં ટોક્યો ટ્રાયલ નામની એક મિનિસીરીઝ બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય અભિનેતા ઈરફાન ખાન દ્વારા રાધાબિનોદ પાલની ભૂમિકા ભજવવામાં આવી છે.
આ પણ વાંચો દેશના એ વીર શહીદને આજે પણ ચૂકવાય છે પગાર, એકલા હાથે 300 ચીનીઓને કર્યા હતા ઢેર