દેશના એ વીર શહીદને આજે પણ ચૂકવાય છે પગાર, એકલા હાથે 300 ચીનીઓને કર્યા હતા ઢેર
ભારતીય સેનાના આ રાઈફલ મેન શહીદ નહી, પરંતુ અમર છે. આજે પણ બોર્ડર પર તૈનાત છે. તેમને સેવામાંથી નિવૃત્ત કરાયા નથી. તેમના નામની આગળ સ્વર્ગીય ક્યારેય લખાતું નથી. આજે પણ તેમને નિયમિત પોસ્ટ અને પ્રમોશન આપવામાં આવે છે. રજાઓ પણ મળે છે અને સત્તાવાર રીતે મહિને પગાર પણ ચુકવવામાં આવે છે.
1962ના ભારત-ચીન યુદ્ધની ઘણી કહાનીઓ આજે પણ જીવંત છે. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ જે રીતે બહાદુરી બતાવી તે ભારતને હંમેશા ગર્વની અનુભૂતિ કરાવે છે. આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી, જ્યારે ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર કબજો કરવાના ઈરાદાથી હુમલો કર્યો. પરંતુ તેઓ જાણતા ન હતા કે ત્યાં ભારતીય સેનાના એક બહાદુર જવાન તેમનો કાળ બનીને બેઠા હતા. એ બહાદુર જવાન બીજું કોઈ નહીં પણ રાઈફલમેન જસવંત સિંહ રાવત હતા.
ભારતીય સેનાના રાઈફલ મેન જસવંત સિંહ રાવત શહીદ નહી, પરંતુ અમર છે. આજે પણ બોર્ડર પર તૈનાત છે. તેમને સેવામાંથી નિવૃત્ત કરાયા નથી. તેમના નામની આગળ સ્વર્ગીય ક્યારેય લખાતું નથી. આજે પણ તેમને નિયમિત પોસ્ટ અને પ્રમોશન આપવામાં આવે છે. રજાઓ પણ મળે છે અને મહિને સત્તાવાર રીતે પગાર પણ ચુકવવામાં આવે છે. આ બહાદુર સૈનિકનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય સેનાના પાંચ જવાનો દિવસ-રાત તેમની સેવામાં લાગેલા છે. તેઓ તેમના પોશાકને ઇસ્ત્રી કરે છે. તેમના જૂતાને પોલિશ કરે છે અને રાત્રે સૂવા માટે પથારી બનાવવાની સાથે સવાર-સાંજ નાસ્તો અને જમવાનું પણ આપે છે.
ઉત્તરાખંડના પૌડી-ગઢવાલ જિલ્લામાં જન્મ
જસવંત સિંહ રાવતનો જન્મ 19 ઓગસ્ટ, 1941ના રોજ ઉત્તરાખંડના પૌડી-ગઢવાલ જિલ્લાના બદાઉનમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે તેઓ સેનામાં જોડાવા ગયા, પરંતુ તેમની ઉંમર નાની હોવાથી તેમને લેવામાં ન આવ્યા. જો કે, 19 ઓગસ્ટ 1960ના રોજ જસવંત સિંહને રાઈફલ મેન તરીકે સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની તાલીમ 14 સપ્ટેમ્બર, 1961ના રોજ પૂર્ણ થઈ હતી. એક વર્ષ પછી 17 નવેમ્બર, 1962ના રોજ ચીની સેનાએ અરુણાચલ પ્રદેશને કબજે કરવાના હેતુથી હુમલો કર્યો. ત્યારે આ બહાદુર જવાને એકલા હાથે 300 ચીની સૈનિકોનો સામનો કરી બહાદુરીની અનોખી મિશાલ આપી હતી.
જે ચીની સેના સામે જસવંત સિંહે મોરચો માંડ્યો હતો, એ ચીની સૈનિકો આજે પણ તેમને સલામ કરે છે. 1962ના યુદ્ધ દરમિયાન માત્ર 18 વર્ષના જસવંત સિંહ ચીન સામે 72 કલાક હિમાલયની જેમ અડગ ઊભા રહ્યા હતા.
એકલા હાથે 300 ચીનીઓને કર્યા હતા ઢેર
આ યુદ્ધમાં ચીની સેના અરુણાચલમાં સેલા ટોપના રસ્તેથી ભારતીય સરહદ પર ટનલ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેમને હતું કે બીજી બાજુ ભારતીય સૈનિકો માર્યા ગયા છે. પરંતુ થોડી જ વારમાં સામેના પાંચ બંકરમાંથી આગ અને ગનપાઉડરની એવી જ્વાળાઓ નીકળી કે જોત જોતામાં ચીની સેનાના લગભગ 300 સૈનિકોના મૃતદેહોનો ઢગલો થઈ ગયો.
ચીનની સેના સ્તબ્ધ થઈ ગઈ તેમને થયું કે નક્કી સામે ભારતની મોટી બટાલિયન તૈનાત છે. 72 કલાક પછી જ્યારે વિસ્ફોટોના અવાજો બંધ થયા અને ચીની સૈનિકો જોવા આગળ આવ્યા તો તેઓ ધ્રૂજવા લાગ્યા કારણ કે તેમની સામે માત્ર એક જ ઘાયલ ભારતીય સૈનિક હતા. જેમણે ચીનના 300 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બીજું કોઈ નહીં, પરંતું ગઢવાલ રાઈફલની ડેલ્ટા કંપનીના રાઈફલમેન જસવંત સિંહ રાવત હતા.
1962નું ભારત-ચીન યુદ્ધ તેના અંતિમ તબક્કામાં હતું. 14,000 ફૂટની ઉંચાઈએ લગભગ 1000 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી અરુણાચલ પ્રદેશ સ્થિત ભારત-ચીન સરહદ યુદ્ધનું મેદાન બની ગઈ હતી. આ વિસ્તાર એવો હતો કે ત્યાં જતા આપણો આત્મા પણ કંપી જાય, પરંતુ આપણા સૈનિકો ત્યાં લડી રહ્યા હતા. ભારતીય જમીન પર કબજો જમાવી રહેલા ચીની સૈનિકો હિમાલયની સરહદ પાર કરીને અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચ્યા હતા.
બે છોકરીઓ નૂરા અને સેલાની મદદથી ફાયરિંગ ગ્રાઉન્ડ બનાવ્યું
યુદ્ધની વચ્ચે સંસાધનો અને સૈનિકોના અભાવને કારણે બટાલિયનને પાછી બોલાવવામાં આવી હતી. પરંતુ જસવંત સિંહે ત્યાં જ રહીને ચીની સૈનિકો સામે લડવાનું નક્કી કર્યું. અરુણાચલ પ્રદેશના મોનપા જનજાતિની બે છોકરીઓ નૂરા અને સેલાની મદદથી તેઓએ ફાયરિંગ ગ્રાઉન્ડ બનાવ્યું અને ત્રણ જગ્યાએ મશીનગન અને ટેન્ક મૂકી. તેઓએ ચીની સૈનિકોને ભ્રમિત કરવા માટે આવું કર્યું જેથી ચીની સૈનિકો સતત એવું વિચારતા રહ્યા કે ભારતીય સેના મોટી સંખ્યામાં છે અને ત્રણેય સ્થાનોથી હુમલો કરી રહી છે.
નૂરા અને સેલાની સાથે જસવંત સિંહ ત્રણેય જગ્યાએ હુમલા કરતા રહ્યા. આ રીતે તેઓ 72 કલાક એટલે કે ત્રણ દિવસ સુધી ચીની સૈનિકોને ચકમો આપવામાં સફળ રહ્યા. બાદમાં કમનસીબે તેમને રાશન સપ્લાય કરનાર વ્યક્તિને ચીની સૈનિકોએ પકડી લીધો હતો. તેણે જસવંત સિંહ રાવત વિશેની તમામ વાત ચીનીઓને જણાવી. જે બાદ 17 નવેમ્બર 1962ના રોજ ચીની સૈનિકોએ જસવંત સિંહને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આ હુમલામાં સેલાનું નિધન થયું હતું, જ્યારે નૂરાને ચીની સૈનિકોએ જીવતી પકડી લીધી હતી. જ્યારે જસવંત સિંહને ખબર પડી કે તે પકડાઈ જવાના છે, ત્યારે તેમણે યુદ્ધ કેદી ન બનવા માટે પોતાને ગોળી મારી દીધી હતી.
જસવંત સિંહની આ તબાહીથી ચીની સેનાનો કમાન્ડર એટલો ગુસ્સે થયો કે તે જસવંત સિંહનું માથું કાપીને સાથે લઈ ગયો, પરંતુ બાદમાં ચીનની સેના જસવંત સિંહની બહાદુરીથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે યુદ્ધ બાદ ચીની સેનાએ તેમનું માથું પરત કર્યું અને તેમની કાંસાની પ્રતિમા પણ ભેટ કરી હતી.
બહાદુરી માટે મરણોત્તર મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા
રસપ્રદ વાત એ છે કે જસવંત સિંહને શહીદ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ અરુણાચલના લોકોનું માનવું છે કે તે હજુ પણ જીવિત છે અને સરહદ પર તૈનાત છે. તેમની આસ્થા કેટલી મજબૂત છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકોએ તેમની યાદમાં જે પોસ્ટ પર જસવંત સિંહે તેમની છેલ્લી લડાઈ લડી હતી તેને જસવંતગઢ નામ આપ્યું છે અને ભારતીય સેના દ્વારા તેમને બાબા જસવંત સિંહ રાવત તરીકે ઓળખવામાં આવે છે.
જો તમે જસવંતગઢ ગયા હોવ તો તમને ખબર હશે કે જસવંતગઢમાં એક ઘર છે, જેના વિશે કહેવાય છે કે જસવંત સિંહ તેમાં રહે છે. આ ઘરમાં એક બેડ રાખવામાં આવ્યો છે, જેને ચોકી પર તૈનાત સેનાના જવાનો દરરોજ સજાવે છે. તેમના પગરખાં નિયમિતપણે પોલિશ કરવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ જસવંત સિંહ એકમાત્ર એવા શહીદ છે જેમનું નિયમિત પ્રમોશન શહીદ થયા પછી પણ થતું રહે છે અને મહિને પગાર પણ ચુકવવામાં આવે છે. હાલમાં તેઓ મેજર જનરલના પદ પર છે. જસવંત સિંહને તેમની બહાદુરી માટે મરણોત્તર મહાવીર ચક્ર જેવા મોટા સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
શહીદ જસવંત સિંહ રાવત પર 72 અવર્સઃ માર્ટીર હુ નેવર ડાઈડ નામની ફિલ્મ પણ બની હતી. એક દિગ્દર્શક તરીકે અવિનાશ ધ્યાનીએ ફિલ્મમાં જસવંત સિંહની બહાદુરીનું સુંદર વર્ણન કર્યું છે. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
આ પણ વાંચો બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર