દરેક કોચ બુલેટપ્રૂફ, ટોપ સ્પીડ માત્ર 59 Kmph…કિમ જોંગ ઉનની આ સિક્રેટ ટ્રેન કોઈ હરતા-ફરતા મહેલથી ઓછી નથી
કિમ જોંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર 59 Kmph છે, ત્યારે આ લેખમાં કિમ જોંગ ઉનની રહસ્મય ટ્રેન વિશે વિસ્તારથી જાણીશું.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેનો દેશ રહસ્યોથી ભરેલો છે. ઉત્તર કોરિયા વિશ્વનો એક એવો દેશ છે જેની છબી પડોશી દેશોને હંમેશા ડરમાં રાખે છે. કારણ છે ઉત્તર કોરિયાના કાયદાની રહસ્યમય દુનિયા અને તેના તાનાશાહ કિમ જોંગ ઉન. વિશ્વના મોટાભાગના દેશો ઉત્તર કોરિયાને અલગ માને છે. પરંતુ, કિમના ચીન અને રશિયા સાથેના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી.
ઉત્તર કોરિયાના સંબંધો વિશ્વના બાકીના દેશો સાથે ખૂબ જ મર્યાદિત છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. તાનાશાહ કિમ જોંગ ઉનનો દેશ અને જીવન એટલું રહસ્યમય છે કે તે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે તેની કોઈને ખબર નથી. કિમની દરેક મુવમેન્ટની માત્ર કેટલાક ખાસ અધિકારીઓ જ વાકેફ છે. આ એવા અધિકારીઓ છે જેમના પર કિમને ભરોસો છે.
કિમ જોંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર 59 Kmph છે, ત્યારે આ લેખમાં કિમ જોંગ ઉનની રહસ્મય ટ્રેન વિશે વિસ્તારથી જાણીશું.
કિમની બુલેટપ્રૂફ ટ્રેન
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને તેમના પિતા પાસેથી લક્ઝરી ટ્રેન વારસામાં મળી છે. કિમ જોંગની ટ્રેનને સિક્રેટ ટ્રેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેની ટ્રેન બખ્તરબંધ સુરક્ષાથી સજ્જ છે. કિમ જોંગ ઉનની આ ટ્રેનની સુરક્ષા ઘણી મજબૂત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે કિમ જોંગ હવાઈ મુસાફરીથી ડરે છે. આ ડર વારસાગત છે એટલે કે તેમના પિતા અને દાદા વિશે પણ એવું જ કહેવામાં આવતું હતું. કિમ પહેલા પણ આ બંને કોરિયન નેતાઓ મુસાફરી કરવાનું ટાળતા હતા અને જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ દેશની બહાર જતા હતા. આમાં પણ શક્ય હોય ત્યાં સુધી તે પોતાની ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
કિમની બુલેટપ્રૂફ ટ્રેનનો ઉપયોગ તેના પિતા કિમ જોંગ ઇલ અને દાદા કિમ ઇલ સાંગ પણ કરતા હતા. તેઓ આ ટ્રેન દ્વારા ચીન, રશિયાની મુલાકાત કરતા હતા. એવું કહેવાય છે કે આ લોકો સોવિયેત યુગથી હવાઈ મુસાફરીને સુરક્ષિત ગણતા ન હતા. તેથી ફક્ત ટ્રેનમાં મુસાફરી કરવાનું સલામત માનતા હતા.
આ ટ્રેન રશિયા તરફથી ભેટ સ્વરૂપે મળી હતી
સોવિયેત નેતા જોસેફ સ્ટાલિને પચાસના દાયકાની શરૂઆતમાં કિમના દાદા કિમ સાંગને એક ટ્રેન ભેટમાં આપી હતી. તે પછી 1950માં કોરિયન યુદ્ધ દરમિયાન સુંગે આ ટ્રેનનો તેમના મુખ્યાલય તરીકે ઉપયોગ કર્યો અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ યુદ્ધ માટે અહીંથી પોતાની રણનીતિ બનાવી. મજબૂત લાકડાનું ઈન્ટેરિયર ધરાવતી આ ટ્રેન ટૂંક સમયમાં કિમ પરિવારની શાહી ટ્રેન બની ગઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિંગ જોંગ ઇલનું પણ આ ટ્રેનની અંદર જ મોત થયું હતું. તેઓ કોઈ રાજકીય કામ માટે પ્યોંગયાંગથી જઈ રહ્યા હતા, તે દરમિયાન ટ્રેનમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને નિધન થયું હતું.
ટ્રેનને કોઈપણ હુમલાની અસર થતી નથી
ત્રણ પેઢીઓથી ચાલતી આ ટ્રેન અંદાજે 250 મીટર લાંબી છે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેના તમામ કોચ બુલેટપ્રૂફથી સજ્જ છે, જેને ગોળી કે વિસ્ફોટની કોઈ અસર થતી નથી. ટ્રેનમાં એડવાન્સ રડાર સિસ્ટમ છે, આ ઉપરાંત બારીઓ અને દરવાજા સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે, તો ટ્રેકની તપાસ માટે એડવાન્સ સિક્યોરીટી ટ્રેન પણ છે. ફ્લોર અને દીવાલોમાં વિસ્ફોટ પ્રોટેક્શન સિસ્ટમ છે. 2004માં ઉત્તર કોરિયાના શહેર યોંગચોનની રેલવે લાઇનમાં લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં 150 થી વધુ લોકોના જીવ ગયા હતા. બ્લાસ્ટ પહેલા ટ્રેન તે લાઇન પરથી પસાર થઈ હતી. આ પછી ટ્રેનની સુરક્ષા વધુ મજબૂત બની.
ઉત્તર કોરિયાની અંદર જ્યાં પણ ટ્રેન જાય છે, ત્યાં લગભગ એક દિવસ અગાઉથી લાઈનોનું ચેકિંગ શરૂ થઈ જાય છે અને તે રૂટ બ્લોક થઈ જાય છે. હાલના તાનાશાહે એવી વ્યવસ્થા કરી છે કે આ ટ્રેન ઉપડે તે પહેલા જ બીજી ખાનગી ટ્રેન પણ આ જ ટ્રેક પર રવાના થાય જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તેની પાછળ કિમની શાહી ટ્રેન હોય છે, ત્યારબાદ બીજી ટ્રેન હોય છે, જેમાં વધારાની સુરક્ષા અને અન્ય વસ્તુઓ હોય છે. આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે. તેથી તે સામાન્ય ટ્રેનો કરતા વધુ ભારે હોય છે. તેથી જ તેની ઝડપ ઘણી ઓછી હોય છે. તે માત્ર 59 કિમી/કલાકની ઝડપે દોડે છે.
મનોરંજન માટે લેડી ડાન્સર હોય છે ટ્રેનમાં
વૈભવી જીવન જીવવા માટે જાણીતા આ તાનાશાહની ટ્રેન પણ એટલી જ જાજરમાન છે. તેમાં 22 કોચ છે. દરેક કોચમાં વિશાળ બાથરૂમ અને જમવાની સુવિધા પણ છે. મુસાફરી કરનારા લોકો સામાન્ય રીતે કિમના પરિવારના સભ્યો હોય છે અથવા તો કિમ પોતે હોય છે. તેમની સાથે પોલિટબ્યુરો અધિકારીઓ અને લશ્કરી ટુકડી હોય છે. આ તમામ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા છે. ટ્રેનમાં વિશ્વના લગભગ તમામ ભાગોમાંથી ખાસ વાનગીઓ બનાવતા શેફ હોય છે.
લાંબી મુસાફરી દરમિયાન કિમ કંટાળો ના અનુભવે તે માટે મનોરંજની વ્યવસ્થા છે, જેમાં ડાન્સરોનું એક ગ્રુપ હોય છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે કે કિમના મનોરંજન માટે છોકરીઓ પણ ટ્રેનમાં મુસાફરી કરે છે, જેને લેડી કંડક્ટર કહેવામાં આવે છે. આ સિવાય દરેક કોચમાં ટેલિવિઝન છે. પરંતુ તેમાં માત્ર કેટલીક ચેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે માત્ર ઉત્તર કોરિયાના વિકાસની માહિતી આપે છે.
ટ્રેનની લક્ઝરી
કિમ જોંગની આ ટ્રેન અંદરથી એકદમ લક્ઝુરિયસ છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. કિમની ટ્રેન મજબૂત લાકડામાંથી બનેલી છે, જેમાં પ્રેસ કોન્ફરન્સ હોલ તેમજ અનેક બેડરૂમ, સેટેલાઇટ ફોન અને ફ્લેટ-સ્ક્રીન ટીવીથી સજ્જ છે. જ્યારે કિમ જોંગ ઉન પ્રવાસ પર જાય છે ત્યારે તેમની ટ્રેન સાથે અન્ય ત્રણ ટ્રેનો પણ દોડે છે. તેમની એક ટ્રેન રેલવે લાઇનની તપાસ કરે છે, બીજી ટ્રેનમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત હોય છે અને અન્ય અધિકારીઓ ત્રીજી ટ્રેનમાં મુસાફરી કરે છે, જે સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.