Surat : કાપડ માર્કેટમાં લેભાગુ ટોળકીઓ સામે ‘ગુજસીટોક’ કાયદા હેઠળ ગુનો નોંધવા ફોગવાની માગ
સુરત (Surat) શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને માર્કેટમાં ઉઠમણું કરવાના ઈરાદા સાથે કામ કરતા 57 જેટલા વેપારી અને 5 જેટલા દલાલોની યાદી આપવામાં આવી છે.
સુરતમાં(Surat ) ટેકસટાઇલ માર્કેટ(Textile Market ) હાલ કપરી પરિસ્થિતમાં ચાલી રહ્યું છે ત્યાં ફોગવાએ સમગ્ર ગુજરાતમાં(Gujarat ) આવેલાં 7 લાખ પાવર લૂમ્સ અને 80 હજાર ઓટોમેટિક લૂમ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તરીકે ગૃહ મંત્રી અને સરકાર પાસે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. આ માગને અલગ અલગ 35 વિવિંગ સોસાયટીએ સમર્થન આપ્યું છે. સુરતનો ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ ખેતી પછી સૌથી વધારે રોજગારી આપતો ઉદ્યોગ છે. દુકાન ચાલુ રાખી પેમેન્ટ નહીં કરે તેવા કિસ્સાને પણ કલમ 2(a) હેઠળ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગણવા માટે માગ કરી રહ્યા છે.
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ રાજ્ય તથા કેન્દ્ર સરકારને ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સની માતબર રકમ આપે છે. સતત ટેકસટાઇલ માર્કેટમાં અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. થોડા સમય પહેલા પણ ગૃહ વિભાગ દ્વારા આદેશ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી કરવામાં આવી હતી. સાથે આ જ કાયદાની કલમ 2(d )માં વેપારીઓ સાથે આયોજનબદ્ધ રીતે માલ લઇ કોઈપણ જાતની ચૂકવણી નહીં કરવાના ઈરાદે કોઈ વેપારી પોતાની ઓફિસ બંધ કરી ભાગી જાય અથવા દુકાન ચાલુ રાખી પેમેન્ટ નહીં કરે તેવા કિસ્સાને પણ કલમ 2(a) હેઠળ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગણી ઉમેરો કરવો જોઈએ તેવી માગ વેપારીઓ કરી રહ્યા છે.
હાલમાં આવા આર્થિક અપરાધીઓ ઈ.પી.કો.ની કલમ-406માં રહેલી કાયદાની છટકબારીનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગી જાય છે અને જ્યારે પકડાઈ જાય તો 10 જ દિવસમાં જામીન મેળવી બીજા આવા ક્રાઇમની તૈયારીમાં લાગી જાય છે. આ બાબતે ગંભીરતાથી લઈને ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, એક કિસ્સામાં આખાને આખા પરિવારના સભ્યો આ છેતરપિંડીના ધંધામાં ખૂબ જ સક્રિય છે. આવા પરિવારના ભાઈઓ, ભત્રીજાઓ, મામા, ભાણિયાઓ તથા સગા સંબંધીઓના નામે લગભગ 30 જેટલા જુદી જુદી પેઢીઓનાં જીએસટી રજિસ્ટ્રેશન મેળવી પ્રિપ્લાન ઠગાઈ કરે છે.
એટલું જ નહીં વિવર્સ માલનાં નાણાં માંગે તો વકીલ મારફત હેરસમેન્ટની નોટિસ મોકલે છે. આ એક કાપડ માર્કેટમાં મોડેસ ઓપરેન્ડી જેવું થઇ ગયું છે. કાપડ માર્કેટમાં આવી ઘણી બધી ટોળકીઓ સક્રિય છે. મહત્વનું એ છે કે ખૂબ જ આયોજનપૂર્વક આખું ષડયંત્ર કરવામાં આવે છે. આ અંગે ખૂબ ઊંડાણમાં જઈ બારીકાઇથી તપાસ કરવામાં આવે તો તેમનાં મૂળ સુધી પહોંચી શકાય તેમ છે. એક-બે કિસ્સામાં મૂળ સુધી તપાસ કરી દોષિતોને સખત સજા કરવામાં આવે તો દાખલો બેસી શકે છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને માર્કેટમાં ઉઠમણું કરવાના ઈરાદા સાથે કામ કરતા 57 જેટલા વેપારી અને 5 જેટલા દલાલોની યાદી આપવામાં આવી છે. આ પ્રકારના અપરાધ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ છે. મોટાભાગે આવા આર્થિક ગુનેગારો ચોર કોટવાલને દંડે એ રીતે તેમના ભોગ બનેલા વેપારીને કાયદાના ઓથા હેઠળ રંજાડે છે. આવી વિકટ પરિસ્થિતિમાં વેપારીઓનું હિત જાળવવા, ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવા માટે ગુજસીટોક-2015ના કાયદાની કલમ 2 (d ) મુજબ આર્થિક અપરાધની શ્રેણીમાં કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.