Surat : નવા બનનારા પાંચ ફાયર સ્ટેશન માટે 555 વધારાના સ્ટાફની ફાયર વિભાગ દ્વારા માંગણી
સુરતમાં વસ્તી વિસ્તારનો વ્યાપ વધતા હવે આવનારા દિવસોમાં નવા ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યા છે. જેને લઈને સુરત ફાયર વિભાગ દ્વારા નવા સ્ટાફની પણ માંગણી કરવામાં આવી છે.
![Surat : નવા બનનારા પાંચ ફાયર સ્ટેશન માટે 555 વધારાના સ્ટાફની ફાયર વિભાગ દ્વારા માંગણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2021/08/surat-fire.jpg?w=1280)
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા આગામી સમયમાં પાંચ નવા ફાયર સ્ટેશનો (Fire Station) શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં ફાયર વિભાગને ફાયર સ્ટેશનનો કબ્જો મળે તેમ હોવાથી નવા ફાયર સ્ટેશનની જરૂરિયાત માટે વિવિધ કેટેગરીના સ્ટાફની (Staff) માંગણી ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા કરવામાં આવી છે.
ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર, માર્શલ લીડર, ડ્રાઇવર, ક્લીનર સહિત કુલ ત્રણ શિફ્ટમાં પાંચ ફાયર સ્ટેશન માટે 555 કર્મચારી અને અધિકારીઓની માંગણી કરવામાં આવી છે. એક ફાયર સ્ટેશન દીઠ એક ફાયર ઓફિસર તથા એક ફાયર સ્ટેશનની ત્રણ શિફ્ટ મુજબ એક-એક સબ ફાયર ઓફિસરની માંગણી ફાયર વિભાગે કરી છે.
હાલ સુરતમાં કેટલા ફાયર સ્ટેશન ? હાલ સુરતમાં 16 ફાયર સ્ટેશન અને એક ઇઆરસી ઉપલબ્ધ છે તથા 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૈકી પાંચ ફાયર સ્ટેશનના કબ્જા ફાયર વિભાગને નજીકના ભવિષ્યમાં મળી શકે તેમ છે. પાંચ ફાયર સ્ટેશનમાં ફાયર વિભાગ દ્વારા માંગવામાં આવેલ વધારાના સ્ટાફની ભરતીથી પ્રથમ વર્ષે મહેકમ ખર્ચમાં 5.16 કરોડ, બીજા વર્ષે 5.83 કરોડ, ત્રીજા વર્ષે 6.50 કરોડ અને ચોથા વર્ષે 15.71 કરોડનો વધારાનો ખર્ચ થઇ શકે તેમ છે.
શું કામ નવા ફાયર સ્ટેશનની જરુર ? સુરતની વસ્તી અને વ્યાપ પહેલા કરતા વધ્યો છે. તક્ષશિલા દુર્ઘટના પછી ફાયર વિભાગે બોધપાઠ લઈને ફાયર સેફટી માટે જાગૃતિ વધારી છે અને તે પછી વસ્તી વિસ્તારને જોતા નવા ફાયર સ્ટેશન તેમજ વધારાના સ્ટાફની પણ જરૂર હોય તેની તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત ફાયરના જરૂરી સાધનો પણ મંગાવવા તેમજ જુના સાધનો તાકીદે રીપેર કરાવવા પણ કામગીરી હાથ ધરી છે.
ફાયર વિભાગની વધારાના મહેકમની માંગણી માટે મધ્યસ્થ મહેકમ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. એટલું જ નહીં નવી 3 ડિવિઝનલ ઓફિસરની જગ્યા ફાયર વિભાગના મહેકમ શીડ્યુલ્ડ પર કાયમી ધોરણે ઉપસ્થિત કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું