AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેન્શન મેળવનારા માટે મોટા સમાચાર, હવે પોસ્ટમેન બનાવી આપશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે.

પેન્શન મેળવનારા માટે મોટા સમાચાર, હવે પોસ્ટમેન બનાવી આપશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2024 | 7:04 PM
Share

હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ ઉભી નહીં થાય.

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અંગેની માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી હતી. આ અવસર પર રાજકોટ મંડળ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે.

આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા દ્વારા કરાતી વ્યક્તિની ઓળખ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ ત્વરીત મળી શકે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે.

પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે.

આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">