મહેસાણાના(Mehsana) ઊનાવામાં વન રક્ષકની (Vanrakshak Exam) ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થી પાસે આન્સર કી મળતા વિવાદ સર્જાયો છે.ઊંઝાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની(Paper Leak) આશંકા સેવાઈ રહી છે.જો કે વનવિભાગના અધિકારીનું કહેવું છે કે પેપર કોઈ સ્થળેથી લીક નથી થયું…વનવિભાગના અધિકારી એ કે શ્રીવાસ્તવે કહ્યું કે, વનરક્ષકની પરીક્ષા રદ નહીં થાય..આ તરફ મહેસાણા જિલ્લા પોલીસવડા ડૉ પાર્થરાજ સિંહ ગોહિલે કહ્યું, પેપર કોઇ સ્થળે લીક નથી થયું…માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે.કેટલાક લોકો દ્વારા ચોક્કકસ ઉમેદવારોને ફાયદો કરાવવા આ કૃત્ય કરાયું છે.સાથે જ તેમણે પેપર ફૂટવાની અફવા ફેલાવનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર પણ કરી હતી.
આ મહેસાણા જિલ્લા પોલીસવડાએ કહ્યું હતું કે, કોપી કેસ મામલે 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આન્સર કી સળગાવી દેવા મામલે પુરાવાનો નાશ કરવા અંગેની પણ ફરિયાદ માટેની કલમનો ઉમેરો કરાશે. હાલ પોલીસે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા તપાસ શરૂ કરી હોવાની પણ વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજયભરમાં વન રક્ષક ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પેપર પણ ફૂટી ગયું હોવાની જાણકારી મળી છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે આ પેપર લેવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવેલી હતી. તેમના દ્વારા જ આ પરીક્ષા લેવાઈ હતી અને આ એક કોપી કેસ છે જેને ખોટી રીતે રજુ કરીને સરકારને બદનામ કરવાનો અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ છતાં સરકાર તપાસ કરશે અને જો કોઈ જવાબદાર જણાશે તો સરકાર કોઈપણ સામે કાર્યવાહી કરવા તૈયાર છે.
તેમણે કહ્યું કે મારે પેપર ફૂટવાનું કહેવાવાળાને એ પણ કહેવું છે કે પેપર ફૂટ્યું હોય તો પરીક્ષા પહેલાં ફૂટે, પહેલાં વહેંચણી કરે, પણ અહીં તો છેલ્લી એક કલાક બાકી હતી ત્યારે ઘટના બની છે. આ એક કલાકમાં શું લખી શકાય તે હું તમારા પર છોડું છું. ભુતકાળમાં પણ આવા કેસ થયા છે સરકાર તેની સામે કાર્યવાહી કરવા તૈયાર છે. યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અત્યારે તો આ એક કોપી કેસ છે તેવું પ્રાથમિક તારણમાં જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી
આ પણ વાંચો : Kutch: એક દાયકા બાદ ભુજના ઐતિહાસિક દેસલસર તળાવમાંથી ગટરનાં પાણી દૂર કરવાનુ કાર્ય શરૂ થયું
Published On - 11:33 pm, Sun, 27 March 22