નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કાયમી પ્રશ્નનો ઉકેલ લાવવા ભૂપેન્દ્ર પટેલનુ સુચન
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે અતિશય ભારે વરસાદથી અસર પામેલ જામનગરની મુલાકાત લીધી હતી. જામનગર એરપોર્ટ ખાતેના મિટિંગ હોલમાં પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા
જામનગરના જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ, અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલ સમગ્ર પરિસ્થિતિથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારને અવગત કરાયા હતા. જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.