05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં 24 હજાર 700 શિક્ષકોની કરાશે ભરતી, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે કરી જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2024 | 11:49 PM

આજે 05 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં 24 હજાર 700 શિક્ષકોની કરાશે ભરતી, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે કરી જાહેરાત

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેજરીવાલને ED કેસમાં જામીન મળી ચૂક્યા છે, હવે CBI કેસમાં નિર્ણય લેવાનો બાકી છે. વકફ (સુધારા) બિલને લઈને JPCની આજે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે. છેલ્લે મળેલ બેઠકમાં જિન્નાહ, અફઘાનિસ્તાન અને અખંડ ભારતનો પણ ઉલ્લેખ થયો હતો.

અયોધ્યાના ડીએમએ જમીનના સર્કલ રેટમાં 50 થી 200 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આખરી રેટ લિસ્ટ આજે જાહેર થઈ શકે છે. લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને જમીનનું યોગ્ય વળતર મળતું નથી. 2017 થી અયોધ્યામાં સર્કલ રેટના ભાવમાં વધારો થયો નથી. દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાનની તૈયારીને લઈને સંબંધિત વિભાગોની બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરશે અને ઉચ્ચ સ્તરીય સૈન્ય નેતૃત્વને સંબોધશે. આજે દિવસભરના મહત્વના અને મોટા સમાચાર માટે જોડાયેલા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Sep 2024 06:37 PM (IST)

    રાજકોટઃ જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    રાજકોટઃ જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.  ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. નિચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

  • 05 Sep 2024 06:36 PM (IST)

    બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં મેઘરાજા થયા મહેરબાન

    રાજ્યમાં વરસાદના બે દિવસના વિરામ બાદ ફરી બનાસકાંઠામાં મેઘરાજા સવારી આવી પહોંચી છે. બનાસકાઠાના અનેક તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. થરાદ,અંબાજી,પાલનપુર,અને ધાનારે તાલુકામાં વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.  પાલનપુરમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ જળબંબાકાર થયા હતા. વાહનચાલકો અને સ્કુલે જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અંબાજીમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી લુણી નદીમાં લાંબા સમય બાદ નવા નીરની આવક જોવા મળી છે.

  • 05 Sep 2024 06:35 PM (IST)

    વિનાશક પૂર બાદ મળેલી વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની

    વિનાશક પૂર બાદ વડોદરા મનપાની પહેલી સામાન્ય સભા તોફાની બની. વિશ્વામિત્રીનું પૂર માનવસર્જિત આફત હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવ્યો. જોકે કોંગ્રેસના વિરોધના સૂર પારખી ગયેલા શાસકોએ દરવાજા બંધ કરી દેતા કાર્યકરો ઉશ્કેરાયા અને પાલિકા બહાર જ મનપાના બજેટની કોપી સળગાવીને વિરોધ પ્રદર્શતિ કર્યો.

  • 05 Sep 2024 06:34 PM (IST)

    શિક્ષક દિને જ રાજ્યના ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ સચિવાલય ખાતે કર્યા દેખાવો

    રાજ્યમાં જ્યાં શિક્ષણ દિવસની ઉજવણી થઇ રહી હતી, ત્યારે બીજી તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સ્થિતિ છે રાજ્યમાં શિક્ષણની. શિક્ષક દિવસે જ શિક્ષકોએ આંદોલન કરવું પડે તેનાથી ખરાબ બીજી શું વાત હોઇ શકે. કાયમી ભરતી અને નોટિફિકેશ જાહેર કરવાની માગ સાથે શિક્ષકોએ સચિવાલય ખાતે દેખાવો કર્યા. ઉલ્લેખનિય છે કે ખુદ મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા બાદ ભરતી ન કરવામાં આવતા શિક્ષકો રોષે ભરાયા છે. ત્યારે મંજૂરી ન હોવાછતાં વિરોધ કરી રહેલા શિક્ષકોની પોલીસે અટકાયત કરી.

  • 05 Sep 2024 06:32 PM (IST)

    રાજ્યના 178 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

    ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ રહ્યો. આજે રાજ્યના 178 તાલુકાઓમાં વરસાદ પડ્યો. જેમા ગાંધીનગરના માણસા અને મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ ખાબક્યો. પ્રાંતિજ, મહેસાણા અને ડીસામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે 13 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ અને 42 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો .

  • 05 Sep 2024 04:32 PM (IST)

    રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

    હવામાન વિભાગે  રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે તો સાબરકાંઠા,બનાસકાંઠામાં અતિભારે વરસાદને ઓરેન્જ અલર્ટ જાહેર કરાયુ છે. અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં યલો અલર્ટ જાહેર કરાયુ છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદી પડશે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે.

  • 05 Sep 2024 04:29 PM (IST)

    મહેસાણા: વિજાપુરમાં છ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળ ભરાવની સ્થિત સર્જાઈ છે. શહેરના ટી.બી. રોડ, વિસનગર રોડ જળમગ્ન બન્યા છે. ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા છે.

  • 05 Sep 2024 04:26 PM (IST)

    પાટણઃ શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ

    પાટણઃ શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર વરસાદી પાણી ભરાતા શહેરના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.

  • 05 Sep 2024 04:24 PM (IST)

    પાટણઃ સરસ્વતી પંથકમાં પણ ધોધમાર વરસાદ

    પાટણઃ સરસ્વતી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વાયડ, મેલુસણ, ધનાસરા, કાનોસણ, નાયતા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • 05 Sep 2024 04:24 PM (IST)

    ગાંધીનગર: માણસા પંથકમાં ધોધમાર વરસાદ

    ગાંધીનગરના  માણસા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. જેમા ઈટાદરા, ચરાડા, સમૌવ સહિતના ગામોમાં ભારે વરસાદથી રસ્તા અને ખેતરોમાં ભરાયા પાણી છે. સમૌવ ગામે તળાવ ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ તરફ ભારે વરસાદથી ખેડૂતોને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  • 05 Sep 2024 04:21 PM (IST)

    બનાસકાંઠા: ડીસા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

    બનાસકાંઠા: ડીસા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. કંસારીથી શેરપુરા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.  સમગ્ર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના પ્રચંડ પ્રવાહથી રસ્તાનું ધોવાણ થયુ છે. 25 થી વધુ ગામના લોકોની અવરજવર પર ભારે અસર પડી રહી છે. રોડ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

  • 05 Sep 2024 02:35 PM (IST)

    ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ

    ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભદ્રોડ સહિત કાંટાસર, ખાટસુરા, ચોકવા, છાપરી, વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. ભાદરવામાં વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો  મળશે.

  • 05 Sep 2024 02:26 PM (IST)

    જામનગર: ધારાસભ્ય રિવાબા જાડેજાએ અનોખી જન્મદિવસની ઉજવણી

    જામનગર: ધારાસભ્ય રિવાબા જાડેજાએ અનોખી જન્મદિવસની ઉજવણી કરી. રિવાબા જાડેજાએ સમાજ સેવા સાથે જન્મદિવસની કરી ઉજવણી. 11 મહિલાઓને કરીયાવાર, 112 બાળકોની શિક્ષણની જવાબદારી લીધી. 11 ભાવી ક્રિકેટરોને ક્રિકેટની કીટ વિતરણ કરવામાં આવી. જી.જી હોસ્પિટલમાં માટે આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો, વોર્ડ પ્રમુખોને ₹10 લાખનો વીમો પ્રદાન કરાયો.

  • 05 Sep 2024 01:44 PM (IST)

    રાજ્યમાં 24 હજાર 700 શિક્ષકોની કરાશે ભરતી

    શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું કરાયુ છે. ભરતી કેલેન્ડર અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે. રાજ્યમાં 24700 જેટલા શિક્ષકોની ભરતી કરાશે. TAT માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 7500 જેટલા શિક્ષકો ભરતી કરાશે. CMના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.

  • 05 Sep 2024 12:43 PM (IST)

    સુરત: શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત

    સુરત: શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે. વરસાદ બાદ રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ બહાર રોડ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. કતારગામ, ડભોલી, વરાછા, રાંદેર, પાંડેસરા, ઉધના રોડની હાલત બિસ્માર છે. રોડ પરના ખાડાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદના વિરામ બાદ પણ પાલિકા કામગીરી નથી કરી રહી.

  • 05 Sep 2024 11:35 AM (IST)

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા

    સત્તાવાર રીતે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કર્યું છે. જેની માહિતી ખુદ તેમના પત્ની રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે હવે અનેકવિધ અટકળો પણ ઉઠી રહી છે. કે શું રવિન્દ્ર જાડેજા હવે ક્રિકેટ બાદ રાજકારણમાં પણ એન્ટ્રી કરશે કે કેમ ?

  • 05 Sep 2024 08:56 AM (IST)

    ભરૂચ જિલ્લાના હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે બંધ

    ભરૂચ જિલ્લાના હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર કિમ નદીના પાણી ફરી વળતા, આ માર્ગ સતત બીજા દિવસે પણ વાહનોની અવરજવર માટે બંધ રહ્યો છે. સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી હજુ યથાવત રહ્યા છે. જેના પગલે, સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરાતા લોકોને હાલાકી પડી રહી છે.

  • 05 Sep 2024 08:53 AM (IST)

    આજે સવારના 6થી 8 સુધીના બે કલાકમાં 35 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં બે ઈંચ

    આજે 5 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સવારના 6થી8 વાગ્યા સુધીના બે કલાકમાં 35 તાલુકામાં 1 મિલીમીટરથી લઈને 42 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના થરાદમાં 42 મિલી મીટર વરસાદ નોંધાયો છે. તો મહેસાણાના વિજાપુરમાં 19 મિલીમીટર વરસાદ વરસ્યો છે.

  • 05 Sep 2024 08:24 AM (IST)

    વડોદરાને પૂરથી બચાવવા BJP ના ધારાસભ્યે શિવ ભગવાનને પ્રાર્થના કરતા લગાવ્યા હોર્ડિગ્સ

    વડોદરાના ધારાસભ્યને તંત્ર પરથી ભરોષો ઉઠી ગયો હોય તે રીતે શહેરને પૂરથી બચાવવા શિવ ભગવાનને પ્રાર્થના કરતા હોર્ડિગ્સ ભાજપના ધારાસભ્યે લગાવ્યા છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે, વડોદરા શહેરને જળપ્રલયથી બચાવવા શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિગ્સ લગાવ્યા છે. આ પ્રકારના હોર્ડિગ્સ લગાવીને ધારાસભ્ય તેમની જ સરકાર, તેમની જ મહાનગરપાલિકા અને તેમના જ પક્ષની જિલ્લા પંચાયતનુ તંત્ર કામ કરવામાં વામણું હોવાનું સાબિત કરી રહ્યાં છે તેમ લોકોનું કહેવું છે.

  • 05 Sep 2024 07:52 AM (IST)

    ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, વર્તમાન ચોમાસામાં રાજ્યનો સરેરાશ વરસાદ 118 ટકા

    ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં 31 જિલ્લાના 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 69 મિલીમીટર નોંધાયો છે. આ સાથે આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 118 ટકા નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં 183 ટકા, ઉત્તર ગુજરાતમાં 98.73 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 115 ટકા, સૌરાષ્ટ્રમાં 126.82 ટકા અને દક્ષિણ ગુજરાતાં 120 ટકા વરસાદ વરસ્યો છે.

  • 05 Sep 2024 07:45 AM (IST)

    મહેસાણાના વિસનગરમાં એકના ડબલની લાલચે રૂ. 2.30 કરોડ ગુમાવ્યા

    મહેસાણાના વિસનગરમાં એકના ડબલની લાલચે રૂ. 2.30 કરોડ ગુમાવ્યા હોવાનો કેસ સામે આવ્યો છે. મહેસાણાના વિસનગરના તાલુકા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. વિસનગરના કડા ગામના કિરીટ સમરૂજી ચાવડાએ, વિસનગર તાલુકા પોલીસ મથકે,  ચાવડા કિરીટસિંહ અને ચાવડા વિશાલસિંહ વિરૂદ્ધ  ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

    આરોપીઓએ ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આપી હતી. જેમા 75 દિવસમાં રૂપિયા ડબલ કરવાની ખાતરી આપતી સ્કીમ બાબતે જણાવ્યુ હતું. ફરિયાદી પાસે રૂ. 7.5 લાખ રોકડા લઈ ચેક પણ આપ્યો હતો. 75 દિવસ પૂરા થતા પૈસા ડબલ થયા નહિ. આરોપીએ આપેલ ચેક પણ બાઉન્સ થતા ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ફરિયાદી અને અન્ય લોકો સાથે મળીને કુલ કુલ રૂ. 2 કરોડ 30 લાખ પડાવી લીધા હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર મામલે બંને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી વિસનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 05 Sep 2024 07:40 AM (IST)

    નવસારીના ઈટાળવામાં એસટી બસે સર્જયો અકસ્માત, એકનું મોત

    નવસારી શહેરના ઇટાળવા વિસ્તારમાં ગણદેવીથી નવસારી શહેર તરફ આવતી એસટી બસનાં ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હતો. ડોગી ફળિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા 35 વર્ષે યુવકને એસટી બસના ચાલકે અડફેટે લીધો હતો. બસની અડફેટે આવેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે એસટી બસ ચાલકને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 05 Sep 2024 07:28 AM (IST)

    સુપ્રીમ કોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે

    સુપ્રીમ કોર્ટ આજે શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. CBI કેસમાં કેજરીવાલના જામીન પર સુનાવણી થશે. કેજરીવાલે સીબીઆઈએ કરેલી તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

  • 05 Sep 2024 06:52 AM (IST)

    જ્યોર્જિયાની શાળામાં ગોળીબાર, 4ના મોત, અનેક ઘાયલ

    જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં કરાયેલા આડેઘડ ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલુ છે. દરમિયાન, ઈમરજન્સી સેવાઓ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે અને એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સમયે શાળામાં 1900 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા.

  • 05 Sep 2024 06:30 AM (IST)

    પેરિસ પેરાલિમ્પિક્સમાં ધરમવીરે ક્લબ થ્રોમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, પ્રણવ સુરમાએ જીત્યો સિલ્વર મેડલ

    ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ક્લબ થ્રોમાં ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કરી છે. ધરમવીરે 34.92 મીટરના થ્રો સાથે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રણવ સુરમાએ પણ 34.59ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

Published On - Sep 05,2024 6:29 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">