હવેથી જો તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે. ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. જો કોઇ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે આવતીકાલે વિધાનસભામાં બિલ પસાર થાય બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.
ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવશે અને ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો તે શાળાને રૂપિયા 2 લાખનો દંડ કરાશે. અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી માસમાં જ શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવવા મુદ્દે ગુજરાતહાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હજુ પણ કેન્દ્રીય વિદ્યાલય સહિત અને બોર્ડમાં ગુજરાતી ન ભણાવતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે, સરકારના જ પરિપત્રનો શા માટે અમલ કરાવવામાં નથી આવી રહ્યો? રાજ્ય સરકારે 23 શાળાને નોટિસ આપી હોવાની જાણ હાઇકોર્ટને કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે આગામી દિવસોમાં ફરજીયાત ગુજરાતી ભણાવાય તે પ્રકારે પગલાં લેવાશે.
સ્કૂલોમાં માતૃભાષા ગુજરાતી નહીં ભણાવવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે સરકાર પાસે આવી સ્કૂલો શા માટે ગુજરાતી નથી ભણાવતી? તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારને બે વખત જવાબ રજૂ કરવા આદેશ કરવા છતા સોગંદનામું કરવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ સરકારે રજૂ કરેલા જવાબમાં 13 સ્કૂલોમાં જ ગુજરાતી નહી ભણાવતી હોવાનો જવાબ આપ્યો હતો. હાઇકોર્ટે આવી સ્કૂલો પાસે ખુલાસો માગ્યો છે કે કયા કારણથી ગુજરાતી ભણાવતા નથી?
Published On - 5:40 pm, Mon, 27 February 23