ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ, વિકાસની ભરમાર આપ્યા બાદ 2024માં 26 બેઠક પર હેટ્રિક સર્જવાનો પડકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. તમામ અવરોધોને પાર કરી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલના મૃદુ પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ઘણી સિદ્ધિઓ મેળવી છે
વિકાસની સતત હરળફાળ ભરી રહેલા ગુજરાતમાં 156 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. તમામ અવરોધોને પાર કરી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલના મૃદુ પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે એવી સિદ્ધિઓ મેળવી છે કે જેની નોંધ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ લેવાઇ છે.
તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં સૌ દાદાના હુલામણા નામથી ઓળખે છે. G-20 બેઠકોનું સફળ આયોજન હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કરોડોના રોકાણો માટે MOU હોય, ખેડૂતો હોય કે મહિલાઓ, કે પછી હોય યુવાનો, ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી. ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી વંચિતો અને આદિવાસીઓને પણ વિકાસના સહભાગી બનાવ્યા.
અનેક પડકારોનો સામનો કર્યો
જો કે છેલ્લા એક વર્ષ દરમિયાન દાદાની સરકાર સામે અનેક પડકારો આવ્યા, પરંતુ દાદાએ તેમના નેતૃત્વ થકી તમામ પડકારોનો સામનો કર્યો. પેપર લીકની ઘટનાઓ હોય કે પછી મોરબી બ્રિજ દુર્ઘટના હોય, કે પછી સરકારી કર્મચારીઓના આંદોલન હોય, સરકારે ત્વરિત અને પ્રજાના હિત માટે જરૂરી જણાય ત્યાં કડક પગલાં ભર્યા અને ભૂપેન્દ્ર પટેલની સરકાર જન જનની દરકાર લેતી હોવાનો લોકોને અહેસાસ કરાવ્યો.
લોકસભાની તમામ 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો પડકાર
જો કે આગામી સમયમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેની સરકાર સામે અનેક મોટા પડકારો છે. 2024ની ચૂંટણીમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો સૌથી મોટો પડકાર છે. 2014 અને 2019માં તમામ બેઠકો જીતી હતી, ત્યારે હવે 2024માં પણ આ જ પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. આ પણ વાંચો-આજનું હવામાન : કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાની સંભાવના, જાણો કમોસમી વરસાદ ક્યાં પડશે, જુઓ વીડિયો
બીજી તરફ રાજ્યમાં ચોતરફ ફૂટી નીકળેલી નકલીની ભરમારને અટકાવવી એ સરકાર માટે પડકારજનક છે. નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી અધિકારીઓ સહિત નકલીના નેટવર્કને કેવી રીતે સરકાર નાથશે ? તો જ્ઞાન સહાયક યોજના સહિત ભરતી પ્રક્રિયામાં સતત ઉઠતા વિવાદો પણ સરકાર માટે માથાનો દુઃખાવો બન્યા છે. સાથે જ વહીવટમાં અધિકારી રાજ દૂર કરવાનો પણ પડકાર છે.