ઈકો સેન્સિટીવ ઝોન લાગુ ન કરવા ખેડૂતો લડી લેવાના મૂડમાં, કાયદાના વિરોધમાં મળ્યુ સંમેલન- Video
રાજ્યમાં ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે શરૂ થયેલો વિવાદ દિવસે દિવસે વધુ ઘેરો બની રહ્યો છે, આ કાયદાના વિરોધમાં ઉતરેલા ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને કોઈપણ રીતે નમતુ જોખવા તૈયાર નથી. કિસાન સંઘ દ્વારા ઈકો ઝોનના વિરોધમાં સંમેલન આયોજિત કરવામાં આવ્યુ છે.
ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ઈકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તે માટે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. ઈકો સેન્સિટીવ ઝોન વિરુદ્ધ ખેડૂતોનો રોષ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના તાલાલા મેન્ગો માર્કેટ ખાતે કિસાન સંઘ દ્વારા ઈકો ઝોનના વિરોધમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સરપંચોથી લઈ સાંસદ સુધીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખુદ ભાજપના જ નેતાઓ તેમાં સામેલ થયા.
જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, સાંસદ રાજેશ ચુડાસમા તેમજ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ હાજરી આપી. ઈકો ઝોનના કાયદા સામે કેવી રીતે લડવું ? કઈ રીતે તેને પાછો ધકેલવો. તે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એક જ માંગ છે કે ઈકો સેન્સિટીવ ઝોન નાબૂદ કરાય અને સૌથી પહેલાં ખેડૂતોને સમજાય તેવી ભાષામાં સ્પષ્ટીકરણ થાય.
ઈકો સેન્સિટીવ ઝોનને ખેડૂતો “મોટા માથાઓને બચાવવવા ખેલ” ગણાવી રહ્યા છે. જ્યાં સિંહની અવરજવર જ નથી તેવા ગામોને ઈકો સેન્સિટીવ ઝોનમાં આવરી લેવાયા છે. અને ગીરનું હૃદય ગણાતા સાસણ કે જ્યાં સિંહની વધારે વસ્તી છે તેને જ બકાત રખાયું છે ! ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે તો જંગલો ક્યારનાય ઉજાડી દીધાં છે અને સિંહો ખેડૂતોના લીધે જ બચ્યા છે અને હવે સરકાર ખેડૂતો ઉપર પણ તવાઈ લાવવા માંગે છે.
આ મુદ્દે રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજૂઆતની તૈયારીઓ કરી લેવાઈ છે. વધુમાં વધુ લોકો મેઈલ કરીને આ રજૂઆત પહોંચાડે તેવાં પણ પ્રયાસો હાથ ધરાયા છે. જો ઈકો ઝોનનો નિર્ણય પાછો ન લેવાયો તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનથી લઈ ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી અપાઈ છે. આક્ષેપ છે કે જો ઈકો ઝોન લાગુ થયો તો ખેડૂતો પાયમાલ થઈ જશે.