એક તરફ દેશના મધ્ય અને પશ્ચિમ છેડે ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ દેશના પૂર્વ છેડે આવેલા બંગાળની ખાડીમાં, નૈઋત્યના ચોમાસા પહેલા વાવાઝોડુ આકાર પામી રહ્યું છે, પરંતુ આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાત સહીત રાજસ્થાનમાં પડી રહેલ ભીષણ ગરમી ઓછી નહી થાય.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું. છેલ્લા એક સપ્તાહથી સતત ઉચે જ ઉચે જઈ રહેલા ગરમીના પારાને કારણે અસહ્ય લાગતી ગરમી હવે ભીષણ લાગી રહી છે. ગુજરાતમાં આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી ગરમીએ પાછલા અનેક વર્ષના મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તુટી રહ્યો છે.
આજે અમદાવાદમાં ગુજરાતની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આજે 46.6 ડિગ્રી નોંધાઈ છે. જે 2016ના મે મહિના પછી સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 45.7 ડિગ્રી, વડોદરામાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલ અતિશય ગરમીને કારણે મોડી રાત્રી સુધી ગરમ લૂ જેવો પવન રહે છે. દિવસે નોંધાતી વિક્રમી ગરમીને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. છેલ્લા એક સપ્તાહથી એકધારી ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા ગરમીની અસર ઓછી થાય તે માટે તકેદારી રાખવાની સૂચનાઓ આપવમાં આવી રહી છે. બપોરના 12થી સાંજના 4 વાગ્યા સુધીમાં બહાર ના નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કે અતિશય ગરમીને કારણે મોટાભાગના શહેરોના રાજમાર્ગો બપોરના સમયે સુમસામ જોવા મળે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું અતિ તીવ્ર મોજૂ ફરી વળશે. રાજસ્થાનની સાથોસાથ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ હીટવેવની અસર જોવા મળશે. માત્ર મેદાની પ્રદેશ જ નહી, આ વર્ષે પર્વતીય વિસ્તાર એવા હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં પણ ગરમીનું મોજૂ અસર કરશે.
ગુજરાતમાં તો ગત 15મી મેથી ગરમીનું મોજૂ પ્રવર્તી રહ્યું છે. ખાસ કરીને ઉતર તેમજ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો સતત ઉપરને ઉપર જ જળવાઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં રાત્રીનું લઘુત્તમ તાપમાન પણ વિક્રમી કહી શકાય એ રીતે સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં રાત્રીનું તાપમાન છેલ્લી કેટલીક રાત્રીથી 30 ડિગ્રીથી ઉપર જ નોંધાયેલું રહ્યું છે.
ગત રાત્રીએ ગુજરાતના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રી વધુ એટલે કે, 30.8 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં રાત્રીના સમયે 28 ડિગ્રી, વડોદરામાં 31.2 ડિગ્રી, ભાવનગરમાં 30.6 ડિગ્રી, ભૂજમાં 27.3 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 29 ડિગ્રી, દાહોદમાં 31.6 ડિગ્રી, ડીસામાં 29 ડિગ્રી, ગાંધીનગરમાં 30.8 ડિગ્રી, જામનગરમાં 28.5 ડિગ્રી, નલિયામાં 27.4 ડિગ્રી, રાજકોટમાં 25.3 ડિગ્રી, સુરતમાં 29.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 29.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આજે 23મી મેને ગુરુવારના રોજ સવારે સાડા આઠ વાગે અમદાવાદમાં ભેજનું પ્રમાણ 50 ટકા, અમરેલીમાં 56 ટકા, વડોદરામાં 48 ટકા, ભૂજમાં 55 ટકા, ભાવનગરમાં 39 ટકા, ગાંધીનગરમાં 57 ટકા, રાજકોટમાં 67 ટકા, સુરતમાં 70 ટકા અને સુરેન્દ્રનગરમાં 54 ટકા ભેજ હવામાનમાં નોંધાયો હતો.
Published On - 6:14 pm, Thu, 23 May 24